મકર્યુરી (પારો) : તત્વોના આવર્તક કોષ્ટકના 12મા (અગાઉના IIA) સમૂહનું રાસાયણિક તત્વ. સંજ્ઞા Hg. ભારતમાં આ તત્વને ‘રસ’ તરીકે ઓળખવામાં આવતું અને આયુર્વેદનાં ઘણાં ઔષધોમાં તેનો સંયોજનરૂપે ઉપયોગ થતો હતો. ગ્રીક અને રોમન વૈજ્ઞાનિકોને પણ તેના વિશે જાણકારી હતી. ઈ. પૂ. 500 અગાઉ ભૂમધ્ય-સમુદ્રના પ્રદેશોમાં સંરસીકરણ (amalgamation) દ્વારા ધાતુઓના નિષ્કર્ષણ માટે તેનો ઉપયોગ થતો હતો. જૂના વખતમાં હિંગળોક (vermilion) વર્ણક (pigment) તરીકે તેના સલ્ફાઇડ(સિનાબાર, HgS)નો ઉપયોગ થતો હતો. ધાતુની ગતિશીલતાને કારણે ઍરિસ્ટૉટલે તેને ‘પ્રવાહી ચાંદી’ તરીકે ઓળખાવેલ અને તે માટેના લૅટિન શબ્દ hydrargyrum પરથી આ તત્વને Hg સંજ્ઞા આપવામાં આવી.
પ્રાપ્તિ : કુદરતમાં મક્ર્યુરી લાલ સલ્ફાઇડ (સિનાબાર) રૂપે વધુ મળી આવે છે. ક્વચિત્ કાળા મેટા-સિનાબાર તરીકે પણ મળે છે. પૃથ્વીના બહારના 16 કિમી. જાડા પોપડામાં તેનું પ્રમાણ 5 x 10–5 % જેટલું હોય છે. વનસ્પતિમાં તે આના દસમા કે સોમા ભાગ જેટલું માલૂમ પડ્યું છે. માનવીના આંગળાના નખ તથા માથાના વાળ અનુક્રમે 1 x 10–4 % અને 2 x 10–4 % Hg ધરાવે છે. દરિયાના પાણીમાં તેની સાંદ્રતા 0.00003 મિગ્રા./લિટર છે. આમ બધા સમુદ્રોમાં થઈ પારાનું વજન 46 x 106 ટન જેટલું થાય.
તેની અગત્યની ખનિજો સ્પેન, ઇટલી, યુગોસ્લાવિયા, યુ. એસ. (કૅલિફૉર્નિયા, નેવાડા, ઑરેગન, ટેક્સાસ), મેક્સિકો, અગાઉના સોવિયેત સંઘના કેટલાક પ્રદેશો, બ્રાઝિલ, ચીન, જાપાન, હંગેરી, જર્મની, પેરૂ, કૅનેડા, અલ્જીરિયા, ફિલિપાઇન્સ ટાપુઓ, ચિલી વગેરેમાં મળે છે. સ્પેનની ખનિજ વધુ સમૃદ્ધ ગણાય છે. તેમાં 0.5થી 1.2 % (કેટલીક વાર 10 %થી 20 %) જેટલું Hg હોય છે. 1964માં સ્પેનની અલ્માડેન ખાણમાંથી 78,262 બાટલા [પ્રત્યેકમાં Hgનું વજન 134.5 કિગ્રા. અથવા 76 પાઉન્ડ, જૂના સ્પૅનિશ હન્ડ્રવેટ(hundred weight)નું માપ] જેટલા Hgનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. મર્ક્યુરીની વાર્ષિક વપરાશ 4,000 ટન જેટલી અંદાજવામાં આવે છે.
નિષ્કર્ષણ : મક્ર્યુરીનું નિષ્કર્ષણ મુખ્યત્વે સિનાબાર ખનિજમાંથી કરવામાં આવે છે. હવાની હાજરીમાં નિસ્તાપન અને નિસ્યંદન એકસાથે થાય છે. સિનાબારનું મર્ક્યુરીના ઑક્સાઇડમાં ઉપચયન થઈ સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ મુક્ત થાય છે. ભઠ્ઠીના તાપમાને મર્ક્યુરિક ઑક્સાઇડનું વિઘટન થઈ મર્ક્યુરી મુક્ત થાય છે, જેનું નિસ્યંદન દ્વારા શુદ્ધીકરણ કરવામાં આવે છે.
નિષ્કર્ષણની આધુનિક પદ્ધતિમાં ખનિજ અને કોક(કાર્બન)નું મિશ્રણ શાફ્ટ ભઠ્ઠી(shaft furnace)ના ઉપરના ભાગેથી સતત ઉમેરતા જવામાં આવે છે.
ભઠ્ઠીની નીચેના ભાગમાં આવેલ બળતણને લીધે ગરમ વાયુઓ ઉપર આવે છે, જેમાં મર્ક્યુરી બાષ્પ, કાર્બન મૉનૉક્સાઇડ અને સલ્ફર ડાયૉક્સાઇડ વાયુઓ હોય છે. આ વાયુમિશ્રણ ભઠ્ઠીના ઉપરના ભાગમાં આવેલ દ્વારમાંથી બહાર આવે છે. મિશ્રણને જળશીતકમાંથી પસાર કરતાં મર્ક્યુરી પ્રવાહી રૂપે અલગ પડે છે. રાસાયણિક પ્રક્રિયાઓ નીચે મુજબ થાય છે :
2HgS + 3O2 → 2HgO + 2SO2
2HgO → 2Hg + O2
HgO + C → Hg + CO
કેટલીક વાર વધુ સમૃદ્ધ ખનિજમાં લોખંડ અથવા કળીચૂનો (quicklime) ઉમેરીને પણ અપચયન કરવામાં આવે છે.
HgS + Fe → Hg + FeS
4HgS + 4CaO → 4Hg + 3CaS + CaSO4
શુદ્ધીકરણ : મર્ક્યુરીમાં સામાન્ય રીતે ઝિંક અને લેડ(સીસું)ની અશુદ્ધિઓ હોય છે, જે પ્રવાહી મર્ક્યુરીની સપાટી પર અદ્રાવ્ય ઑક્સાઇડના પડ રૂપે તરે છે. આ અદ્રાવ્ય ઑક્સાઇડના પડને ગાળીને દૂર કરવામાં આવે છે. દ્રાવ્ય અશુદ્ધિઓનું અલગીકરણ કાચની લાંબી નળીમાં રાખેલા, નાઇટ્રિક ઍસિડ વડે એસિડિક બનાવેલા મર્ક્યુરી નાઇટ્રેટના દ્રાવણમાં અશુદ્ધ મર્ક્યુરીને પસાર કરીને કરવામાં આવે છે. ઝિંક અને લેડની અશુદ્ધિઓ તેમના નાઇટ્રેટ સ્વરૂપે દૂર થાય છે. ક્વાર્ટ્ઝના પાત્રમાં શૂન્યાવકાશમાં અશુદ્ધ મકર્યુરીનું નિસ્યંદન કરીને અંતિમ શુદ્ધીકરણ કરવામાં આવે છે.
ગુણધર્મો : મર્ક્યુરી એ ઝિંક-સમૂહનું ભારે, ચાંદી જેવું ચળકતું અને પ્રવાહી ધાત્વિક તત્વ છે. સામાન્ય તાપમાને પ્રવાહી હોય તેવી તે એકમાત્ર અને સૌથી બાષ્પશીલ ધાતુ છે. તે એક એવી ધાતુ છે કે જેની બાષ્પ ઉમદા વાયુઓને બાદ કરતાં એકપારમાણ્વિક છે. આ બાષ્પ અત્યંત ઝેરી હોય છે. ઘન સ્વરૂપે મર્ક્યુરી મૃદુ અને પ્રતન્ય હોય છે. પ્રવાહી મર્ક્યુરીની વિદ્યુતીય પ્રતિરોધકતા (resistivity) એક ધાતુ માટે અપવાદરૂપ કહી શકાય તેટલી ઊંચી હોય છે અને આથી તે પ્રતિરોધકતાના માનક (standard) તરીકે વપરાય છે. (આંતરરાષ્ટ્રીય ઓહ્મ એ 106.300 સેમી. લાંબા અને 1 મિમી2. આડછેદ ધરાવતા 14.4521 ગ્રા. મર્ક્યુરીના સ્તંભનો 0° સે. અને 760 મિમી.Hg દબાણે વિદ્યુત પ્રતિરોધ છે.) બધી ધાતુઓ કરતાં તેનો આયનીકરણ વિભવ (ionization potential) (પ્રથમ ઇલેક્ટ્રૉન માટે) 10.43eV જેટલો ઊંચો છે, જે તેની રાસાયણિક નિષ્ક્રિયતા સૂચવે છે. તે ઇન્ડિયમ, ટાઇટેનિયમ, કૅડમિયમ, ઝિંક વગેરે ઘણી ધાતુઓને પોતાનામાં દ્રાવ્ય કરવાનો વિશિષ્ટ ગુણ ધરાવે છે. આવી મિશ્રધાતુઓ સંરસ (પારદ-સંમિશ્રણ) (amalgam) કહેવાય છે. મર્ક્યુરીના કેટલાક અગત્યના ભૌતિક ગુણધર્મો આ સાથેની સારણીમાં દર્શાવ્યા છે.
મર્ક્યુરીના કેટલાક ભૌતિક ગુણધર્મો
ગુણધર્મ | મૂલ્ય |
પરમાણુક્રમાંક | 80 |
પરમાણુભાર | 200.59 (2) |
ઇલૅક્ટ્રૉનીય સંરચના | [xe]4f145d106s2 |
ગલનબિંદુ (°સે.) | –38.9 |
ઉત્કલનબિંદુ (°સે.) | 357 |
ઘનતા (25°સે.) (ગ્રા./ઘસેમી.) | 13.534 (1) |
વિદ્યુતઋણતા | 1.9 |
પ્રમાણભૂત વિભવ, E° (V) (M2+/M) | +0.8545 |
વિદ્યુતીય પ્રતિરોધકતા (20° સે.) (μઓહમ–સેમી.) | 95.8 |
પૃષ્ઠતાણ (0° સે.) (ડાઇન/સેમી.) | 480 |
શ્યાનતા (20° સે.) (પૉઇઝ) | 0.0155 |
રાસાયણિક ગુણધર્મો : મક્ર્યુરી બે ઉપચયન-અવસ્થા-મક્ર્યુરિક (Hg2+) અને મક્ર્યુરસ (Hg22+) ધરાવે છે. મક્ર્યુરસ આયનમાં મક્ર્યુરીના બે પરમાણુઓ સહ-સંયોજનથી જોડાયેલા હોય છે અને દરેક પરમાણુમાં એક સંયોજકતા (valence) ઇલેક્ટ્રૉન મુક્ત રહે છે.
સૂકી હવાની તેના પર અસર થતી નથી, પરંતુ ભેજવાળી હવામાં તે ઑક્સિજન, સલ્ફર અને હેલોજનો સાથે સંયોજાય છે. હવામાં 350° સે. તાપમાને ગરમ કરતાં તે ઑક્સિજન સાથે સંયોજાઈ ઑક્સાઇડ બનાવે છે, પણ વધુ ગરમી આપતાં 400° સે.એ તેનું વિઘટન થઈ ધાતુ પાછી મળે છે.
2Hg + O2 ↔ 2HgO
કસનળીમાં મર્ક્યુરીના ક્ષારને સોડિયમ કાર્બોનેટ સાથે ગરમ કરતાં મર્ક્યુરીનું ચળકતું દર્પણ કસનળીના ઠંડા ભાગ પર જોવા મળે છે. મર્ક્યુરી ક્ષારના દ્રાવણમાં તાંબા જેવી ધાતુનો સળિયો ડુબાડતાં તાંબા ઉપર મર્ક્યુરીના કણ જામે છે.
મર્ક્યુરી ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરી તેના સલ્ફેટ ક્ષાર બનાવે છે.
તે ગરમ મંદ નાઇટ્રિક ઍસિડમાંથી નાઇટ્રિક-ઑક્સાઇડ મુક્ત કરી નાઇટ્રેટ ક્ષાર બનાવે છે.
6Hg + 8 HNO3 → 3Hg2(NO3)2 + 4H2O + 2NO
સાંદ્ર નાઇટ્રિક ઍસિડ સાથે તે નાઇટ્રિક ઑક્સાઇડ અને ગરમ ઍસિડ સાથે નાઇટ્રોજન પેરૉક્સાઇડ મુક્ત કરી નાઇટ્રેટ ક્ષાર બનાવે છે.
3Hg. + 8HNO3 → 3Hg (NO3)2 + 4H2O + 2NO
Hg + 4HNO3 → Hg (NO3)2 + 2H2O + 2NO2
આલ્કલી તથા પાણીની મર્ક્યુરી પર અસર થતી નથી; જ્યારે ક્લોરીન અને બ્રોમીન સામાન્ય તાપમાને પણ તેની સાથે પ્રક્રિયા કરે છે.
મર્ક્યુરીની બાષ્પને પારમાણ્વિક હાઇડ્રોજન સાથે મિશ્ર કરી મર્ક્યુરી ચાપના વિકિરણ હેઠળ રાખતાં હાઇડ્રાઇડ બને છે. વીજવિભાર(electrical discharge)ની અસર હેઠળ મર્ક્યુરી HgNe, HgA, Hgkr અને HgXe જેવાં સંયોજનો પણ બનાવે છે.
પાણીની અલ્પ માત્રા ધરાવતો એમોનિયા વાયુ પ્રવાહી મર્ક્યુરી સાથે એક જોખમી પ્રક્રિયા આપે છે. એક વાતાવરણ દબાણે તે અત્યંત અસ્થાયી અને સ્ફોટક એવું રતાશપડતા કથ્થાઈ રંગનું (Hg2N)O (NH3)x સંયોજન (x ≤ 1) આપે છે. એમોનિયાના એક કરતાં વધુ વાતાવરણ દબાણે સ્થાયી સંયોજન (x = 1થી 8) મળે છે.
ઘણી ધાતુઓ મર્ક્યુરીમાં ઓગળી સંરસ બનાવે છે, જે ધાતુ-મર્ક્યુરી સંયોજનનું મર્ક્યુરીમાં બનેલું દ્રાવણ હોય છે. કલાઈ(ટિન)ના સંરસ અરીસા બનાવવા; જ્યારે સોનું, ચાંદી કે ઝિંકના સંરસ દાંતનાં પોલાણ ભરવા માટે વપરાય છે. સોડિયમ અને ઝિંક-સંરસ ઉપયોગી અપચયનકર્તા પદાર્થો (reducing agents) છે.
ઉપયોગ : બેરૉમિટર; થરમૉમિટર અને અન્ય વિદ્યુતીય સાધનોમાં મર્ક્યુરીનો ઉપયોગ થાય છે. ચાંદી અને સોનાના નિષ્કર્ષણમાં મર્ક્યુરી સંરસ અપચયનકારક તરીકે વપરાય છે. મર્ક્યુરીની બાષ્પ ભરેલા ગોળા પારજાંબલી તથા સફેદ પ્રસ્ફુરક દીવા તરીકે ઉપયોગમાં લેવાય છે. વિદ્યુતીય ચાંપોમાં તથા એકદિશકારકો(rectifiers)માં પણ મર્ક્યુરી વપરાય છે. અરીસા બનાવવામાં મર્ક્યુરીનો ઉપયોગ જાણીતો છે. કેટલાક ક્ષારોનાં દ્રાવણોના વિદ્યુતવિભાજન માટે મર્ક્યુરી એક વીજધ્રુવ તરીકે વપરાય છે. નાભિકીય શક્તિ ઉત્પન્ન કરતાં સંયંત્રોમાં તે ન્યૂટ્રૉનશોષક તથા શીતક તરીકે પણ વપરાય છે.
મર્ક્યુરીનાં સંયોજનો
મર્ક્યુરી મર્ક્યુરસ અને મર્ક્યુરિક – એમ બે પ્રકારનાં સંયોજનો બનાવે છે. મર્ક્યુરિક ક્ષારોમાં મર્ક્યુરી આયન દ્વિસંયોજક (Hg2+) હોય છે, જ્યારે મર્ક્યુરસ ક્ષારો દ્વિપરમાણુક દ્વિસંયોજક ક્ષારો (Hg22+) હોય છે. મર્ક્યુરીનો પરમાણુક્રમાંક 80 હોવાથી જો મર્ક્યુરસ ક્ષારો એક ઇલેક્ટ્રૉન ગુમાવીને બનતા હોય તો આયનમાં 79 ઇલેક્ટ્રૉન હોય. આ પૈકી એક ઇલેક્ટ્રૉન અયુગ્મિત (unpaired) હોવાથી આ ક્ષારો અનુચુંબકીય હોવા જોઈએ. પરંતુ તેઓ પ્રતિચુંબકીય (diamagnetic) હોવાથી અયુગ્મિત ઇલેક્ટ્રૉનની ગેરહાજરી સૂચવે છે. આ બતાવે છે કે મર્ક્યુરસ આયન એ દ્વિયુગ્મિત (dimeric) દ્વિસંયોજક આયન છે. મર્ક્યુરસની સરખામણીમાં મર્ક્યુરિક ક્ષારો વધુ સ્થાયી હોય છે. આ ક્ષારોની બાષ્પ ઝેરી હોય છે. ઘણા મક્ર્યુરસ ક્ષારો રંગીન હોય છે.
મર્ક્યુરિક ઑક્સાઇડ (HgO) : મક્ર્યુરી ધાતુને તેના ઉત્કલનબિંદુએ હવામાં ગરમ કરવાથી અથવા મક્ર્યુરિક નાઇટ્રેટને ગરમ કરતાં તેના વિઘટનથી ઑક્સાઇડ મળે છે.
2Hg + O2 ⇄ 2HgO
2Hg(NO3)2 → 2HgO + 4NO2 + O2
તે લાલ રંગનો, સ્ફટિકમય, પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે. બારીક વાટતાં તે પીળો બને છે. ઑક્સાઇડને વધુ ગરમ કરતાં વિઘટન થઈ મર્ક્યુરી ધાતુ છૂટી પડે છે.
મર્ક્યુરિક ઑક્સાઇડ મર્ક્યુરીના અન્ય ક્ષારો બનાવવા, પ્રોટીનના પૃથક્કરણ માટે, પ્રતિદૂષક (antifouling) પેઇન્ટ બનાવવા તેમજ ચેપરોધી દવાઓ બનાવવામાં વપરાય છે.
મર્ક્યુરિક ક્લોરાઇડ (HgCl2) : ગરમ મર્ક્યુરી પર ક્લૉરીન વાયુની અથવા મર્ક્યુરી ઑક્સાઇડની હાઇડ્રોક્લૉરિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી બનાવી શકાય છે.
Hg + Cl2 → HgCl2
HgO + 2HCl → HgCl2 + H2O
ઔદ્યોગિક રીતે તેનું ઉત્પાદન મક્યુરિક સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડના મિશ્રણને થોડા મૅંગેનીઝ ડાયૉક્સાઇડની હાજરીમાં ગરમ કરીને મેળવવામાં આવે છે.
HgSO4 + 2Nacl → HgCl2 + Na2SO4
મૅંગેનીઝ ડાયૉક્સાઇડની હાજરી મર્ક્યુરસ ક્લોરાઇડને બનતો અટકાવે છે. વિભાગીય સ્ફટિકીકરણ દ્વારા HgCl2 અલગ પાડી શકાય છે.
મર્ક્યુરિક ક્લોરાઇડ પાણીમાં અલ્પદ્રાવ્ય, સોયાકાર સ્ફટિક રૂપે હોય છે. સામાન્ય તાપમાને પાણીમાં તે 5 %થી 8 % અને ઊકળતા પાણીમાં 50 % જેટલો દ્રાવ્ય થાય છે. તે આલ્કોહૉલમાં પણ દ્રાવ્ય છે.
તે HgCl2.HgO જેવા ઑક્સિક્લોરાઇડ અને HgCl2.HCl જેવા દ્વિક્ષાર બનાવે છે. સ્ટેનસ ક્લોરાઇડ વડે તેનું અપચયન કરવાથી પ્રથમ મક્ર્યુરસ ક્લોરાઇડ બને છે અને ત્યારબાદ મર્ક્યુરી ધાતુ છૂટી પડે છે.
2HgCl2 + SnCl2 → Hg2Cl2 + SnCl4
Hg2Cl2 + SnCl2 → 2Hg + SnCl4
તેના દાહક ગુણધર્મને કારણે તે દાહક ઊર્ધ્વપાતક (corrosive sublimate) તરીકે પણ ઓળખાય છે. તે અત્યંત ઝેરી હોઈ તેની 0.2 ગ્રા. જેટલી માત્રા પણ ઘાતક નીવડી શકે છે.
મર્ક્યુરિક ક્લોરાઇડ અગત્યનો જંતુનાશક છે. સક્રિયકૃત (activated) કાર્બન પર અવશોષિત HgCl2 એસિટિલિનમાં હાઇડ્રૉજન ક્લોરાઇડ ઉમેરી વિનાઇલ ક્લોરાઇડ બનાવવા વપરાય છે. HgCl2નું દ્રાવણ સિલ્વર ક્લોરાઇડને ઓગાળવામાં વપરાય છે.
મક્યુરસ ક્લોરાઇડ (કેલોમલ) (Hg2Cl2) : મર્ક્યુરસ નાઇટ્રેટના દ્રાવણમાં સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરવાથી અથવા મર્ક્યુરિક ક્લોરાઇડનું સ્ટેનસ ક્લોરાઇડ વડે અપચયન કરવાથી મેળવી શકાય છે.
Hg2(NO)3 + 2NaCl → Hg2Cl2 + 2NaNO3
તે સફેદ, અસ્ફટિકમય તથા પાણી અને મંદ ઍસિડમાં અલ્પદ્રાવ્ય પદાર્થ છે. ગરમ સાંદ્ર નાઇટ્રિક ઍસિડમાં ઓગળીને તે મર્ક્યુરિક ક્ષાર બનાવે છે. ગરમ કરતાં તેનું વિઘટન થઈ મર્ક્યુરિક ક્લોરાઇડ બને છે અને મર્ક્યુરી ધાતુ છૂટી પડે છે.
તેનો ઉપયોગ કેલોમલ વીજધ્રુવ બનાવવા, પૉટરી ઉદ્યોગમાં તથા રેચક તરીકે થાય છે.
સંકીર્ણ ક્ષારો : મર્ક્યુરસ આયનો સંકીર્ણ ક્ષાર બનાવવાની ઓછી વૃત્તિ ધરાવે છે, જ્યારે મર્ક્યુરિક ક્ષારોની આવી વૃત્તિ પ્રબળ હોય છે. આ સંકીર્ણ ક્ષારોનો સમન્વયાંક (coordination number) 2, 4 અને 6 હોય છે. કેટલીક વાર 5 સમન્વયાંક ધરાવતાં સંયોજનો પણ બને છે. કાર્બન, નાઇટ્રોજન, હૅલોજનો, ફૉસ્ફરસ અને સલ્ફરના સંલગ્ની (ligand) સાથે મર્ક્યુરી સ્થાયી સંકીર્ણ ક્ષારો બનાવે છે. હૅલાઇડ સંકીર્ણોની સ્થિરતા F < Cl < Br < Iના ક્રમમાં હોય છે. એમોનિયા સાથે sp સંકરણ દ્વારા [Hg (NH3)2]2+ જેવાં રેખીય સંકીર્ણો, sp3 સંકરણ દ્વારા [Hg(NH3)4]2+ જેવાં સમચતુષ્કલકીય (tetrahedral); જ્યારે ઈથિલીન ડાઇએમાઇન સાથે Sp3d2 સંકરણ દ્વારા [Hg(en)3]2+ પ્રકારનાં અષ્ટફલકીય સંકીર્ણો બનાવે છે. બધાં જ સંકીર્ણો વિષમચુંબકતાનો ગુણ ધરાવે છે.
મર્ક્યુરીના અકાર્બનિક ક્ષારો કરતાં તેનાં કાર્બધાત્વિક સંયોજનો વધુ ઝેરી હોય છે. 1952માં જાપાનમાં મિનામાતા હોનારતમાં Me Hg SMe(Me = મિથાઇલ)યુક્ત માછલી ખાવાથી 52 માણસોનાં મૃત્યુ થયેલાં.
વિશ્લેષણ : મર્ક્યુરીના બધા ક્ષારો સોડિયમ બાઇકાર્બોનેટ સાથે ગરમ કરતાં ચળકતું દર્પણ આપે છે. મર્ક્યુરસ ક્ષારો હાઇડ્રોક્લૉરિક ઍસિડ સાથે અવક્ષેપ આપે છે. આ અવક્ષેપ એમોનિયાની હાજરીમાં કાળા બને છે. મર્ક્યુરિક ક્ષારોનું અવક્ષેપન હાઇડ્રોજન સલ્ફાઇડ વડે થાય છે. મર્ક્યુરીનું ભારમાપક પૃથક્કરણ સલ્ફાઇડના અવક્ષેપન દ્વારા, જ્યારે કદમાપક પૃથક્કરણ ફેરિક ક્ષાર સૂચક તરીકે વાપરીને એમોનિયમ થાયોસાયનેટ વડે થઈ શકે છે.
મર્ક્યુરીના નિર્ધારણ (determination) માટેની આધુનિક અને વધુ સંવેદનશીલ પદ્ધતિ ન્યૂટ્રૉન સક્રિયન વિશ્લેષણની છે. તેમાં 0.5 ગ્રા. જેટલા નમૂનાને 1012 ન્યૂટ્રૉન/ચોસેમી./સેકન્ડના ઉષ્મીય અભિવાહ(flux)માં બેથી ત્રણ દિવસ માટે વિકિરિત કરવામાં આવે છે. આ પદ્ધતિની સંવેદનશીલતાની સીમા 5 x 10–4 ppm Hg જેટલી છે.
ચિત્રા સુરેન્દ્ર દેસાઈ