મર્કેસાઇટ : પાયરાઇટ સાથે દ્વિરૂપતા ધરાવતું ખનિજ. પાયરાઇટ કરતાં તે વધુ સફેદ હોવાથી તેને શ્વેત લોહમાક્ષિક કહે છે.

મર્કેસાઇટ

રાસા. બંધા. : FeS2 (Fe : 46.6 %, S 53.4 %). સ્ફ. વર્ગ : ઑર્થોર્હોમ્બિક. સ્ફ. સ્વ.: સ્ફટિકો મોટેભાગે મેજ આકારના, (010) ફલક પર ચપટા; પિરામિડલ, પ્રિઝમૅટિક કે કેશમય પણ મળે. ફલકો ક્યારેક વળેલા હોય; ઘણુંખરું દળદાર; સૂક્ષ્મ દાણાદાર, અધોગામી સ્તંભસ્વરૂપે, વૃક્કાકાર, ગોલક સ્વરૂપના તો ક્યારેક વિકેન્દ્રિત રચનાવાળા પણ મળે. વિશિષ્ટપણે મળતો કૂકડાની કલગી જેવો આકાર તેની લાક્ષણિકતા બની રહે છે. યુગ્મતા (011) ફલક પર સામાન્ય, પાંચ ભાગમાં તારકયુગ્મતા પણ મળે. અપારદર્શક. સંભેદ : (101) ફલક પર સ્પષ્ટ, (110) પર અંશત: મળે. ભંગસપાટી : ખરબચડી, બરડ. ચમક : ધાત્વિક. રંગ : આછો, પિત્તળ જેવો પીળો, કલાઈ જેવો સફેદ, ખુલ્લો રહેતાં ઘેરો બની રહે. આ સ્થિતિમાં તે રંગવૈવિધ્ય બતાવે. ચૂર્ણરંગ : લીલાશ પડતો કાળો. કઠિનતા : 6થી 61. વિ. ઘ. : 4.92 ગણતરી મુજબ (4.89). પ્રાપ્તિસ્થિતિ : મર્કેસાઇટ પાયરાઇટ કરતાં ઓછું સ્થાયી છે. વધુ એસિડિક દ્રાવણોમાંથી પાયરાઇટ કરતાં નીચા તાપમાને તૈયાર થતું ખનિજ. તે મોટેભાગે માટી, શેલ, ચૉક (ખડી), ચૂનાખડક અને કોલસાના સ્તરો સાથે મળે છે. શિરા નિક્ષેપોમાં પરિણામી સલ્ફાઇડ તરીકે મળે છે. પ્રાપ્તિસ્થાનો : યુ. એસ., મેક્સિકો, બૉલિવિયા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, ચેકોસ્લોવેકિયા, કૅનેડા વગેરે.

ઉપયોગ : પાયરાઇટની જગાએ તે જ હેતુઓ માટે તેને ઉપયોગમાં લઈ શકાય છે. અગાઉ તેને કાપીને, ઓપ આપીને અલંકારો માટે વાપરવામાં આવતું હતું.

ગિરીશભાઈ પંડ્યા