જુરાસિક રચના : મેસોઝોઇક યુગની મધ્યકાલીન રચના. ભૂસ્તરીય કાળગણનાક્રમમાં મેસોઝોઇક યુગ પૈકીનો દ્વિતીય કાળગાળો જુરાસિક કાળ નામથી ઓળખાય છે. તે કાળગાળા દરમિયાન જમાવટ પામેલી સ્તરસમૂહશ્રેણીથી બનેલી રચના એટલે જુરાસિક રચના. તેની નીચે ટ્રાયાસિક અને ઉપર ક્રિટેશિયસ રચનાઓ આવેલી છે. આ રચનાના ખડકો મહદ્અંશે સમુદ્રજન્ય છે. ભૂસ્તરીય, ઇતિહાસમાં આ રચનાની જમાવટ આજથી ગણતાં 19.5 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને 13.5 કરોડ વર્ષ વચ્ચેના 6 કરોડ વર્ષના ગાળામાં થયેલી છે.

1795માં ફૉન હમ્બોલ્ટે સ્વિટ્ઝર્લૅન્ડના જુરા પર્વતોમાં મળી આવતી મુખ્યત્વે જળકૃત ખડકોથી બનેલી આ કાળની લાક્ષણિક સ્તરશ્રેણી માટે સર્વપ્રથમ ‘જુરાસિક રચના’ પર્યાય સૂચવેલો, જે દુનિયાભરમાં મળી આવતી આ કાળગાળાની સમકક્ષ ખડકરચના માટે વપરાતો રહ્યો છે. જોકે અમેરિકાના કૉર્ડિલેરામાં આ સમયના જ્વાળામુખી ખડકો મર્યાદિત પ્રમાણમાં મળે છે.

આ રચનાના ખડકો દુનિયામાં જ્યાં જ્યાં મળી આવે છે ત્યાં તેમને નિમ્ન, મધ્ય અને ઊર્ધ્વ જુરાસિક – એ પ્રમાણે 3 કાલખંડોમાં વર્ગીકૃત કરેલા છે. આ 3 કાલખંડો વચ્ચે રહેલી બે સરહદોની કાલગણના અનુક્રમે 17.2 અને 16.2 કરોડ વર્ષની મુકાય છે. યુરોપીય પ્રદેશભેદે અનુકૂળતા ખાતર ફ્રાન્સ માટે લાયાસ, ડોગ્ગર અને માલ્મ, જર્મની માટે બ્લૅક જુરા, બ્રાઉન જુરા અને વ્હાઇટ જુરા; અને ઇંગ્લૅન્ડ માટે લાયાસ, નિમ્ન ઊલાઇટ અને ઊર્ધ્વ ઊલાઇટ એ પ્રમાણે નામ અપાયાં છે. આ ઉપરાંત વાયવ્ય યુરોપના પ્રમાણભૂત ખડકછેદોના અભ્યાસને આધારે વધુ પેટાવિભાગો પણ પાડેલા છે જેમાં કાલાનુસારી અને જીવનાનુસારી સ્તરવિભાગીકરણ પણ કરવામાં આવેલું છે. આમ, જુરાસિક રચનાના સંખ્યાબંધ ઉપવિભાગો પાડેલા છે. તેમાંથી મળી આવેલા 100થી વધુ વિભાગીય જીવાવશેષોની મદદથી જુદી જુદી 11 કક્ષાઓમાં આ રચના વહેંચાઈ ગયેલી છે. કક્ષાઓ એ વિભાગીય જીવાવશેષવાળા સ્તરો હોઈને તેમાં રહેલા લાક્ષણિક ઍમોનાઇટ્સને કારણે વયનિર્ધારણ માટે દુનિયાભરમાં પ્રમાણભૂત રીતે ઉપયોગી બની રહે છે.

જુરાસિક કાળના પ્રાચીન ભૌગોલિક સંજોગો : જુરાસિક કાળ દરમિયાન અસ્તિત્વ ધરાવતા ખંડો અને મહાસાગરોના આકારો અને સ્થિતિ માટે ભિન્ન ભિન્ન મતો રજૂ કરવામાં આવેલા છે. વર્તમાન મહાસાગરોના વિસ્તારની જગાએ વિશાળ ખંડો અને ભૂમિજોડાણો(land bridges)નું અસ્તિત્વ હતું એવા મતને હવે ઘણા નિષ્ણાતો દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. ડબ્લ્યુ. આર્કેલ ગોંડ (ગોંડવાના) ભૂમિસમૂહના પશ્ચિમી અર્ધભાગ તરીકે આફ્રિકા-બ્રાઝિલના અસ્તિત્વને શક્ય હોવાનું ગણાવે છે. તે એમ પણ ધારણા મૂકે છે કે વર્તમાન હિન્દી મહાસાગર જુરાસિક વખતે ભૂમિભાગ હતો. આ અર્થઘટન મુજબ, લેમુરિયા તરીકે ઓળખાતો દક્ષિણી-હિન્દી-માલાગાસી (Austro-Indo-Madagascar) ભૂમિસમૂહ (અથવા ગોંડવાના ભૂમિસમૂહનો પૂર્વભાગ) આફ્રિકાના પૂર્વભાગથી જુરાસિક કાળના દરિયા દ્વારા અલગ પડેલો હતો. ભૂમિ અને દરિયાકિનારાના ભાગોના પ્રાણીજીવાવશેષોના વિતરણ પરથી આફ્રિકા અને દક્ષિણ અમેરિકા વચ્ચે ભૂમિજોડાણ હોવાનું જરૂરી સમજાય છે અને તેમ હોય તો જ સરખા જીવાવશેષો પ્રાપ્ત થઈ શકે; પરંતુ આટલાંટિક અને હિન્દી મહાસાગરમાં કોઈ ખંડો કે ભૂમિજોડાણો હતાં કે નહિ એ માટે કોઈ નિર્દેશ સાંપડતો નથી; તેમ છતાં આ બધા ખંડો છૂટા પડવા માટેના ખંડીય પ્રવહનનો અધિતર્ક ન માનવાને કોઈ કારણ રહેતું નથી. વિસ્તરતા જતા ગણાતા મહાસાગરતળ કેન્દ્રોમાંથી પૃથ્વીના પોપડાની વિશાળ ભૂતકતીઓ(plates)નું પ્રવહન થયું હોવું જોઈએ.

જુરાસિકના કૅલોવિયન કાલખંડ માટે ગોંડ (ગોંડવાના) ભૂમિસમૂહનું માળખું કેવુંક ગોઠવાયેલું હશે તેનો એ. હેલમના નીચેના નકશા પરથી ખ્યાલ આવે છે :

આકૃતિ 1 : નકશો

જોકે આ ભૂમિસમૂહનું ક્રિયાશીલ પ્રવહન તો મધ્ય કે અંતિમ ક્રિટેસિયસથી વહેલું થયેલું નથી જ. વળી ઉત્તરધ્રુવ પ્રદેશ (Arctic) અને સ્કૅન્ડિનેવિયામાં મળતા પ્રાણીઅવશેષોનું વિતરણ સૂચવે છે કે તે વિસ્તાર જુરાસિક કાળમાં દરિયાઈ થાળું હતું જે તે વખતે ત્યાંથી દક્ષિણ તરફ ઉત્તર આટલાંટિકમાં વિસ્તરેલું હતું, કારણ કે પૂર્વ કૅનેડાના દરિયાઈ કિનારાના અંદરના વિસ્તારોમાં જુરાસિક નિક્ષેપો મળે છે. આ ઉપરાંત આ વિસ્તારના ખંડોમાં મળતા જુરાસિક નિક્ષેપો એ વખતે લગભગ છીછરા દરિયામાં જામેલા હોવાનું જણાય છે. આખાયે જુરાસિક કાળના 6 ± કરોડ વર્ષના કાળગાળા દરમિયાન બધા જ સમય માટે દરિયાનો કોઈ પણ વિસ્તાર છીછરો જ રહ્યો હોય એવા સંજોગો ભાગ્યે જ રહ્યા છે. જુરાસિક વખતે દરિયાઈ અતિક્રમણ થયેલું, તેની સમયમર્યાદા જે ભૂમિભાગોમાં પાણી ફરી વળ્યાં હોય તેમનાં ભૂપૃષ્ઠલક્ષણો પર આધાર રાખે છે; દા. ત., રશિયાના યુરોપીય ભાગની સ્થાયી દરિયાઈ છાજલીઓ પર જુરાસિક સમયના પાતળા, અપૂર્ણ નિક્ષેપો, વાયવ્ય યુરોપમાં અસ્થાયી છાજલીઓ પર જાડા નિક્ષેપો તો પૅસિફિકની આજુબાજુ રહેલા, ફેરફારોને ગ્રાહ્ય નબળા પર્વતીય પટ્ટા પૈકીના અમેરિકન કૉર્ડિરેલન પટ્ટામાં ઘણી જાડાઈના નિક્ષેપો જોવા મળે છે. એવો જ બીજો નબળો પટ્ટો ટેથીઝ મહાસાગરનો હતો જે ભૂમધ્ય સમુદ્રથી ઈરાન થઈને હિમાલય અને ઇન્ડોનેશિયા સુધી વિસ્તરેલો હતો, તેમાં નજીકના ભૂમિભાગોમાંથી પ્રાપ્ત થતા જતા નિક્ષેપજથ્થાના જામવાની સાથે સાથે તે વધુ ને વધુ અવતલન પામતા ગયેલા; તેમ છતાં નિક્ષેપ-જમાવટ ચાલુ રહેવાને કારણે સમુદ્રથાળાં ભરાતાં રહેલાં અને સંજોગો છીછરા જળના રહ્યા.

જુરાસિક કાળ દરમિયાન, પોપડાના પ્રાચીન પ્રીકૅમ્બ્રિયન યુગના અવિચલિત ખંડો તેમજ અન્ય ભૂમિભાગો – કૅનેડિયન શીલ્ડ, સ્કૅન્ડિનેવિયન શીલ્ડ, બોહેમિયન વિસ્તાર, ફ્રાન્સનો કેન્દ્રીય ઉચ્ચપ્રદેશ, જર્મનીનો હાટર્સ પર્વતીય વિસ્તાર સ્થાયી હતા, તેમાંથી ઘસારાજન્ય શિલાચૂર્ણનો જથ્થો આ થાળાંને સતત મળ્યા કરતો હતો.

એક મહત્વની નોંધપાત્ર હકીકત એ છે કે અન્ય કાળની જેમ જુરાસિક કાળગાળા દરમિયાન કોઈ હિમક્રિયા થયેલી નથી.

જુરાસિક કાળનો ભૂસંચલન ઇતિહાસ : ભૂસ્તરીય ઇતિહાસમાં લગભગ આખાયે જુરાસિક કાળને અન્ય ભૂસ્તરીય કાળની સરખામણીએ, ભૂસંચલનક્રિયાઓના સંદર્ભમાં મોટે ભાગે નિષ્ક્રિય ગણાવેલો છે. તેમ છતાં બૅથોલિથ પ્રકારની અંતર્ભેદનક્રિયા ઉત્તર અમેરિકાના કૉર્ડિલેરામાં થવા પામેલી તેને મોટા પાયા પરની ભૂસંચલનજન્ય વિરૂપતા તરીકે ઘટાવવામાં આવે છે. જ્વાળામુખી ક્રિયા સાથે સંકળાયેલું ગિરિનિર્માણ ક્રિમિયા અને કૉકેસસ વિસ્તારમાં થયેલું. નાના પાયા પરનાં ગેડીકરણ તેમજ સ્તરભંગક્રિયા વાયવ્ય જર્મનીમાં થયેલાં. આ ગેડીકરણને કારણે દુનિયાના ઘણા ભાગોમાં જૂના ગેડીકરણને અસર પહોંચેલી છે અને આ ક્રિયા કહેવાય છે કે હજી પૂરેપૂરી સ્થિરતા પામી નથી. આ ઘટના અંતિમ ટ્રાયાસિકમાં અને પ્રારંભિક જુરાસિકમાં થયેલી છે. ઉત્તર અમેરિકન કૉર્ડિલેરામાં અમેરિકન તકતીની પશ્ચિમ કિનારીની નીચે પૅસિફિક તકતી દબતી ગયેલી, જેને પરિણામે જ્વાળામુખી ક્રિયા, અંતર્ભેદનક્રિયા અને વિરૂપતાની બે ઘટનાઓ એક મધ્ય જુરાસિક વખતે અને બીજી અંતિમ જુરાસિક કે પ્રારંભિક ક્રિટેશિયસ યુગ વખતે અસ્તિત્વમાં આવેલી. દક્ષિણ યુરોપના જુરાસિક ખડકોમાં જોવા મળતાં કેટલાંક ચિહ્નો પરથી કહી શકાય કે ટર્શિયરી યુગ દરમિયાન શરૂ થયેલી આલ્પાઇન ગિરિનિર્માણક્રિયાના પ્રારંભિક તબક્કાનાં પગરણ ખરેખર તો જુરાસિક કાળમાં મંડાઈ ચૂક્યાં હોવાનું મનાય છે. જુરાસિક ઇતિહાસમાં વધુ મહત્વની બાબત ખંડનિર્માણક્રિયા(epirogeny)ની ઘટના છે, જેને કારણે વારંવાર દરિયાઈ અતિક્રમણ અને પીછેહઠ, દરિયાઈ માર્ગોની પહોળા થવાની, સાંકડા થવાની, બંધ થવાની ક્રિયા તેમજ દરિયાઈ પ્રાણીઓનાં સ્થળાંતર થયાં હોવાનું ગણાય છે.

જુરાસિક કાળનાં જીવનસ્વરૂપો : જુરાસિક કાળનાં જીવનસ્વરૂપોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ, પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ તેમજ પ્રારંભિક સસ્તન પ્રાણીઓનો સમાવેશ કરી શકાય. દુનિયાના કેટલાક વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા હંસરાજ અને અનાવૃત-બીજધારી (જિમ્નોસ્પર્મ) વનસ્પતિ-અવશેષો જુરાસિક કાળની લાક્ષણિકતા ગણાય છે. આ પૈકી સાયકૅડ (ટિનીઑપ્ટેરિસ, નિલ્સોનિયા અને પ્ટેરોફાયલમ), અર્વાચીન સાયકૅડને સંબંધિત, પણ તાડ જેવી વિલુપ્ત વનસ્પતિનું વિપુલ પ્રમાણ હતું. જિંક્ગોનું બહોળા પ્રમાણમાં વિતરણ થયેલું; ચીડ, દેવદાર અને અન્ય શંકુદ્રુમ પણ વિપુલ હતાં. સપુષ્પ વનસ્પતિના અસ્તિત્વનો નિર્દેશ બીજાણુ (pollen grains) પરથી સાંપડે છે. જુરાસિક કાળની વનસ્પતિ પૈકી ઘણાં સ્વરૂપો હજી આજે પણ ચાલુ રહેલાં છે. ચૂનાયુક્ત લીલથી બંધાયેલા ખરાબા (reefs) કેટલાક દરિયાઈ ભાગોમાં તૈયાર થયેલા. જુરાસિકમાંની ભૂમિવનસ્પતિનું બધે જોવા મળતું સમાંગ લક્ષણ સૂચવે છે કે એ વખતે આજની જેમ આબોહવાવિષયક પટ્ટાનું અસ્તિત્વ નહોતું.

વિવિધ સ્વરૂપો ધરાવતાં સરીસૃપ વર્ગનાં પ્રાણીઓ (reptiles, dinosaurs) ઘણી મોટી સંખ્યામાં રજૂ થાય છે અને ભૂમિ પર તો તેમનું પ્રાધાન્ય જોવા મળે છે; જેમાં કેટલાક પ્રકારોમાં નિતંબનાં અસ્થિ તે પછીથી તેમાંથી વિહંગોમાં ઉત્ક્રાંતિ થવાનું સૂચવે છે. તેમનાં નાનાં અને રાક્ષસી કદસ્વરૂપો પણ મળે છે. કૉમ્પ્સોગ્નેથસ મરઘીનાં બચ્ચાં જેવડાં તો બેપગાં માંસભક્ષી ઍલોસૉરસ રાક્ષસી કદનાં હતાં. 20 મીટરથી વધુ લંબાઈવાળું ઉભયજીવી બ્રોન્ટોસૉરસ ચતુષ્પાદ અને તૃણભક્ષી હતું. ચતુષ્પાદ સ્ટેગોસૉરસ શરીર પર ભારે કવચવાળું હતું. જળચર સરીસૃપો પૈકી પ્લેસિઓસૉરસ માછલી જેવું હતું, ઇક્થીઓસૉરસ અને 6 મીટરની લંબાઈવાળા સ્ટેગોસૉરસ-મગરો પણ વિપુલ હતાં. ખેચર સરીસૃપો પૈકી પ્ટેરોડક્ટિલ્સ વગેરેથી રજૂ થતાં પ્ટેરોસોર પણ હતાં. જુરાસિક કાળમાં પૃથ્વી પર વિચરતાં અને મોખરાનું સ્થાન ધરાવતાં પ્રાણીઓમાં આ ડાયનોસૉરને મૂકી શકાય. જે તે કાળગાળામાં જ તેમના શારીરિક કદની મહત્તમ સીમાએ પહોંચેલાં.

સર્વપ્રથમ વિહંગ આર્કિયોપ્ટેરિક્સનાં જડબાં અને દાંત તો સરીસૃપો જેવાં જ હતાં, નિતંબનાં અસ્થિ મજબૂત, છાતીનાં પાંસળાં પ્ટેરોસૉરસ જેવાં હતાં; તેના અવશેષો જર્મનીમાં બવેરિયાના સૉલેનહોફેન(ડૅન્યૂબ નદી નજીક)ના અંતિમ જુરાસિક ખડકોમાંથી મળેલા છે. અર્વાચીન માછલીઓના લગભગ બધા જ વર્ગો જુરાસિકમાંથી પણ મળી રહે છે. ગૅનોઇડ (ગાયરોડસ, લૅપિડોટસ, ડૅપિડીઅસ), ટેલીઓસ્ટ (લૅપ્ટોલેપિસ) અને શાર્ક (હીબોડસ અને આર્કોડસ) મળેલ છે. ઉભયજીવી પૈકી દેડકા, મંડૂક(toad)નું અસ્તિત્વ હતું.

સસ્તન પ્રાણીઓ(mammals)નું અસ્તિત્વ હતું ખરું; પણ ત્યારે તો તે આજના ઉંદરથી ભાગ્યે જ મોટા કદનાં હતાં. ઇંગ્લૅન્ડ અને ઉત્તર અમેરિકામાં ધાનીધારી (માર્સુપિયલ્સ) વર્ગનાં નાનાં સસ્તન પ્રાણીઓનાં જડબાં અને દાંત મળેલાં છે.

જુરાસિકનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ પૈકી વિવિધતાનું પ્રમાણ પણ પુષ્કળ છે, જેમાં ગૂંચળાવાળી રચનાવાળાં મૃદુકાય (ammonite) મુખ્ય છે, જે તેમની ઉત્ક્રાંતિની ચરમ સીમાએ પહોંચી જાય છે. ટ્રાયાસિકમાં જોવા મળતા નથી એવા નવા વર્ગો અને જાતિઓનો જુરાસિકમાં વિકાસ થયેલો જણાય છે. આ કારણે તે જુરાસિક માટે મહત્વના વિભાગીય જીવાવશેષો બની શક્યાં છે. સિફેલોપૉડ પૈકીના અન્ય પ્રાણીઅવશેષો નૉટિલૉઇડ અને બૅલેમ્નાઇટ છે. ગૅસ્ટ્રોપૉડ અને પૅલિસિપૉડ પણ અગત્યના બની રહે છે, જેનાથી ખડકોનાં વયનિર્ધારણ અને સહસંબંધ શક્ય બને છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાંથી શૂળત્વચા વર્ગનાં પ્રાણીઓ, થોડા ક્રિનૉઇડ, મર્યાદિત બ્રૅકિયોપૉડ પણ મળી રહે છે. સિલિકાયુક્ત વાદળી(sponges)થી સ્થાનિક ખરાબા બનેલા છે. ભૂમધ્ય સમુદ્રીય વિસ્તારમાં ચૂનેદાર સ્રાવ કરતા આર્દ્રજીવ (hydrozoa) વિપુલ પ્રમાણમાં મળ્યા છે. જુરાસિક કાળમાં ક્યારેક ક્યારેક, ક્યાંક ક્યાંક પરવાળાં પણ તૈયાર થયેલાં. ભૂમિ પરનાં અપૃષ્ઠવંશીઓ પૈકી માખીઓ, પતંગિયાં, કંસારીઓ પણ મળે છે. ક્રસ્ટેસિયા પૈકી દરિયાઈ અને સ્વચ્છ જળના એમ બંને પ્રકારો મળે છે, જે વયનિર્ધારણ માટે મદદરૂપ થઈ પડે છે.

જુરાસિક રચનાના સ્તરો મુખ્યત્વે છીછરો જળનિક્ષેપપ્રકાર સૂચવે છે અને તેમાં સમાવિષ્ટ પ્રાણીજીવાવશેષો મોટે ભાગે તત્કાલીન ટેથીઝ મહાસાગરના થાળામાંથી પ્રાપ્ત થયાનું જણાય છે.

આર્થિક પેદાશો : પશ્ચિમ યુરોપમાં જુરાસિક કાળના જળકૃત ઉત્પત્તિજન્ય લોહધાતુખનિજ-નિક્ષેપો મળે છે, તે પૈકી ફ્રાન્સમાંનો લૉરેઇનનો જથ્થો મધ્ય જુરાસિકનો છે, જ્યારે બ્રિટનનો જથ્થો નિમ્ન તેમજ ઊર્ધ્વ જુરાસિકનો છે; કેટલોક જથ્થો ર્હીટિકમાંથી પણ મળી રહે છે; જેમ કે, ઉત્તરધ્રુવ વિસ્તારના લોહનિક્ષેપો. સ્કૉટલૅન્ડ, નૉર્વેના લોફોટન ટાપુઓ અને ઈશાન ગ્રીનલૅન્ડમાંથી ઊર્ધ્વ જુરાસિક વયનો કોલસો મળે છે, જોકે બધે જુરાસિક કોલસો કાર્યયોગ્ય (workable) હોતો નથી. વધુ બિટ્યુમિનવાળા ખડકો અને તૈલી શેલ પણ પશ્ચિમ યુરોપમાંથી મળે છે. ઇંગ્લૅન્ડ અને જર્મનીમાંથી ચૂના અને સિમેન્ટ યોગ્ય ચૂનાખડકો તેમજ ઈંટો માટે માટી મળી રહે છે. પશ્ચિમ યુરોપમાંથી જુરાસિક ચૂનાખડકોમાંથી સારા ઇમારતી પથ્થરો પણ મળી રહે છે. બવેરિયામાંથી સૂક્ષ્મદાણાદાર સ્લેટવાળો ચૂનાખડક મળે છે. યુ.એસ., કૅનેડા, મેક્સિકો, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, મોરોક્કો અને સાઉદી અરેબિયામાંથી પ્રદેશભેદે જુદી જુદી કક્ષાના જુરાસિકમાંથી પેટ્રોલિયમ મેળવવામાં આવે છે.

ભારત : વિંધ્યરચનાના અંત પછી દ્વીપકલ્પીય ભારતમાં ખંડનિર્માણ પ્રકારની ઊર્ધ્વગમનની ક્રિયા થયા બાદ દરિયાઈ સંજોગો રહ્યા નહિ, તેથી તે પછીના કોઈ પણ કાળની વિસ્તૃત ગણી શકાય એવી દરિયાઈ ખડકરચના દ્વીપકલ્પીય ભારતમાં જોવા મળતી નથી; પરંતુ જુરાસિક સમય દરમિયાન ટૂંકા કાળગાળા પૂરતું દરિયાઈ અતિક્રમણ થયેલું જેને પરિણામે દક્ષિણ ભારતના પૂર્વકિનારાના કેટલાક ભાગોમાં, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન તેમજ સૉલ્ટ રેન્જના વિસ્તારોમાં જુરાસિક ખડકો તૈયાર થયેલા છે. આ હંગામી ખંડીય સમુદ્રફાંટામાં નિક્ષેપશ્રેણીઓની રચના જુરાસિકનો છીછરો જળનિક્ષેપપ્રકાર દર્શાવે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં તેની વિવૃતિઓ જોવા મળે છે. એ જ રીતે પૂર્વકિનારાના પ્રદેશોમાં કિનારારચના(coastal deposits)ના ખાસ નામથી ઓળખાતો નિક્ષેપપ્રકાર અસ્તિત્વમાં આવેલો છે. આ વિસ્તારનું દરિયાઈ અતિક્રમણ કૅલોવિયન કક્ષાથી શરૂ થયેલું ગણાય છે.

આકૃતિ 2 : જુરાસિક કાળ દરમિયાન ગોંડવાના ખંડનું સંભવિત જોડાણ

ઉત્તર હિમાલયના તે વખતના ટેથિયન ભૂસંનતિમય થાળામાં જુરાસિક કાળના દરિયાઈ નિક્ષેપપ્રકાર દર્શાવતા ઘણી જાડાઈવાળા ચૂનાખડકો અને શેલ ટ્રાયાસિક રચનાની ઉપર લિલાંગ વિસ્તારમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

સ્પિટિ, ગઢવાલ અને કુમાઉંના વિસ્તારોમાં જુરાસિક ખડકોથી બનેલી કિયોટો ચૂનાખડક અને સ્પિટિ શેલ નામે ઓળખાતી જીવાવશેષયુક્ત બે સ્તરશ્રેણીઓ રહેલી છે. કિયોટો ચૂનાખડક ર્હીટિક, લાયાસ અને ઊલાઇટ વયનો છે, જ્યારે સ્પિટિ શેલ જુરાસિકના સૌથી ઉપરના પોર્ટલૅન્ડિયન અને પરબેકિયન ભાગનો નિર્દેશ કરે છે. સૉલ્ટ રેન્જમાં ઊલાઇટ વયના મધ્ય અને ઊર્ધ્વ જુરાસિક ખડકો મળે છે. અહીંથી તે બલૂચિસ્તાન તરફ વિસ્તરે છે જ્યાં જાડાઈ અને વિતરણની ર્દષ્ટિએ વધુ વિસ્તૃત બનેલા છે. આ રીતે જોતાં ભારતમાં દરિયાઈ અને ખંડીય સંજોગો પ્રવર્તેલા તેના પુરાવા જુરાસિક ખડકો પૂરા પાડે છે.

કચ્છનો ઘણો મોટો વિસ્તાર આવરી લેતા જુરાસિક ખડકો જાડાઈ, વિતરણ અને જીવાવશેષોની ર્દષ્ટિએ ઘણા જ મહત્ત્વના ગણાય છે; એટલું જ નહિ, પણ દરિયાઈ નિક્ષેપપ્રકાર દર્શાવતી કચ્છની આ જૂનામાં જૂની ખડકરચના ગણાય છે. તેમાં પચ્છમ, ચારી, ખત્રોડ અને ઉમિયા એ પ્રમાણેની ચડતા ક્રમની 4 શ્રેણીઓનો સમાવેશ થાય છે અને તેમનું વય નિમ્ન ઊલાઇટથી માંડીને વેલ્ડન સુધીનું મૂકવામાં આવેલું છે. આ વર્ગીકરણમાં છેલ્લે છેલ્લે કેટલીક કક્ષાઓમાં ફેરફારો સૂચવાયા છે ખરા. રેતીખડક, ચૂનાખડક, માર્લ અને શેલ મુખ્ય ખડકપ્રકારો છે. ઈશાન સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રાની આજુબાજુનો વિસ્તાર જુરાસિક વયનો છે. મુખ્યત્વે મળતો રેતીખડક ધ્રાંગધ્રા રેતીખડકના નામથી ઇમારતી પથ્થર તરીકે જાણીતો બનેલો છે. ઊર્ધ્વ ગોંડવાના પૈકીના જુરાસિક સમયના દરિયાઈ જીવાવશેષવાળા સ્તરો દક્ષિણ ભારતમાં ગુંતૂર અને રાજમુંદ્રી વચ્ચે રહેલા છે. રાજસ્થાનના જેસલમેર અને બિકાનેર-વિસ્તારમાં જુરાસિક વયના ચૂનાખડકો અને રેતીખડકો મળે છે. તેમને કચ્છની ચારી શ્રેણી સાથે સમકાલીન ગણવામાં આવ્યા છે.

આ ઉપરાંત જુરાસિક ખડકો કાશ્મીર, હઝારા, નેપાળ અને તિબેટ નજીકના ભાગો તેમજ મ્યાનમારમાં પણ મળે છે.

જુરાસિક કાળના જીવાવશેષ : ઉપર દર્શાવેલા ભારતના વિસ્તારોમાં શીર્ષપાદ સિફેલોપૉડ ખાસ કરીને ઍમોનાઇટ મહત્વનું સ્થાન ધરાવતા હતા અને વધુ પ્રમાણમાં જોવા મળતાં પ્રાણીઓ હતાં. તે ખૂબ જ જટિલ રેખાંકનોવાળાં, વિવિધતાવાળાં અનેક જીવાવશેષો દ્વારા દર્શાવાય છે. ખાસ કરીને કચ્છ વિસ્તારના જુરાસિક ખડકોમાંથી દુનિયાભરમાં જાણીતી બનેલી તેમની આશરે 1000 ઉપજાતિઓ અને 150 જાતિઓ શોધી કાઢવામાં આવી છે અને ભારતના પશ્ચિમવિસ્તાર પૂરતી મર્યાદિત છે તથા નવા પ્રકારની છે. આ ઉપરાંત લૅમેલિબ્રેન્ક પણ મહત્ત્વના છે ભૂમિજન્ય ખંડીય રચનાપ્રકારોમાં સાઇકૅડ અને શંકુદ્રુમ(conifer)નું મોટું પ્રમાણ મળી રહે છે. નીચી કક્ષાની સપુષ્પ વનસ્પતિનો પ્રારંભ પણ થઈ ચૂકેલો છે. અન્ય પ્રાણીઓમાં માછલી, ઉભયજીવી અને ઉરગવર્ગનાં પ્રાણીઓ મુખ્ય છે.

ગિરીશભાઈ પંડ્યા