મરે, જેમ્સ (સર) (ઑગસ્ટસ હેન્રી) (જ. 1837, ડેનહોમ, સ્કૉટલૅન્ડ; અ. 1915) : જાણીતા ભાષાવિજ્ઞાની અને કોશકાર. 1855થી ’85 દરમિયાન તેમણે ગ્રામર-સ્કૂલ-શિક્ષક તરીકે કાર્ય કર્યું. તેમણે 1873માં પ્રગટ કરેલ ‘ડાયલૅક્ટ્સ ઑવ્ ધ સધર્ન કન્ટ્રિઝ ઑવ્ સ્કૉટલૅન્ડ’થી તેમની ખ્યાતિ વ્યાપક બની. ‘ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી’ અને પાછળથી ‘ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી’ તરીકે ઓળખાયેલ કોશનું સંપાદનકાર્ય તેમના જીવનનું એક મહાન અને ભગીરથ કાર્ય બની રહ્યું. તેનો પ્રારંભ થયો 1879માં મિલહિલ ખાતે અને તે પૂરું થયું 1928માં ઑક્સફર્ડ ખાતે. તેઓ લગભગ અડધોઅડધ સંપાદન-કાર્ય પૂરું કરી શક્યા, પરંતુ તેની પૂર્ણાહુતિ માટે તેઓ વ્યવસ્થાતંત્ર ઊભું કરતા ગયા અને નિર્ણાયક પ્રેરક શક્તિ આપતા ગયા.

તેમને 1908માં ‘સર’નો ખિતાબ અપાયો હતો.

મહેશ ચોકસી