મર્ડેકા ટુર્નામેન્ટ

January, 2002

મર્ડેકા ટુર્નામેન્ટ : મલેશિયાની આઝાદીની સ્મૃતિમાં યોજાતી સ્પર્ધા. ‘મર્ડેકા’ મલેશિયન શબ્દ છે; તેનો અર્થ થાય છે ‘આઝાદી’. 1957માં મલેશિયાને આઝાદી મળી ત્યારે તેની યાદમાં મલેશિયાના તે સમયના વડાપ્રધાન ટુન્કુ અબ્દુલ રહેમાને આ ‘મર્ડેકા ફૂટબૉલ ટુર્નામેન્ટ’ની શરૂઆત 1957માં પાટનગર કુઆલાલુમ્પુર મુકામે કરી હતી. ટુન્કુ અબ્દુલ રહેમાન ખૂબ જ રમતપ્રેમી વડાપ્રધાન હતા. પ્રારંભના વર્ષમાં જ આ ટુર્નામેન્ટને એટલી બધી સફળતા મળી કે ફૂટબૉલ એસોસિયેશન ઑવ્ મલેશિયાએ આઝાદીના એક ઉત્સવરૂપે મર્ડેકા ફૂટબૉલ ટુર્નામેન્ટ દર વર્ષે યોજવાની શરૂઆત કરી દીધી. આજે તો મર્ડેકા ફૂટબૉલ ટુર્નામેન્ટની ગણના એશિયાખંડમાં ફૂટબૉલની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ તરીકે થાય છે, કારણ કે ફૂટબૉલની રમત હવે યુરોપની જેમ એશિયામાં પણ લોકપ્રિય થવા માંડી છે.

ભારત પણ મર્ડેકા ફૂટબૉલ ટુર્નામેન્ટમાં રસપૂર્વક ભાગ લે છે, તેમજ તેમાં સારો દેખાવ પણ કરે છે, દા.ત., 1964માં ચુની ગોસ્વામીના કૅપ્ટનપદે ભારતે મર્ડેકામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. આજે  ફૂટબૉલની ગણના વિશ્વની લોકપ્રિય રમતોમાં થાય છે. તેથી આજે મર્ડેકા ફૂટબૉલ ટુર્નામેન્ટ-વિજેતાને પ્રતિષ્ઠા આપવામાં આવે છે. ભારતમાં ફૂટબૉલને લોકપ્રિય બનાવવામાં તેમજ તેને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવામાં સૈયદ અબ્દુલ રહીમ તથા શૈલેન્દ્રનાથ મન્ના જેવા ફૂટબૉલના રાહબરોનો ગણનાપાત્ર ફાળો છે.

મર્ડેકા ટુર્નામેન્ટ એશિયાખંડની સૌથી જૂની ઇન્વિટેશન ફૂટબૉલ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મુખ્ય ફૂટબૉલ ખેલાડીઓમાં અરુણલાલ ઘોષ, બલરામ તુલસીદાસ, ચંદ્રશેખર પ્રસાદસિંહ, ગુરુદેવસિંહ ગિલ, ઇન્દરસિંહ, જર્નેલસિંહ, મોહમ્મદ યૂસુફખાન, પીટર તુંગરાજ, રામાસ્વામી, પ્રદીપકુમાર બેનર્જી તથા સૈયદ નયીમુદ્દીનનો સમાવેશ થાય છે. તેમાંથી અરુણલાલ ઘોષ, ચંદ્રશેખર પ્રસાદસિંહ, ગુરુદેવસિંહ ગિલ, ઇન્દરસિંહ, સુબિમલ, ચુની ગોસ્વામી તો ભારતીય ટીમના કૅપ્ટન તરીકે પણ રહી ચૂક્યા છે. શૈલેન્દ્રનાથ મન્ના 1961માં મર્ડેકામાં ભાગ લેવા ગયેલી ભારતીય ટીમના રાહબર પણ હતા. સૈયદ નયીમુદ્દીન જેવા ખેલાડીઓએ મર્ડેકા ટુર્નામેન્ટમાં ભારતનું 7 વખત એટલે કે 1964 તથા 1966થી 1971 સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતે એક વાર આ ટુર્નામેન્ટમાં ત્રીજું સ્થાન પણ પ્રાપ્ત કર્યું હતું.

પ્રભુદયાલ શર્મા