જૂનાગઢ મ્યુઝિયમ : જૂનાગઢ ખાતેનું સર્વાંગી સંગ્રહસ્થાન. તેની યોજના સ્વ. નવાબ રસૂલખાનને આભારી છે. 1897માં તેના મકાનનો શિલાન્યાસ આઝાદ ચૉકમાં કરવામાં આવ્યો. નવાબના નામ ઉપરથી રસૂલખાનજી મ્યુઝિયમ નામ સાથે 1901માં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું. 1932માં સક્કરબાગ ખાતે આવેલા વજીર બહાઉદ્દીનના ભાઈના વિશાળ ગ્રીષ્મ-ભવનમાં મ્યુઝિયમનું સ્થળાંતર કરવામાં આવ્યું. આઝાદી પછી 1947–48માં તેનું નામ જૂનાગઢ મ્યુઝિયમ જાહેર થયું અને તે સરકારના નિયંત્રણ હેઠળ આવ્યું. આ મ્યુઝિયમમાં લગભગ 15 વિભાગો છે : તેમાં પ્રાગ્-ઐતિહાસિક અને આદ્ય ઐતિહાસિક કાળની વસ્તુઓ, પથ્થરો, શિલ્પો, કાચની ચીજો, રંગચિત્રો, હસ્તપ્રતો, શિલાલેખો, તામ્રપત્રો, ચાંદીના કળાકારીગરીના નમૂના, કાચ અને પૉર્સેલિનની કળા, લોકકલા, કાષ્ઠકલા, કાગળકલા અને પ્રાકૃતિક પદાર્થો વગેરેના નમૂના ગોઠવવામાં આવ્યા છે. કલાના નમૂનાની સંખ્યા લગભગ 34,000 છે. ઝીણા સૂતરના કાપડનો એક નમૂનો 1590નો છે. કેશગુંફન કરતી રાજકુમારીની અઢારમી સદીની રસવંતી શૈલીની અનુકૃતિ મનોહર છે. 150 વર્ષ પરનાં કૃષિ-ઓજારોના નમૂના નોંધપાત્ર છે. હસ્તલિખિત ગ્રંથોમાં નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના અસલ મામેરાની વર્ષો જૂની નકલ

જૂનાગઢ મ્યુઝિયમમાંના કલાના નમૂના

મહામૂલો ગ્રંથ છે. પુરાવસ્તુ વિભાગમાં 1889માં જૂનાગઢના ગિરનારની બોરદેવીની તળેટીમાંથી ખોદકામ કરતાં મળી આવેલા સ્તૂપના અવશેષો બહુમૂલ્ય છે, તેમાંય તેની મંજૂષા ધ્યાન ખેંચે તેવી છે. આ ઉપરાંત 1949માં જૂનાગઢ પાસે ઈંટવાની ટેકરીમાં ખોદકામથી મળી આવેલાં મોટી મોટી ઈંટો, માટીના પાત્રખંડો, મુદ્રા જેવા બૌદ્ધ વિહારના અવશેષો મૂલ્યવાન છે. પ્રતિમાઓમાં અઢારમી સદીની સરસ્વતીની, પંદરમી સદીની લક્ષ્મીનારાયણની, અઢારમી સદીની વિષ્ણુ-લક્ષ્મીની, બારમી સદીની સૂર્ય તથા માતૃકાઓની, અગિયારમી સદીની મહાવીરની અને નવમી સદીની પાર્શ્વનાથની મૂર્તિઓ ઉલ્લેખનીય છે. ઉત્કીર્ણ લેખોમાં અશોકના સમયની લિપિના લેખોના ટુકડા, ક્ષત્રપ રાજા જીવદામા અને રુદ્રદામાના શિલાલેખો તેમજ ચાલુક્ય રાજા કુમારવર્મા, ભીમદેવ વગેરેના લેખો છે. ગુજરાતી, ફારસી લેખો પણ છે. શિલ્પ-સ્થાપત્યના વિભાગમાં સૂર્યનાં વિવિધ સ્વરૂપોના નમૂના 900થી 1400ના સમયના છે. ભાગ્યે જ જોવા મળતી હેરંભ ગણેશની દ્વિમુખી મૂર્તિ છે. ચાંદીકામના નમૂનામાં પાનદાની, ગુલાબદાની, અત્તરદાની અને ભાતભાતનાં આભૂષણો ઘણાં સુંદર છે. કાચનાં ઝુમ્મરોમાં વિવિધ ભાતવાળું, લાલ રંગનું, 35 દીવાનું મોટું ઝુમ્મર ધ્યાન ખેંચે તેવું છે. પ્રાણીઓનો સંગ્રહ સુંદર રીતે ગોઠવાયો છે. લોકકલામાં કાપડકામ, મોતીકામ, ભરતકામ વગેરે બેનમૂન છે. દર વર્ષે 2,00,000 મુલાકાતીઓ આ સંગ્રહાલયનો લાભ લે છે.

જ. મૂ. નાણાવટી