મર્ક્યુરી (સ-માનવ અંતરીક્ષયાન-શ્રેણી)

January, 2002

મર્ક્યુરી (સ-માનવ અંતરીક્ષયાન-શ્રેણી) : અમેરિકાની પ્રથમ સ-માનવ અંતરીક્ષયાન શ્રેણીમાંનું કોઈ પણ યાન. મર્ક્યુરી યોજનાનો ઉદ્દેશ આ પ્રમાણેનો હતો : માનવીને અંતરીક્ષમાં પૃથ્વીની કક્ષામાં મૂકવો, અંતરીક્ષ-ઉડ્ડયન દરમિયાન તેની કાર્ય કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવું તથા તેને સુરક્ષિત અવસ્થામાં પૃથ્વી પર પાછો લાવવો.

દરેક મર્ક્યુરી અંતરીક્ષયાન શંકુ આકારનું હતું, જેની કુલ લંબાઈ 2.9 મી., મહત્તમ વ્યાસ 1.9 મી. અને વજન 1,400 કિગ્રા. હતાં. તેમાં શરીરના આકારને અનુકૂળ આવે તેવી ગાદીવાળી બેઠકમાં અંતરીક્ષ-પોશાક પહેરીને યાત્રી બેસતો હતો. ઉડ્ડયન દરમિયાન યાત્રી યાનની દિશાનું નિયંત્રણ કરી શકતો હતો, પરંતુ કક્ષા-પરિવર્તન શક્ય નહોતું. પરિસ્થિતિ-તંત્ર દ્વારા સ્વયંસંચાલિત રીતે યાનમાં વાતાવરણ અને તાપમાનનું નિયંત્રણ થતું હતું. પૃથ્વી પરના ઉતરાણ દરમિયાન વાતાવરણ સાથે ઘર્ષણથી ઉત્પન્ન થતી ગરમીથી યાનનું અંદરનું તાપમાન વધે નહિ તે માટે યાનની બરછટ સપાટી ઉપર બહાર ઊંચા તાપમાને ઓગળીને બાષ્પીભવન થઈ જાય તેવા ખાસ પદાર્થનું પડ (ablative coating) ચડાવેલું રહેતું હતું. ઉતરાણ દરમિયાન યાનની પ્રવેગિત ગતિને રોકવા માટે ઊર્ધ્વ-રૉકેટ, હવાઈ છત્રી તથા સમુદ્રમાં પડવાથી લાગતા આઘાતને ઓછો કરવા માટે હવા ભરેલા ફુગ્ગાનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સોવિયેત રશિયાના યુરી ગૅગેરિનની સૌપ્રથમ અંતરીક્ષયાત્રા (12 એપ્રિલ 1961)નાં ત્રણ અઠવાડિયાં પછી મે 5, 1961ના રોજ મર્ક્યુરીનું પહેલું ઉડ્ડયન કરવામાં આવ્યું હતું. આ ઉડ્ડયન ઉપ-કક્ષીય (sub-orbital) પ્રકારનું હતું, જેમાં કક્ષામાં જવા માટે જરૂરી ગતિ કરતાં થોડી ઓછી ગતિ સાથે યાત્રી ઍલન બી. શેપર્ડ સાથે મર્ક્યુરી યાન 186 કિમી.ની મહત્તમ ઊંચાઈ પર ગયું હતું અને કુલ 486 કિમી.ની યાત્રા 15 મિનિટમાં પૂરી કરીને સુરક્ષિત રીતે પૃથ્વી પર ઊતર્યું હતું. તે પછી મર્ક્યુરીનું બીજું ઉડ્ડયન પણ ઉપ-કક્ષીય હતું. 20 ફેબ્રુઆરી 1962ના રોજ મર્ક્યુરીના ત્રીજા અંતરીક્ષ-ઉડ્ડયનમાં અમેરિકાનો પ્રથમ અંતરીક્ષયાત્રી જૉન ગ્લેન પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા પૂરી કરીને સુરક્ષિત રીતે આટલાંટિક મહાસાગર પર બહામા ટાપુ નજીક ઊતર્યો હતો. ત્યારબાદ મર્ક્યુરીનાં ત્રણ અંતરીક્ષ-ઉડ્ડયનો કરવામાં આવ્યાં હતાં. 15 મે 1963ના છેલ્લા ઉડ્ડયનમાં ગૉર્ડન કૂપર પૃથ્વીની ફરતે બાવીસ પ્રદક્ષિણા પૂરી કરીને પૃથ્વી પર પાછો આવ્યો હતો.

પરંતપ પાઠક