મરંટા : એકદળી વર્ગમાં આવેલા મરંટેસી કુળની એક નાનકડી પ્રજાતિ. તેની જાતિઓ બહુવર્ષાયુ શાકીય હોય છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. કેટલીક જાતિઓ શોભન-વનસ્પતિ તરીકે વાવવામાં આવે છે. Maranta arundinacea Linn. syn. Calathea arundinacea (હિં. તીખોર; બં. ગુ. આરારૂટ; મ. તાવકીલ; તે. પાલાગુંથા; ત. કાવામાઉ; મલ. કૂવા; અં. વેસ્ટ ઇંડિયન એરોરૂટ). તેની સ્ટાર્ચયુક્ત ગાંઠામૂળી માટે ઉગાડાય છે. તે ટટ્ટાર, નાજુક, શાખિત, 0.6 મી.થી 1.8 મી.ની ઊંચાઈ ધરાવતી શાકીય વનસ્પતિ છે અને મોટી, માંસલ, નળાકાર-પ્રતિઅંડાકાર (cylindrical-obovoid) ગાંઠામૂળી (rhizome) ધરાવે છે. તેનાં પર્ણો મોટાં, અંડ-લંબચોરસ(ovate-oblong)થી માંડી અંડ-ભાલાકાર (ovate-lanceolate) અને તેના પર્ણની ટોચ અણીદાર હોય છે. પુષ્પો સફેદ રંગનાં અને સમૂહમાં ગોઠવાયેલાં હોય છે.

ઉષ્ણકટિબંધીય અમેરિકાની આ M. arundinacea વેસ્ટ-ઇંડિઝમાં ઘણા સમયથી વવાય છે. તેનું વાવેતર ભારત, શ્રીલંકા, ઇંડો-ચાઇના, ઇંડોનેશિયા, ફિલિપાઇન્સ અને ક્વીન્સલૅન્ડમાં પણ થાય છે. ભારતમાં કેટલાક ભાગોમાં તે નૈસર્ગિક રીતે ઊગી નીકળે છે, તો ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસા, બંગાળ, આસામ અને કેરળમાં તેનું છૂટુંછવાયું વાવેતર થાય છે.

તેની ગાંઠામૂળીના રંગને આધારે બે જાતો થાય છે : ભૂરી જાત પીળી જાત કરતાં વધારે સ્ટાર્ચ આપે છે. કેરળમાં ‘કુઝી કૂવા’ તરીકે જાણીતી ત્રીજી જાત ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. તેની ગાંઠામૂળી ઘણી મોટી અને કડવી હોય છે. તે આયુર્વેદિક ગુણધર્મોની ર્દષ્ટિએ અગત્યની છે.

પ્રકાશ અને સારી સિંચાઈવાળી ગોરાડુ જમીનમાં તે સૌથી સારી રીતે ઊગે છે. રેતાળ જમીનમાં પણ તે થાય છે. થોડીક છાંયડાવાળી જમીન તેને માટે વધારે લાભદાયી છે. આ પાકને નાળિયેરી કે આંબા સાથે ઉગાડવાથી ફાયદો થાય છે. તેનું પ્રસર્જન ગાંઠામૂળી દ્વારા કરવામાં આવે છે. Pellicularia filamentosa (Pat.) Rogers. નામની ફૂગ દ્વારા પર્ણનો પટ્ટિત (banded) સુકારો થાય છે. 1 % બોડો-મિશ્રણના છંટકાવથી આ રોગનો પ્રતિકાર થઈ શકે છે.

વાવેતર પછી 10થી 11 માસમાં ગાંઠામૂળી લણણી માટે તૈયાર થાય છે. તેની એક ગાંઠામૂળીનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 63.4 %; અશુદ્ધ પ્રોટીન 1.6 %; લિપિડ 0.2 %; સ્ટાર્ચ 27.8 %; ડેક્સ્ટ્રીન અને શર્કરાઓ 2.1 %; અશુદ્ધ રેસો 3.9 % અને ભસ્મ 0.9 %.

ગાંઠામૂળી બાફીને કે ભૂંજીને ખાવામાં આવે છે. તે ઉગ્ર (acrid) છે અને તે ખાવાથી ત્વચા લાલ રંગની (rubifacient) થાય છે. તે ક્ષતરોહી (vulnerary) તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. વેસ્ટ-ઇંડિઝ અને ડૉમિનિકામાં ઘા કે ચાંદા ઉપર પોટીસ તરીકે તે લગાડાય છે. તેનાં પર્ણોનો માછલી અને માંસની ફરતે પરિવેષ્ટન (packing) કરવામાં ઉપયોગ થાય છે.

આરારૂટ ખાસ કરીને બાળકો અને રોગીઓને ખોરાક તરીકે આપવામાં આવે છે. તે બિસ્કિટ, પૂરી, ખીર અને જેલી બનાવવામાં ઉપયોગી છે. તે શામક (demulcent) ગુણધર્મો ધરાવે છે અને આંતરડાની તકલીફોમાં આપવામાં આવે છે. તેનો નિલંબન-પ્રક્રિયક (suspension agent) તરીકે અને ગોળીઓ બનાવવામાં ઉપયોગ થાય છે. આરારૂટ-સ્ટાર્ચને બટાટા, સાબુદાણા, ટેપિયોકા, શક્કરિયું કે ખાદ્ય કેના અને curcumaની કેટલીક જાતિઓના સ્ટાર્ચ સાથે મિશ્ર કરવામાં આવે છે.

Maranta bicolor એક શોભન-વનસ્પતિ છે. તેનાં પર્ણો 20 સેમી.થી 25 સેમી. લાંબાં અને 8 સેમી.થી 10 સેમી. પહોળાં અને લંબગોળ હોય છે. તેનો રંગ ઉપરથી મીણ જેવો ચળકતો, સાધારણ લીલો (કોઈક જાતમાં કથ્થાઈ પણ હોય છે) અને સફેદ-પીળી તથા ઘાટી લીલી લીટીઓવાળો અને નીચેથી જાંબલી હોય છે. આ વનસ્પતિ તડકો બહુ સહન કરી શકતી નથી અને ભેજવાળું વાતાવરણ પસંદ કરે છે; છતાં મૂળ આગળ પાણી ભરાઈ રહે તો તે મૃત્યુ પામે છે. તેનું પ્રસર્જન ગાંઠામૂળી દ્વારા થાય છે. શિયાળાનો અંતભાગ આ માટે અનુકૂળ ગણાય છે.

Maranta સાથે સામ્ય ધરાવતી બીજી પ્રજાતિ Calatheas છે. તેથી તેમની કેટલીક જાતિઓ બંને નામથી ઓળખાય છે; જેમ કે, M. zebrina syn. C. zebrina. તેનાં પર્ણો ઉપરની સપાટીએ ઝીબ્રાની જેમ ઘેરા અને આછા રંગના પટાવાળાં હોય છે. આ સિવાય C. rosepicta અને C. media picta જેવી બીજી ઘણી જાતિઓ થાય છે. મોટાભાગની જાતિઓ 0.5મી.થી 0.75 મી. ઊંચી હોય છે. છાણિયા ખાતર કે જૈવ ખાતર(compost)વાળી થોડીઘણી રેતાળ જમીન વધારે માફક આવે છે. યુરિયા જેવાં રાસાયણિક ખાતરો આ જાતિઓને ઓછાં અનુકૂળ હોય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ