મરૂદભિદ્ વનસ્પતિ

અભિશોષણના દર કરતાં બાષ્પોત્સર્જનનો દર ઘણો ઊંચો હોય તેવા પર્યાવરણમાં ઊગતી વનસ્પતિઓ. તેઓ સામાન્યત: જલજ વનસ્પતિઓ કરતાં વિપરીત લક્ષણો ધરાવે છે અને અત્યંત શુષ્ક હવા, ઊંચું તાપમાન, તીવ્ર પ્રકાશ, ઓછાં વાદળો અને વધારે પવન, વધારેપડતું બાષ્પોત્સર્જન (transpiration), શુષ્ક તથા છિદ્રાળુ મૃદા (soil) અને ઓછા વરસાદવાળા પર્યાવરણમાં થાય છે.

જ્યાં પાણીની ભૌતિક અછત ન હોય તેવા અત્યંત ક્ષારવાળા સમુદ્રકિનારાના પ્રદેશોમાં, અમ્લીય (acidic) મૃદા ધરાવતાં સ્થાનોમાં અને હિમાચ્છાદિત શીતપ્રદેશોમાં પણ આ પ્રકારની વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે. અત્યંત ક્ષારયુક્ત અને અમ્લીય મૃદામાં દ્રાવ્ય પદાર્થોની અતિ ઉચ્ચ સાંદ્રતાને કારણે પાણીનું શોષણ થઈ શકતું નથી. હિમાચ્છાદિત પ્રદેશોમાં તાપમાન અત્યંત નીચું હોવાથી મૂળ દ્વારા પાણીનું શોષણ થઈ શકતું નથી. આવા વિસ્તારો દેહધાર્મિક ર્દષ્ટિએ શુષ્ક ગણાય છે.

આકૃતિ 1 : મરૂદભિદ્ વનસ્પતિઓ : (અ) ફાફડો થોર, (આ) કુંવારપાઠું, (ઇ) ખરસાણી થોર

ડુબેન માયર(1959)ના મંતવ્ય મુજબ સામાન્ય ઋતુમાં વનસ્પતિના જીવાધાર(substratum)માં ઓછામાં ઓછું 20 સેમી.ની ઊંડાઈ સુધી પાણીનો અભાવ હોય ત્યારે તેમની વૃદ્ધિમાં અવક્ષય થાય છે. આવાં સ્વરૂપોને વાસ્તવિક મરુસ્વરૂપો (xeromorphs) ગણવાં જોઈએ.

રણ શુષ્ક પર્યાવરણનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે અને આવા પર્યાવરણમાં ઊગતી વનસ્પતિઓ વધારેપડતા બાષ્પોત્સર્જન અને પાણીના ઓછા પુરવઠાનો સામનો કરે છે. પાણીના પુરવઠાનું સંરક્ષણ તેમની સૌથી મોટી જરૂરિયાત છે અને આ હેતુ સિદ્ધ કરવા તેમનામાં જોવા મળતાં મુખ્ય અનુકૂલનો આ પ્રમાણે છે :

(1) મૂળ દ્વારા શોષણનું પ્રમાણ વધારવા માટેનાં અનુકૂલનો;

(2) જલ-સંચય માટેનાં અનુકૂલનો;

(3) બાષ્પોત્સર્જન ઘટાડવા માટેનાં અનુકૂલનો.

1. મૂળ દ્વારા શોષણનું પ્રમાણ વધારવા માટેનાં અનુકૂલનો : સામાન્યત: મરૂદભિદ્ વનસ્પતિઓ ક્ષુપ હોય છે અને સંઘનિત (condensed) સ્વરૂપ ધરાવે છે. તેમના હવાઈ (aerial) ભાગો કુંઠિત હોય છે. તેઓ પ્રરોહ (shoot) કરતાં વધારે વિસ્તીર્ણ (extensive) મૂળતંત્ર ધરાવે છે. તેમનું લાંબું સોટીમૂળ(tap root) વિપુલ પ્રમાણમાં પાર્શ્વીય મૂળો (lateral roots) ધરાવે છે. આ પાર્શ્વીય મૂળો મૂળરોમો દ્વારા સઘનપણે આચ્છાદિત હોય છે. આકડા (Calotropis procera) જેવી વનસ્પતિઓમાં તે પાણીની શોધમાં અવમૃદા(subsoil)માં ઊંડે પહોંચે છે. બાવળ (Acacia nilotica) અને ખીજડા (Prosopis cinararia) જેવાં કેટલાંક વૃક્ષોમાં મૂળ 9.0 મી.થી 16.0 મી. જેટલાં ઊંડાં જાય છે. આ પ્રકારના મૂળતંત્ર દ્વારા વનસ્પતિ પાણીનો પૂરતો જથ્થો પ્રાપ્ત કરવા સમર્થ બને છે. આવાં વૃક્ષો બાષ્પોત્સર્જનના ઊંચા દર સામે પણ જીવંત રહી શકે છે. તેઓ સુવિકસિત જલવાહક પેશીવાળાં કાષ્ઠીય (woody) પ્રકાંડ ધરાવે છે.

2. જલસંચય માટેનાં અનુકૂલનો : ઘણી મરૂદભિદ્ વનસ્પતિઓ જલસંચય કરે છે. તેઓ સપાટી ઉપરનું કે છીછરું મૂળતંત્ર ધરાવે છે. આ મૂળતંત્ર મૃદાની સપાટીની નીચે આડું વિસ્તરેલું હોય છે અને તેના ઉપર પુષ્કળ પ્રમાણમાં મૂળરોમો આવેલા હોય છે. આવા મૂળતંત્રને પૃષ્ઠીય પોષક (surface feeder) કહે છે. મૃદાની સપાટી ઉપરનાં સ્તરો અવારનવાર પડતા વરસાદનાં હળવાં ઝાપટાં વડે ભેજયુક્ત બને છે ત્યારે મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. તેથી મૃદા શુષ્ક બને તે પહેલાં વનસ્પતિને પૂરતાં પ્રમાણમાં પાણી મળે છે. વિસ્તીર્ણ પૃષ્ઠીય મૂળતંત્ર રણમાં થતી જલ-સંચાયક પેશી સાથે સંકળાયેલી રસાળ વનસ્પતિઓ માટે લાભદાયી છે. આ રીતે શોષાયેલા પાણીની જાળવણી અને સંગ્રહ થાય છે. કુંવારપાઠું (Aloe vera) અને રામબાણ(Agave americana)નાં પર્ણોમાં અને ફાફડા થોર(Opuntia dillenii)ના પ્રકાંડમાં જલસંચય થાય છે. આ જલસંચાયક પેશીના કોષો જલાનુરાગી (hydrophilic) કલિલો (colloids) ધરાવે છે. આ કલિલ દ્રવ્ય પાણીનું ઝડપથી શોષણ કરે છે, પરંતુ તેને ખૂબ મુશ્કેલીથી છોડે છે. શતાવરી (Asparagus racemosus) જેવી વનસ્પતિઓમાં પાણીનો સંગ્રહ મૂળમાં થાય છે. જલસંચાયક અંગો જાડાં અને રસાળ બને છે. મરૂદભિદ્ વનસ્પતિઓની આ કક્ષાને રસાળ (succulents) કહે છે. કેટલીક રસાળ વનસ્પતિઓમાં પર્ણો અલ્પવિકસિત કે શીઘ્રપાતી(caducous) હોય છે અને પ્રકાશસંશ્લેષી ભાગોની ઉપર અત્યંત જાડી રક્ષકત્વચા(cuticle) ધરાવે છે. પ્રકાંડની સપાટી ઉપર ખાડામાં રંધ્રો(stomata) આવેલાં હોય છે. આવાં રંધ્રોને નિમગ્ન રંધ્રો (sunken stomata) કહે છે. લાક્ષણિક રસાળ કુળોમાં કૅક્ટેસી, ક્રેઝ્યુલેસી અને આઇઝોએસીનો સમાવેશ થાય છે. લીલિયેસી, યુફોરબિયેસી અને ઍમેરીલિડેસી કુળની કેટલીક જાતિઓ માંસલ હોય છે.

આકૃતિ 2 : મરૂદભિદ્ વનસ્પતિઓ : (અ) શતાવરી, (આ) કેરડો,
(ઇ) આકડો, (ઈ) બાવળ, (ઉ) બોરડી, (ઊ) ભોંયરીંગણી.

રસાળ વનસ્પતિઓ પાણીથી ભરેલી પેશીઓમાં વિપુલ પ્રમાણમાં શ્લેષ્મ અને અત્યંત નાના આંતરકોષીય અવકાશો ધરાવે છે. તે ઝડપથી પાણી શોષે છે અને તેને જાળવવાનું ર્દઢ વલણ ધરાવે છે. પાણીનો બાષ્પોત્સર્જન દ્વારા સરળતાથી વ્યય થતો નથી. ઉપરાંત, બાષ્પોત્સર્જનની ક્રિયા અવરોધવા સંચાયક અંગો જાડી રક્ષકત્વચા વડે આવરિત હોય છે. રંધ્રો નિમગ્ન હોય છે. જોકે આ પરિબળો કાર્બન ડાયૉક્સાઇડનો પ્રવેશ અટકાવી પ્રકાશ-સંશ્લેષણનો દર નીચો લાવે છે. આ કારણે રસાળ વનસ્પતિઓની વૃદ્ધિ ધીમી થાય છે. થોર (Euphorbia) અને કૅક્ટસ જેવી વનસ્પતિઓમાં પ્રકાંડમાં જલસંચય થાય છે. તેમનાં પ્રકાંડ પ્રકાશસંશ્લેષી હોય છે અને પર્ણોનું રૂપાંતર કંટ(spines)માં થાય છે, જેથી બાષ્પોત્સર્જનનું નિયમન થાય છે અને તૃણાહારી પ્રાણીઓથી રક્ષણ મળે છે. કુંવારપાઠામાં પર્ણો રસાળ હોય છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને શ્લેષ્મ હોય છે. મોટી લૂણી (Portulaca oleracea), સિડમ અને રામબાણ પણ રસાળપર્ણી વનસ્પતિઓ છે.

3. બાષ્પોત્સર્જન ઘટાડવા માટેનાં અનુકૂલનો : રણપ્રદેશની વનસ્પતિઓ માટે બાષ્પોત્સર્જનનો ધીમો દર લાભદાયી છે. તેનાથી પાણીના પુરવઠાનું સંરક્ષણ થાય છે અને શુષ્ક પરિસ્થિતિમાં વનસ્પતિઓ અસ્તિત્વ ટકાવી શકે છે. આને રૂપાંતરો (modifications) નહિ, પરંતુ સંયોગી ઘટનાઓ (chance occurrences) ગણવામાં આવે છે, જેથી તેઓ રણમાં અસ્તિત્વ ટકાવી શકે છે.

મરૂદભિદ્ વનસ્પતિઓને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) અલ્પકાલિક (ephemeral) એકવર્ષાયુઓ, (2) રસાળ, અને (3) અરસાળ (nonsucculent) બહુવર્ષાયુઓ.

અલ્પકાલિક એકવર્ષાયુઓ દુનિયાના શુષ્ક વિસ્તારોમાં થતી નાની વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓ ટૂંકી વર્ષાઋતુ દરમિયાન અંકુરણ પામી ઝડપી વૃદ્ધિ કરે છે અને પરિપક્વતાએ પહોંચે છે. આ ટૂંકા ગાળામાં જ તેઓ પુષ્પ ધારણ કરી બીજ ઉત્પન્ન કરે છે. તેઓ બીજ દ્વારા શુષ્ક ઋતુ પસાર કરે છે અને શુષ્કતાની અસરોથી દૂર ભાગે છે. તેઓ કોઈ વિશિષ્ટ અંત:સ્થરચનાકીય લાક્ષણિકતાઓ ધરાવતી નથી. ભોંયરીંગણી (Solanum surratense), ગોખરુ (Tribulus terrestris), શ્વેત પુનર્નવા (Trianthema portulacastrum), મોરસ કે ખારી લૂણી (Suaeda fruiticosa) અને જંગલી કેસર (Certhamus oxycanthus) આ પ્રકારની વનસ્પતિઓ છે.

રસાળ મરૂદભિદ્ વનસ્પતિઓ : તેમને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) રસાળ પ્રકાંડવાળી મરૂદભિદ્ વનસ્પતિઓ અને (2) રસાળ પર્ણોવાળી મરૂદભિદ્ વનસ્પતિઓ.

અરસાળ બહુવર્ષાયુઓ : આ વર્ગની મરૂદભિદ્ વનસ્પતિઓમાં બધી જ અરસાળ શાકીય, ક્ષુપ કે વૃક્ષ-જાતિઓનો સમાવેશ થાય છે, જેઓ મ્લાનતા (wilting) સહન કરી શકે છે. મોટાભાગની કાષ્ઠીય વનસ્પતિઓમાં આ સહનશીલતા ટૂંકા ગાળા પૂરતી મર્યાદિત હોય છે અને તૃણ, પ્રતૃણ (sedge) અને કેટલીક શાકીય જાતિઓમાં તે કેટલાક મહિનાઓ કે વર્ષો માટે લંબાય છે. તેઓ દેહધાર્મિક, બાહ્યાકારકીય અને અંત:સ્થરચનાકીય લાક્ષણિકતાઓ દ્વારા મ્લાનતા સહન કરી શકે છે. આ વર્ગની જાતિઓની દેહધાર્મિક કે અંત:સ્થરચનાકીય લાક્ષણિકતાઓમાં કોઈ ચોક્કસ સામ્ય હોતું નથી, તેઓ પોતાનાં અનુકૂલિત (adaptive) લક્ષણોના વિશિષ્ટ સંયોજન દ્વારા જલસંતુલનના પ્રશ્નનું નિરાકરણ લાવે છે.

વૉર્મિંગે જીવાધારને અનુલક્ષીને મરૂદભિદ્ વનસ્પતિઓને નીચે પ્રમાણે વર્ગીકૃત કરેલ છે :

(1) અમ્લોદબિદ્ વનસ્પતિઓ (oxalophytes) : તે દેહધાર્મિક રીતે શુષ્ક અમ્લીય મૃદામાં થાય છે.

(2) શીતોદભિદ્ વનસ્પતિઓ (psychrophytes) : તે હિમાચ્છાદિત શીત ભૂમિ ઉપર ઉત્પન્ન થાય છે.

(3) લવણોદભિદ્ વનસ્પતિઓ (halophytes) : આ પ્રકારની વનસ્પતિઓ દરિયાકિનારે લવણીય ભૂમિમાં ઉદભવે છે.

(4) શૈલોદભિદ્ વનસ્પતિઓ (lithophytes) : તે પથરાળ પ્રદેશમાં ઊગે છે.

(5) વાલુકોદભિદ્ વનસ્પતિઓ (psammophytes) : આ પ્રકારની વનસ્પતિઓ રેતાળ પ્રદેશમાં થાય છે.

પર્ણના સ્વરૂપને અનુલક્ષીને મરૂદભિદ્ વનસ્પતિઓને ચાર પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં વનસ્પતિનાં અનુકૂલનો પર્ણમાં પ્રતિબિંબિત થાય છે. જીવાધાર અને પર્યાવરણ પારિસ્થિતિક અને દેહધાર્મિક ર્દષ્ટિએ પર્ણની સંરચના ઉપર અસર કરે છે :

(1) લઘુપર્ણી (microphyllous) મરૂદભિદ્ વનસ્પતિ : અત્યંત નાનાં પર્ણો ધરાવતી આ પ્રકારની વનસ્પતિઓ રણમાં વસવાટ ધરાવે છે. કેટલીક જાતિઓ પર્ણવિહીન (aphyllous) હોય છે. પ્રકાશસંશ્લેષણનું કાર્ય પ્રકાંડ દ્વારા થાય છે. દા.ત., શરુ (Casuarina equisetifolia), ગજરી (Tamarix), કેરડો (Capparis decidua).

(2) ર્દઢપર્ણી (sclerophyllous) મરૂદભિદ્ વનસ્પતિ : આ પ્રકારની વનસ્પતિમાં પર્ણો ર્દઢોતક (sclerenchyma) પેશી ધરાવે છે; તેથી તેઓ કઠણ, ચર્મિલ અને જાડાં હોય છે; દા.ત., સાયકસ.

(3) રોમાચ્છાદિત (tricophyllous) મરૂદભિદ્ વનસ્પતિ : Bankesia, Psamma અને લાલ કરેણ (Nerium odorum) જેવી મરૂદભિદ્ જાતિઓમાં પર્ણનું અધ:અધિસ્તર પર્ણ રોમ વડે સંપૂર્ણપણે આચ્છાદિત હોય છે. રંધ્રો નિમગ્ન હોય છે.

(4) શ્લેષ્મપર્ણી (malacophyllous) મરૂદભિદ્ વનસ્પતિ : કુંવારપાઠું અને રામબાણનાં પર્ણો રસાળ હોય છે અને શ્લેષ્મ ધરાવે છે, જેથી જલસંચય થઈ શકે છે.

મરૂદભિદ્ વનસ્પતિઓનાં અનુકૂલન દર્શાવતાં બાહ્યાકારકીય (morphological), અંત:સ્થરચનાકીય (anatomical) અને દેહધાર્મિક લક્ષણો આ પ્રમાણે છે :

બાહ્યાકારકીય લક્ષણો : 1. બાષ્પોત્સર્જન કરતી સપાટીમાં ઘટાડો : વનસ્પતિમાં પર્ણ બાષ્પોત્સર્જન કરતું મુખ્ય અંગ છે. પર્ણની સપાટીમાં ઘટાડો થાય તો બાષ્પોત્સર્જનના દરમાં ઘટાડો થાય છે. તેમની બાષ્પોત્સર્જન કરતી સપાટી લઘુતમ બનાવવા મરૂદભિદ્ વનસ્પતિઓ દ્વારા પ્રયોજાતી યુક્તિઓ (devices) નીચે મુજબ છે :

(i) પર્ણો અલ્પવિકસિત, નાનાં અને શલ્કી (scaly) કે કંટકમય બને છે. આ કક્ષામાં શતાવરી, કસાઈનું ઝાડુ (Ruscus), ગજરી (Tamarix) અને શરુનો સમાવેશ થાય છે.

(ii) કેરડો અને થોરની કેટલીક જાતિઓમાં પર્ણો નાનાં હોય છે અને તેઓ ટૂંકા સમય માટે જોવા મળે છે. તેઓ શીઘ્રપાતી (caducous) હોવાથી ખરી પડે છે.

(iii) કૅક્ટસની કેટલીક જાતિઓ અને ફાફડા થોરમાં પર્ણો હોતાં નથી, અથવા તે કાંટામાં કે કંટકીય કેશો(barbed bristles)માં ફેરવાય છે. આ બધી વનસ્પતિઓમાં પર્ણનાં દેહધાર્મિક કાર્યો લીલું પ્રકાંડ કરે છે.

(iv) બાવળ અને ખીજડામાં પર્ણદલ નાના ખંડોમાં વિભાજિત થાય છે અથવા ચીલ(Pinus longifolia)માં તે લાંબી, સાંકડી અને સોયાકાર રચનામાં રૂપાંતર પામે છે.

2. ઘણી વાર પર્ણો જાડાં અને ચર્મિલ (leathery) બને છે, અથવા તેઓ ભારે ક્યૂટિનીભવન(cutinization)ને કારણે સખત બને છે અને ર્દઢ ને સુવિકસિત અધ:સ્તર (hypodermis) ધરાવે છે. આ પ્રકારમાં આકડો, વડ (Ficus bengalensis), પીલુ (Salvadora persica) અને લાલ કરેણનો સમાવેશ થાય છે.

3. કુંવારપાઠું, મોરસ સિડમ અને રામબાણમાં પર્ણો રસાળ હોય છે અને તેમનામાં રહેલા શ્લેષ્મ અને ગુંદરને લઈને જલસંચય કરે છે. જલસંચાયક પેશીમાંથી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ધીમી થાય છે અને શુષ્ક સમય દરમિયાન સંચિત પાણી ક્રમશ: ધીમે ધીમે ખેંચાય છે.

4. બાવળ, બોરડી (Zizyphus) અને થોરમાં ઉપપર્ણો (stipules) કંટકમાં રૂપાંતર પામેલાં હોય છે. શૂળિયો (Echinops echinatus) અને ભોંયરીંગણી જેવી વનસ્પતિઓનાં પ્રકાંડ અને પર્ણો કાંટાળાં હોય છે.

5. Gnaphalliumનાં પ્રકાંડ અને પર્ણો સૂક્ષ્મ રોમોના બનેલા સંઘનિત (condensed) આવરણ વડે કે આકડામાં મીણી (waxy) આવરણ વડે આચ્છાદિત બને છે અને અંગ સફેદ કે ભૂખરો દેખાવ આપે છે. તેથી પ્રકાશ અને ઉષ્માનું પરાવર્તન થતાં પાણીનો વ્યય અટકે છે અને બાષ્પોત્સર્જન-સપાટીની અત્યંત નજીક હવાની ગતિને અવરોધે છે.

6. કેટલીક મરૂદભિદ્ વનસ્પતિઓ ભેજવાળા સમયમાં પહોળાં અને પાતળાં પર્ણો ધરાવે છે; પરંતુ મૃદા અને હવા શુષ્ક બનતાં પર્ણો ખરી પડે છે.

7. ઘાસની કેટલીક જાતિઓમાં પર્ણો અતિશય બાષ્પોત્સર્જન સમયે ગડીમય બને છે અથવા ઉપરની સપાટી તરફ ભૂંગળીની જેમ વીંટળાય છે. તેથી ઉપરની સપાટીએ રહેલાં રંધ્રોને રક્ષણ મળે છે અને બાષ્પોત્સર્જનમાં ઘટાડો થાય છે.

8. લાલ કરેણ અને વડમાં ઉપરની ચકચકિત સપાટી પ્રકાશ અને ઉષ્માનું પરાવર્તન કરે છે, જેથી બાષ્પોત્સર્જન ઘટે છે.

9. સૂર્યના વધુ પડતા તાપમાન સામે પર્ણો ચીમળાય છે અને ત્યાર-પછી ઝૂકી જાય છે. આ સમયે રંધ્રો બંધ થતાં બાષ્પોત્સર્જનમાં ઘટાડો થાય છે.

10. શેરડી(Saccharum sp.)ની જાતિમાં પ્રકાંડ ભૂમિગત હોવાથી તે શુષ્ક સમય પસાર કરી શકે છે.

11. શરુ અને ઍફિડ્રા જેવી ક્ષુપ કે વૃક્ષ-જાતિઓનાં પ્રકાંડ સાંકડાં, નળાકાર, શુષ્ક, સખત અને બરડ હોય છે.

12. બાવળ, ખીજડો અને બોરડી જેવાં મરૂદભિદીય વૃક્ષો જાડી છાલવાળાં કાષ્ઠીય પ્રકાંડ ધરાવે છે.

13. કુંવારપાઠું, રામબાણ અને યુક્કાનું સ્વરૂપ વામન હોય છે. તેની વૃદ્ધિ કુંઠિત હોય છે અને તેમની આંતરગાંઠો ટૂંકી અને જાડી હોય છે.

14. રણપ્રદેશમાં થતી અલ્પવિકસિત પર્ણો ધરાવતી કે પર્ણવિહીન વનસ્પતિઓનાં પ્રકાંડ જાડાં, રસાળ અને લીલાં હોય છે, જે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે અને લાંબા શુષ્ક સમયને પહોંચી વળવા જલસંચય કરે છે.

15. કેટલીક શુષ્ક પ્રદેશમાં થતી એકવર્ષાયુ કે અર્ધવર્ષાયુ શાકીય વનસ્પતિઓનાં પ્રકાંડ ભૂપ્રસારી હોય છે, જેથી પવનોની અસરથી બચી શકાય. તેઓ તેમનું જીવન ટૂંકા ભેજવાળા સમયમાં પૂરું કરે છે, જેથી શુષ્કતાના લાંબા સમયને ટાળી શકાય. તેમને શુષ્કતા-ભીરુ (drought evaders) કહે છે. તેમનાં બીજ શુષ્ક સમય દરમિયાન સુષુપ્ત રહે છે.

અંત:સ્થ રચનાકીય લક્ષણો : મરૂદભિદીય વનસ્પતિઓનાં અંત:સ્થરચનાકીય લક્ષણો આ પ્રમાણે છે :

(1) ફાફડા થોર જેવી મરૂદભિદીય વનસ્પતિઓમાં મૂળરોમો મૂલાગ્ર સુધી લંબાયેલા હોય છે. ચીલમાં તે ર્દઢ અને જાડી દીવાલ ધરાવે છે.

આકૃતિ 3 : મરૂદભિદ્ વનસ્પતિઓની અંત:સ્થ રચના : (અ) શતાવરીના મૂળનો આડો છેદ, (આ) પેપરોમિયાના પર્ણનો આડો છેદ, (ઇ) Salsola kali-tenuifoliaના પર્ણનો આડો છેદ.

(2) રામબાણ અને ગુલે અનાર(Dianthus caryophyllus)માં પર્ણપેશીઓ ખીચોખીચ રીતે ગોઠવાયેલી હોય છે અને રક્ષકત્વચાનાં જાડાં સ્તરો હોય છે. Salix glaucophyllaમાં રક્ષકત્વચાની બહારની બાજુએ કણિકામય મીણનું જાડું સ્તર હોય છે. રબર (Ficus elastica) અને લાલ કરેણમાં અધિસ્તરીય કોષોનાં ત્રણ સ્તરો હોય છે. રબરમાં તેના કોષો જાડી દીવાલ ધરાવે છે. કરેણ અને સાયકસમાં રંધ્રો નિમગ્ન  હોય છે. લંબોતક (palisade) પેશી સુવિકસિત હોય છે. કરેણ, જંગલી પાલખ (Atriplex stockisii) અને રબરમાં ઉપર અને નીચે એમ બંને સપાટીએ લંબોતક આવેલી હોય છે. લંબોતકના આ બંને સ્તરોની વચ્ચે શિથિલોતક (spongy tissue) હોય છે.

Sphaeralcea incanaમાં સમગ્ર મધ્યપર્ણ (mesophyll) લંબોતક પેશીનું બનેલું હોય છે. તેનું અધિસ્તર રોમોના જાડા આવરણ વડે આવરિત હોય છે. જંગલી પાલખની જાતિ(Atriplex canescens)માં અધિસ્તર પુટિકામય અસંખ્ય રોમ ધરાવે છે. ચીલમાં અધ:સ્તર ઢોતકીય હોય છે. તે મ્લાનતાની હાનિકારક અસર ઘટાડવાનું કાર્ય કરે છે. આવાં પર્ણોને ર્દઢપર્ણી કહે છે.

ઘણી મરૂદભિદ્ વનસ્પતિઓનાં લીલાં પર્ણો જાડાં અને રસાળ હોય છે, જે મુખ્યત્વે જલસંચાયક પેશીનાં બનેલાં હોય છે. Peperomiaમાં આ પેશી બહુસ્તરીય અધિસ્તરની બનેલી હોય છે; પરંતુ વધારે સામાન્યપણે જલસંચાયક પેશી Salsol kali-tenuifoliaની જેમ અંત:સ્થ હોય છે. આવાં પર્ણોને શ્લેષ્મી પર્ણ કહે છે. Mesembryanthemum crystalinum અધિસ્તરના થોડાક કોષો ઘણા ફૂલે છે અને અધિસ્તરીય સમતલથી ઘણા ઊંચે પ્રક્ષેપિત થયેલા હોય છે, જેથી સૂર્યપ્રકાશમાં પર્ણો ચમકીલાં બને છે.

આકૃતિ 4 : મરૂદભિદ્ વનસ્પતિઓની અંત:સ્થ રચના : (અ) કુંવારપાઠાના પર્ણનો આડો છેદ, (આ) રામબાણના પર્ણનો આડો છેદ, (ઇ) ગુલે અનારના પર્ણનો આડો છેદ

શરુ, ઍફિડ્રા, અને Equisetum જેવી વનસ્પતિઓમાં પર્ણો અલ્પવિકસિત અને શલ્ક (scale) જેવાં હોય છે. આવી મરૂદભિદ્ વનસ્પતિઓને લઘુપર્ણી કહે છે.

આકૃતિ 5 : મરૂદભિદ્ વનસ્પતિઓની અંત:સ્થ રચના : (અ) શરુના પ્રકાંડનો આડો છેદ, (આ) ચીલના સોયાકાર પર્ણનો આડો છેદ.

(3) મરૂદભિદ્ વનસ્પતિઓમાં રક્ષણાત્મક લક્ષણો સ્પષ્ટપણે વિકાસ પામેલાં હોય છે. ઘણી જાતિઓ પર્ણવિહીન હોય છે અને નળાકાર પ્રકાંડની બાષ્પોત્સર્જન માટે પ્રમાણમાં ઓછી સપાટી ખુલ્લી બને છે. ઘાસનાં અંતર્વલિત (involute) પર્ણોની જેમ ઘણા કિસ્સાઓમાં સપાટીમાં હંગામી ઘટાડો થાય છે. શિંબી વનસ્પતિઓમાં શુષ્ક આબોહવામાં પર્ણો બંધ થાય છે.

આકૃતિ 6 : મરૂદભિદ્ વનસ્પતિઓની અંત:સ્થ રચના : (અ) કરેણના પર્ણનો આડો છેદ, (આ) જંગલી પાલખના પર્ણનો આડો છેદ, (ઇ) Ammophila areaciaના અંતર્વલિત પર્ણનો આડો છેદ.

(4) ચીલમાં તેલ અને રાળ ઉત્પન્ન થાય છે; (5) થોર અને કૅક્ટસની ઘણી જાતિઓમાં રસ (sap) અને ક્ષીરરસ(latex)ની હાજરી હોય છે. (6)  કોષદ્રવ(cellsap)નો આસૃતિદાબ ઘણો ઊંચો હોય છે. (7) વાહક પેશીઓ સુવિકસિત હોય છે. જલવાહિનીઓ વધારે મોટી અને લાંબી હોય છે અને દીવાલો જાડી હોય છે. લિગ્નીભવન (lignification) વિપુલ પ્રમાણમાં થાય છે અને વાર્ષિક વલયો સુવિકસિત હોય છે. (8) અન્નવાહિની રેસાઓ અને અન્ય યાંત્રિક તત્વો મરૂદભિદ્ વનસ્પતિઓમાં સૌથી વધારે વિકાસ પામેલાં હોય છે. (9) ખાસ કરીને પર્ણોમાં કોષો કદમાં નાના અને જાડી દીવાલવાળા હોય છે. (10) જલવાહક કોષો કદમાં નાના હોય છે. (11) અધિસ્તરીય કોષો ઓછા તરંગિત (sinuous) હોય છે અને બાષ્પોત્સર્જન કરતી સપાટી ઉપર વધારે પ્રમાણમાં લિપિડ ધરાવે છે. (12) Ammophila, Poa અને Agropyron જેવી કેટલીક રસાળ તૃણજાતિઓમાં પર્ણો ભૂંગળીની જેમ વીંટળાય છે અથવા ગડી બનાવે છે. જેથી રંધ્રો અંદરની તરફ આવી જાય છે અને બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. ઉપરાંત, તેમના અધિસ્તરીય કોષો ઘણુંખરું આશૂન હોય છે. Ammophilaમાં અધિસ્તર એકસ્તરીય હોય છે. તેના કોષોની દીવાલ થોડીક જાડી હોય છે અને બાહ્ય સપાટીએ રક્ષકત્વચા ધરાવે છે. ગર્તમાં રહેલા કેટલાક કોષો કદમાં મોટા અને આશૂન હોય છે. આ કોષોને યાંત્રિક કોષો કે આર્દ્રતાગ્રાહી કોષો કહે છે. તેમનામાં પાણીના પ્રમાણમાં થતા ફેરફારોને અનુલક્ષીને પર્ણો બંધ થાય છે કે ખૂલે છે. પર્ણોના શૃંગમાં રહેલા ર્દઢોતક સમૂહો પર્ણોને ર્દઢતા આપે છે. રંધ્રો માત્ર ઉપરિ અધિસ્તરમાં જ જોવા મળે છે.

ઉપર્યુક્ત લક્ષણો પેશીય વિભેદન-સમયે પ્રતિકૂળ જલ-સંતુલનવાળી પરિસ્થિતિને પરિણામે ઉદભવતાં બિન-આનુવંશિકીય રચનાત્મક લક્ષણો છે; જેમને ‘શુષ્કોત્પન્ન’ (xeroplastic) લક્ષણો કહે છે.

દેહધાર્મિક લક્ષણો : (1) પ્રતિવનસ્પતિ બાષ્પોત્સર્જનનો ચોખ્ખો દર નીચો હોવા છતાં પ્રતિએકમ વિસ્તારમાં બાષ્પોત્સર્જનનો દર ઊંચો હોય છે. (2) પ્રતિએકમ-વિસ્તારમાં પ્રકાશસંશ્લેષણનો દર ઝડપી હોય છે. (3) આ વનસ્પતિઓમાં સ્ટાર્ચ અને શર્કરાનો ગુણોત્તર નીચો હોય છે. (4) આસૃતિદાબ ઊંચો હોય છે. (5) જીવરસ ઓછો ઘટ્ટ અને વધારે પારગમ્ય (permeable) હોય છે. (6) અરસાળ મરૂદભિદીય જાતિઓમાં કોષો અને કોષરસધાનીઓનું કદ ઘટે છે, જેથી કોષદીવાલથી જીવરસ ખેંચાઈ જતો અટકે છે અને શુષ્ક પરિસ્થિતિમાં જીવરસતંતુઓ (plasmodesmata) ફાટી જતા અટકે છે. કોષોનું નાનું કદ બાષ્પોત્સર્જનના દરને નીચો કરવામાં કોઈ રીતે સહાયકારી નથી. (6) તેઓ મ્લાનતારોધી (wilting-resistant) હોય છે. (7) તેમનામાં પુષ્પ અને ફળનિર્માણની ક્રિયા વહેલી થાય છે. (8) પેશીના શુષ્ક વજનના પ્રતિએકમે બદ્ધ (bound) જલની ટકાવારી ઊંચી હોય છે.

સંજય વેદિયા

બળદેવભાઈ પટેલ