મરસિયા : કાવ્યનો એક પ્રકાર. તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિ માટે શોકની લાગણી વ્યક્ત કરવામાં આવે છે અને તે સાથે તેના ગુણ વર્ણવવામાં આવે છે. કોઈ આપત્તિ અથવા દુ:ખદ ઘટના વિશે લખાયેલ શોકગીતને પણ ‘મરસિયો’ કહેવામાં આવે છે. આ શબ્દ અરબી ભાષાના ‘રષા’ શબ્દ ઉપરથી બન્યો છે. અરબીમાં તેનો અર્થ રુદન થાય છે. વિશ્વની અનેક ભાષાઓમાં શોક-ગીત રચવાનો રિવાજ પ્રચલિત છે. અંગ્રેજીમાં તેને એલિજી કહેવામાં આવે છે. અરબી તથા ફારસી ભાષાઓમાં વ્યક્તિવિશેષ અંગે ઘણાં નોંધપાત્ર મરસિયા-કાવ્યો રચાયાં છે; પરંતુ ઉર્દૂ ભાષામાં તેનો વિકાસ જુદી રીતે થયો છે. ઉર્દૂમાં વ્યક્તિવિશેષ પર તો મરસિયા રચાયા છે; પરંતુ બહુધા આ કાવ્યપ્રકારનો પ્રયોગ કરબલાના મેદાનમાં પયગંબરસાહેબના દૌહિત્ર ઇમામહુસેનની થયેલી શહાદતના કરુણ પ્રસંગના વર્ણન માટે થતો આવ્યો છે. ઈ. સ. 661માં ઇસ્લામના ચોથા ખલીફા હજરત અલીના અવસાન બાદ તેમના ઉત્તરાધિકારી બનવાના પ્રશ્ને મતભેદ ઊભા થયા હતા. તેમાંથી કહેવાય છે કે, ઇરાકમાં આવેલા કરબલા નામના સ્થળે ઇમામહુસેન તથા તેમનાં કુટુંબીજનોની શહાદતનો પ્રસંગ બન્યો હતો. આ પ્રસંગ તથા તેની સાથે સંકલિત લોકવાયકા ઉપર આધારિત ઘટનાઓને ઉર્દૂ મરસિયામાં સ્થાન આપવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે આ કરુણ પ્રસંગને આવરી લેતા કાવ્યમાં શહીદ આત્માઓના જીવનપ્રસંગો, જન્મ, બાળપણ, લગ્ન તેમજ ઉત્સવો, સામાજિક રૂઢિરિવાજો, પહેરવેશ, લડાઈની પદ્ધતિઓ, શસ્ત્રસરંજામ, ઘોડા, પાલખી, નગારાં, વાજાંગાજાંનાં વર્ણનોનો તેમજ બોધપ્રદ વાતોનો પણ સમાવેશ થઈ જાય છે. આને લઈને ઉર્દૂ મરસિયાનું એક નવીન સ્વરૂપ વિકાસ પામ્યું છે જે અન્ય ભાષાઓના મરસિયા-કાવ્યથી જુદું તરી આવે છે.

ઉર્દૂ મરસિયા-કાવ્યમાં 8 ભાગ હોય છે : (1) ચહેરો, (2) સરોપા, (3) રવાનગી (લડાઈ માટે), (4) આગમન (લડાઈના મેદાનમાં), (5) શૌર્યગીતો, (6) યુદ્ધ, (7) શહાદત, (8) શોક. ઉર્દૂ મરસિયા-કાવ્ય મોટેભાગે મુસદ્દસ પ્રકારમાં હોય છે. મુસદ્દસ પ્રકારના મરસિયા-કાવ્યમાં  દરેક કડી-બન્ધ-(stanza)માં બેત હોય છે. શરૂઆતમાં મરસિયાઓ મસ્નવી પ્રકારમાં કે દરેક કડી-બન્ધમાં 4 બેત ઉપર આધારિત મુરબ્બા પ્રકારમાં લખવામાં આવતા હતા. અમુક કવિઓએ મરસિયા-કાવ્ય માટે ગઝલપ્રકારનો પણ ઉપયોગ કર્યો છે; પરંતુ ઉર્દૂ કવિ મુહમ્મદ રફી સૌદા(અ. 1781)એ મુસદ્દસ પ્રકારમાં મરસિયા લખ્યા ત્યાર પછીથી એ રીતે મુસદ્દસમાં મરસિયા-કાવ્ય લખવાનું નિશ્ચિત થઈ ગયું. કરબલાના મેદાનમાં ઇમામહુસેન અને તેમનાં કુટુંબીજનોની શહાદતનો પ્રસંગ, શિયાપંથી મુસલમાનોમાં શ્રદ્ધાનો એક ભાગ બની ગયો છે; તેથી હિન્દુસ્તાનમાં જ્યાં શિયાપંથી રાજવીઓ હતા ત્યાં મરસિયા-લેખનને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવતું હતું. તેમના દરબારોમાં મરસિયા-લેખકો તથા મરસિયા-ગાયકોને આશ્રય આપવામાં આવતો હતો. ઉર્દૂમાં પ્રારંભના મરસિયા-લેખકોમાં નૂરી, હાશિમ, નાઝિમ, શાહી, મિસ્કીન, ગદા, સિકન્દર તથા ફઝલ નામના કવિઓનો સમાવેશ થાય છે. તેમનાં ભાષા અને કાવ્યસ્વરૂપ બંને જુનવાણી હતાં. અઢારમા શતકમાં લખનૌ, રામપુર તથા ફૈઝાબાદ જેવાં સ્થળોએ શિયાપંથી નવાબો સત્તા ઉપર આવતાં મરસિયા-સર્જનપ્રવૃત્તિને ઘણો વેગ મળ્યો અને ઉર્દૂ ભાષાને મીર બબરઅલી અનીસ (અ. 1874) અને મિર્ઝા સલામતઅલી દબીર (અ. 1875) જેવા 2 મહાન મરસિયા-લેખકકવિઓ પ્રાપ્ત થયા. તેમણે ભાષા અને વર્ણન બંને ક્ષેત્રે સંપૂર્ણ કહેવાય એવાં મરસિયા-કાવ્યો લખ્યાં છે અને મરસિયા-લેખનમાં તેઓ આજે પણ અનુકરણીય રહ્યા છે. તેમણે મરસિયાને લોકપ્રિય બનાવ્યો છે અને તેથી જ મોહર્રમના મહિનામાં કરબલાના શહીદોની સ્મૃતિમાં આયોજિત દરેક શોકસભામાં મરસિયા-વચન અનિવાર્ય બની ગયું છે. મરસિયાનો ઉપયોગ નીતિના શિક્ષણ માટે તથા બોધ આપવા માટે પણ થાય છે. તે દ્વારા એવું બતાવવામાં આવે છે કે અધર્મ અથવા અસત્ય ઉપર ધર્મ કે સત્યનો વિજય બલિદાન વડે શક્ય છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી