જુમ્મા મસ્જિદ : ઇસ્લામના અનુયાયીઓ માટે શુક્રવારે સામૂહિક નમાજ પઢવાનું સ્થળ. ઇસ્લામના ફેલાવા સાથે મુસલમાન વસ્તી વધી, તેવાં સ્થળોએ મુખ્યત્વે મુસલમાન બાદશાહોએ આ મસ્જિદો બંધાવી. આવી જુમ્મા મસ્જિદોમાં અમદાવાદ, દિલ્હી, આગ્રા, દોલતાબાદ, શ્રીનગર, ગુલબર્ગ આદિની મસ્જિદો નોંધપાત્ર છે.
અમદાવાદમાં 1424માં જુમ્મા મસ્જિદનું બાંધકામ પૂરું થયું. તેનું બાંધકામ સુલતાન અહમદશાહે કરાવ્યું હતું. પશ્ચિમ ભારતની વાસ્તુશૈલીથી પ્રભાવિત થયેલા સુલતાને કારીગરોને છૂટો દોર આપ્યો. પરિણામે હિંદુ શૈલીની અસર દર્શાવતી એક કલાત્મક રચના ઉદભવી. વિશાળ ભીંતો, સંબદ્ધ બુરજ અને કમાનોથી ઇમારત ભવ્ય લાગે છે. અંદરનો ભાગ 63 મી. લાંબો અને 28.5 મી. પહોળો છે. સંખ્યાબંધ સ્તંભો ટેકો પૂરો પાડે છે. છતની રચના ઘુમ્મટોથી કરવામાં આવી છે. વચ્ચે પ્રકાશ મળે તેવી વ્યવસ્થા છે. મસ્જિદ નગરના મધ્યભાગમાં આવે તેવી રીતે બાંધેલી છે. મુખ્ય કમાનની બંને બાજુએ મિનારા છે. 1819ના ધરતીકંપમાં તે ઉપરથી તૂટી ગયા હતા. પશ્ચિમ તરફ ત્રણ દરવાજા દ્વારા મહેલ સાથે જોડવા પહોળા માર્ગનું આયોજન કરેલું છે. આ મસ્જિદના નમૂના પરથી રાજ્યનાં બીજાં કેટલાંક સ્થળોએ મસ્જિદો બંધાઈ.
1485માં મુહમ્મદ બેગડાએ ચાંપાનેરમાં જુમ્મા મસ્જિદનું બાંધકામ શરૂ કરાવ્યું. તે 23 વર્ષ ચાલ્યું. આ મસ્જિદ અમદાવાદની મસ્જિદના ઘાટ પ્રમાણે બંધાઈ. તે કદમાં જોકે નાની છે, પણ ભવ્યતામાં તેના જેવી જ છે. 81 મી. × 54 મી.ની ભૂમિ પર અડધા ભાગમાં મસ્જિદની ઇમારત છે. વચ્ચે પટાંગણની ત્રણ બાજુ સ્તંભાવલિ છે. ત્રણ બાજુ ભવ્ય પ્રવેશમંડપો બાંધેલા છે. સ્તંભો પરના ઘુમ્મટો સુશોભિત છે. અંદરનો પ્રવેશમાર્ગ 5 વિશાળ કમાનોવાળો છે. એમાં 176 સ્તંભો ઉપર છૂટા છૂટા ઘુમ્મટો છે.
ખંભાતમાં જૈન અને હિંદુ સ્થાપત્યો વચ્ચે મુસલમાન સૂબાએ દિલ્હીના ખલજી શાસકોની ખુશામત કરવા માટે દિલ્હી જમાનખાના મસ્જિદના નમૂના પ્રમાણે મસ્જિદ બંધાવી. આથી તેની ભીંતો કશી કોતરણી વિનાની છે. વચ્ચે મોટી અને આજુબાજુ નાની કમાનો છે. આ મસ્જિદનું માપ 64.6 × 76.8 મી. છે.
દિલ્હીની જુમા મસ્જિદ શાહજહાંએ બંધાવી છે. બાંધકામ 1644થી 1658 સુધી ચાલ્યું. તે સમયે તેની પાછળ 10 લાખ રૂપિયા ખર્ચ થયું. પ્રતિદિન 5000 જેટલા શ્રમિકો કામ કરતા. 3 મી. ઊંચો વિશાળ ઓટલો ચણીને તેની ઉપર 98 મી. લાંબી મસ્જિદ બાંધવામાં આવી. આશરે 36 મી. ઊંચો મિનારો, વિશાળ ચોક વચ્ચે હોજ અને સફેદ આરસમાં કાળા ટુકડાનું જડતર કરવામાં આવ્યું છે. જનતા માટે ઉત્તર અને દક્ષિણદ્વારે પ્રવેશ રખાયો છે. પૂર્વનું દ્વાર કિલ્લા સાથે રાજમાર્ગ તરીકે કામમાં લેવાયું છે. નમાજ-કક્ષ 60 મી. × 27 મી.નો રખાયો છે. ત્રણ બાજુએ સ્તંભોની હારમાળા અને ઉપર ડુંગળી-ઘાટના ઘુમ્મટોમાં વચ્ચે અડધો ઘુમ્મટ રખાયો છે.
શાહજહાંએ આગ્રામાં પણ પુત્રી જહાનઆરાની સ્મૃતિમાં 1648માં જુમા મસ્જિદ બંધાવી. તેનું માપ 39 મી. × 30 મી. એટલે કે દિલ્હીની મસ્જિદ કરતાં અડધું છે. ચોક, ફુવારો, કમાનો, કઠેડા આદિથી ઇમારત શોભે છે.
મુહમ્મદ તઘલખે રાજધાની દક્ષિણમાં દેવગિરિ ખસેડી તેનું દૌલતાબાદ નામ આપ્યું. અહીં તેણે 1338માં બંધાવેલી મસ્જિદ સૌથી જૂની મસ્જિદોમાં ગણાય છે. આસપાસનાં હિંદુ મંદિરો તોડીને તેની સામગ્રી વડે આ મસ્જિદ બાંધવામાં આવી છે, માપ 62મી. × 62મી.
શ્રીનગરની જુમા મસ્જિદની વિશેષતા એ છે કે એ લાકડાની ઇમારત છે. સુલતાન સિકંદર બુત્શિકાએ તે 1400માં બંધાવી. જૈનઉલ અલી દીન તથા તેના પુત્ર અને વંશજોએ કામ આગળ ધપાવ્યું. દરમિયાન ત્રણેક વખત આગથી તેનો કેટલોક ભાગ નાશ પામ્યો. વખતોવખત મૂળ નકશો જળવાય તે રીતે તેનું સમારકામ થતું રહ્યું. છેલ્લે ઔરંગઝેબે (1658–1707) સમરાવી. તેની એક બાજુ 86 મી. અને અંદરનો ચોક 73 મી. છે. ચોક ફરતી સ્તંભમાળા છે. મુખ્ય દ્વાર દક્ષિણમાં છે. ઘુમ્મટના સ્થાને પિરામિડ આકારનાં છાપરાં ‘ઝિયારત’ છે. પશ્ચિમી ઝિયારત નમાજ-ખંડ પર છે. અંદર દેવદારના થડના 378 થાંભલા 7.6 મી.થી 15.2 મી.ની ઊંચાઈના છે.
ગુલબર્ગની મસ્જિદ ઈરાનના રફી નામના સ્થપતિની રચના છે. ખુલ્લા ચોકના સ્થાને વિશાળ ઘુમ્મટ ફરતા 65 મી. × 53 મી.માં 63 નાના ઘુમ્મટ છે. ચાર બાજુએ 4 ઘુમ્મટો છે. તેમાં એકસાથે 5000 લોકો નમાજ પઢી શકે છે. પછીથી સ્થાપત્યની આ નવી શૈલી પ્રચલિત બની નહિ.
રવીન્દ્ર વસાવડા
મન્વિતા બારાડી