મર્ડેલ, આલ્વા (જ. 31 જાન્યુઆરી 1902, ઉપાસલા, સ્વીડન; અ. 2 ફેબ્રુઆરી 1986, સ્ટૉકહોમ) : સ્વીડનનાં રાજકારણી મહિલા, શાંતિવાદી સુધારાનાં પ્રણેતા અને સમાજવિજ્ઞાની. તેમણે ઉપાસલા, સ્ટૉકહૉમ અને જિનીવા ખાતેની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 1982માં તે નોબેલ શાંતિ પુરસ્કારનાં સહવિજેતા બન્યાં. સામાજિક જાગરુકતા ધરાવતા મધ્યમવર્ગીય પરિવારમાં તેમનો ઉછેર થયેલો. શિક્ષિકા તરીકેની લાંબી કારકિર્દી અને સ્વીડનની ટીચર્સ કૉલેજમાં નિયામક તરીકેની કામગીરી પછી 1949માં તે ‘યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઑવ્ સોશિયલ વેલફેર’નાં વડાં નિમાયાં. 1950માં તે યુનેસ્કોના ‘ડિપાર્ટમેન્ટ ઑવ્ સૉશિયલ સ્ટડીઝ’નાં નિયામક નિમાયાં. 1955માં તે ભારત ખાતે એલચી નિયુક્ત થયાં. બિનસમાજવાદી વર્તુળોમાં તેમના પ્રત્યે આશંકા અને અવિશ્વાસનો પ્રતિભાવ હતો, કેમ કે તેમનાં મંતવ્યો અત્યંત ઉદ્દામવાદી તેમજ અત્યંત અવ્યવહારુ લેખાતાં હતાં. ટૂંકા ગાળામાં જ તે જવાહરલાલ નહેરુ સાથે તેમજ તમામ સ્તરનાં ભારતીયજનો સાથે સુમેળભર્યો સંબંધ કેળવી શક્યાં. તેમની નિયુક્તિ વખતે આઘાત પામેલા સ્વીડનના વેપારીવર્ગને તેમની ભારત ખાતેની વેપાર સંબંધી કામગીરીથી સંતોષ અને આનંદ થયો. મ્યાનમાર (બર્મા) અને શ્રીલંકા (સિલોન) ખાતે પણ તે એલચી રહ્યાં હતાં.
1961માં તેમને સ્વીડનના વિદેશમંત્રીનાં નિ:શસ્ત્રીકરણ માટેનાં ખાસ મદદનીશ તરીકે નિમણૂક મળી. 1962માં તેમણે સત્તાધારી ‘સૉશિયલ ડેમૉક્રેટિક પાર્ટી’ તરફથી પાર્લમેન્ટનાં સભ્ય બની રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1966માં તે સ્વીડનના મંત્રીમંડળમાં નિ:શસ્ત્રીકરણ અને ચર્ચને લગતી બાબતોનાં મંત્રી નિમાયાં.
ગુનાર મર્ડેલ સાથે 6 દશકાનું લગ્નજીવન ગાળ્યું. ગુનાર મર્ડેલ અર્થશાસ્ત્રી હતા અને તેમને 1974માં અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. પત્નીનાં આવાં કાર્યોમાં તે સતત સહકાર આપતા. ગુનાર દંપતીએ સંયુક્ત રીતે લખેલો એક મહત્વનો ગ્રંથ ‘ધ ક્રાઈસિસ ઇન ધ પૉપ્યુલેશન ક્વેશ્ચન’ 1934માં પ્રગટ થયો ત્યારે સ્વીડનનો સમાજ ચોંકીને ખળભળી ઊઠ્યો હતો. એ પુસ્તકમાં તેમણે ઘટતા જતા જન્મપ્રમાણ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ સાથોસાથ તેમણે સંપૂર્ણપણે સ્વૈચ્છિક માતૃત્વ, જાતીય શિક્ષણ તથા સંતતિનિયમનનાં સાધનોના ઉપયોગની પણ ભલામણ કરી હતી અને એ જમાનામાં આ તદ્દન પ્રગલ્ભ અભિગમ ગણાયો હતો. આંતરરાષ્ટ્રીય શાંતિ આંદોલનમાં તે નિરંતર અંગ્રેસર રહ્યાં, 1970માં તેમને વેસ્ટ જર્મન પીસ પ્રાઈઝ તથા 1980માં આલ્બર્ટ આઇન્સ્ટાઇન પીસ પ્રાઈઝ મળવા ઉપરાંત નિ:શસ્ત્રીકરણની કામગીરી બદલ અનેક શાંતિ પુરસ્કારો મળ્યા હતા.
મહેશ ચોકસી