મર્ડૉક, જીન આયરિસ (જ. 15 જુલાઈ 1919, ડબ્લિન; અ. 1999) : બ્રિટિશ મહિલા નવલકથાકાર, નાટ્યકાર તથા વિવેચક. લગ્ન બાદ તેઓ શ્રીમતી જે. ઓ. બેલી તરીકે ઓળખાતાં હતાં.

બાળપણ લંડનમાં ગાળ્યા બાદ ફ્રોબેલ એજ્યુકૅશનલ ઇન્સ્ટિટ્યૂટ તથા બ્રિસ્ટલની બૅડમિન્ટન સ્કૂલમાં અભ્યાસ. 1938–42 ઑક્સફર્ડમાં સમરવિલ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. 1942–44 વચ્ચે બ્રિટિશ ટ્રેઝરીમાં અને પછીનાં 2 વર્ષ યુનાઇટેડ નેશન્સ રિલીફ ઍન્ડ રીહેબિલિટેશન ઍડમિનિસ્ટ્રેશનમાં વહીવટી અધિકારી તરીકે કામગીરી સંભાળી.

બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ તેમણે કેમ્બ્રિજની ન્યૂનહામ કૉલેજ ખાતે તત્વજ્ઞાનમાં સેરા સ્મિથસન શિષ્યવૃત્તિ મેળવીને લુડવિગ વિટ્જેન્સ્ટાઇન પાસે અભ્યાસ કર્યો. 1948માં ઑક્સફર્ડની સેન્ટ ઍન કૉલેજનાં ફેલો તરીકે પસંદગી પામ્યાં.

1950ના દશકામાં તેમની ગણના તત્કાલીન શ્રેષ્ઠ નવલકથાકાર તરીકે થવા લાગી. તેમનું વિવેચનાત્મક પ્રથમ પુસ્તક ‘સાર્ત્ર, રોમાન્ટિક રૅશનલિસ્ટ’ 1953માં પ્રગટ થયું. ત્યારપછીની 2 નવલકથાઓ, ‘અન્ડર ધ નેટ’ (1954) અને ‘ધ ફ્લાઇટ ફ્રૉમ એન્ચૅન્ટર’ (1956) પ્રગટ થઈ. તેમાંનાં બુદ્ધિકૌશલ, વિનોદવૃત્તિ, સ્વસ્થ ગાંભીર્ય, રસાળ મનોરંજકતા, માનવસ્વભાવ તથા તેમના તનાવના સાહજિક વિશ્લેષણ માટે આ બે કૃતિઓ પ્રશંસાપાત્ર ઠરી છે.

જીન આયરિસ મર્ડૉક

તેમની અન્ય નવલકથાઓ પૈકી ‘એ સેવર્ડ હેડ’ (1961); ‘ધ રેડ ઍન્ડ ગ્રીન’ (1965); ‘ધ નાઇસ ઍન્ડ ધ ગુડ’ (1968); ‘ધ બ્લૅક પ્રિન્સ’ (1973) અને ‘ધ સી, ધ સી’ (1978) નોંધપાત્ર છે. તેમાં ‘ધ સી, ધ સી’ બુકર પ્રાઇઝ વિજેતા નીવડી હતી. તેમની છેલ્લી નવલકથા ‘નન્સ ઍન્ડ સોલ્જર્સ’ 1980માં પ્રગટ થઈ. નવલકથાઓ ઉપરાંત તેમણે નાટકો, કાવ્યો અને તત્વજ્ઞાન તેમજ સાહિત્યવિષયક લેખો-વિવેચનો પણ આપ્યાં છે.

1987માં તેમનું ‘ડેમ’ના ખિતાબ વડે સન્માન કરાયું હતું.

બળદેવભાઈ કનીજિયા