જૂપિટર : પ્રાચીન રોમ અને ઇટાલીના મુખ્ય દેવ. તેનો અર્થ ‘તેજસ્વી’ થાય છે. તેમનું સૌથી પ્રાચીન નામ-વિશેષણ ‘પ્રકાશ લાવનાર’ હતું. આકાશ ઉપરાંત તે વરસાદ, વીજળી અને ગર્જનાના પણ દેવ હતા. દુષ્કાળ નિવારવા અને વરસાદ લાવવા માટે તેમની પૂજા કરી બલિ તરીકે સફેદ બળદ આપવામાં આવતો. સમગ્ર ઇટાલીમાં ટેકરીઓના શિખરે અને નગરોમાં જૂપિટરની પૂજા થતી.
તે રોમના રક્ષક દેવ હતા. રોમ નગરની કૅપિટોલીન ટેકરી પર તેમનું સૌથી પ્રાચીન મંદિર હતું. રોમન સામ્રાજ્ય દરમિયાન તેમની સાથોસાથ તેમની પત્ની, બહેન જુનો અને પુત્રી મિનરવાની ત્રિમૂર્તિની ઉપાસના કેન્દ્રસ્થાને હતી. તેમને મુખ્ય ગ્રીક દેવ ઝિયસથી ભિન્ન ગણવામાં આવતા નહિ. તે સોગંદ, લગ્ન કે સંધિઓના રક્ષક તરીકે ગણવામાં આવતા. તેથી ધર્મગુરુની હાજરીમાં લગ્નવિધિ થતી. પવિત્રતા અને નૈતિક ફરજોના રક્ષક દેવ તરીકે તેમની પૂજા થતી. રોમન ધર્મગુરુઓ રાજ્ય વતી યુદ્ધ જાહેર કરતા અને સંધિ કરતા.
તે સમયની માન્યતા મુજબ જૂપિટર મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપવાને બદલે આકાશી સંજ્ઞા કે પક્ષીઓના ઉડ્ડયન દ્વારા ભવિષ્યની એંધાણી આપતા. ગ્રીક પૌરાણિક કથાઓમાંથી જૂપિટર વિશે માન્યતાઓ બંધાઈ હતી. તેમને શનિના પુત્ર ગણવામાં આવતા હતા. શનિને પદભ્રષ્ટ કરીને તે કેન્દ્રસ્થાને રહ્યા. તે સિરીસ, પ્લૂટો, નેપ્ચૂન અને વેસ્ટાના ભાઈ તથા જુનોના ભાઈ અને પતિ હતા. મિનરવા (જે તેના મસ્તકમાંથી પેદા થઈ હતી), મંગળ, વલ્કન, વીનસ વગેરે દેવદેવીઓ તેમનાં સંતાનો હતાં. સામાન્ય રીતે જૂપિટરની સિંહાસન-આરૂઢ મૂર્તિમાં તે રાજદંડ તથા વજ્ર ધરાવતા હોય છે અને તેમની બાજુમાં ગરુડ હોય છે.
ર. લ. રાવળ