મધુમાલતી : દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રિટૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Quisqualis indica Linn. syn. Q. densiflora Wall. ex Mig. (હિં. રંગૂન કી બેલ; ગુ. મધુમાલતી, બારમાસી વેલ, ઝૂમખા વેલ, લાલ ચમેલી; તે. રંગોની મલ્લે; ત. ઇરંગૂનમલ્લી; અં. રંગૂન ક્રીપર) છે. તે મોટી કાષ્ઠમય ક્ષુપિલ વેલ છે અને ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને ઉષ્ણકટિબંધીય ઇંડો-મલેશિયાના પ્રદેશોમાં થતી સ્થાનિક જાતિ છે. સમગ્ર ભારતમાં 300 મી.ની ઊંચાઈ સુધી ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તે ભારતમાં પ્રવેશ પામેલી જાતિ ગણાય છે, કારણ કે વન્ય સ્થિતિમાં તે ભારતમાં જોવા મળતી નથી. તેનાં પર્ણો સાદાં, સંમુખ કે ઉપસંમુખ (sub-opposite), ઉપવલયાકાર (elliptic) અથવા ઉપવલય-લંબચોરસ (elliptic-oblong), અણીદાર (acuminate) અને અખંડિત હોય છે. વનસ્પતિ ખરી પડેલાં પર્ણોના સખત,
અંકુશ જેવા પર્ણદંડો વડે આરોહણ કરે છે. પુષ્પો અસંખ્ય, સફેદ કે લાલ, સુગંધિત, અગ્રસ્થ કે કક્ષસ્થ લટકતી કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. નિપત્રો (bracts) અંડાકાર હોય છે. પાંચ વજ્રપત્રો વડે બનેલી વજ્રનલિકા લીલી, પાતળી, લગભગ 7.5 સેમી. જેટલી લાંબી અને બીજાશયની ઉપર આવેલી હોય છે. દલપત્રો 5; અંડાકાર-લંબચોરસ (ovate-oblong) અને વજ્રલગ્ન (episepalous) હોય છે. પુંકેસરો 10 અને વજ્રલગ્ન હોય છે. બીજાશયમાં ચાર જેટલાં લટકતાં અંડકો હોય છે. તેના ઉપર પાતળી પરાગવાહિની આવેલી હોય છે. ફળ શુષ્ક, ચર્મિલ (coriaceous), અંડ-ઉપવલયાકાર (ovate-elliptic), પંચકોણીય, 4.0 સેમી. લાંબાં અને 0.75 સેમી.થી 1.25 સેમી. પહોળાં હોય છે. પરિપક્વતાએ તે એકબીજમય હોય છે.
તે સહિષ્ણુ (hardy) વેલ છે અને ઉદ્યાનોમાં તેનાં ચમકતા રંગનાં સુંદર પુષ્પો માટે ઉગાડવામાં આવે છે. તેનું પ્રસર્જન કટકારોપણ, દાબકલમ કે ગુટીથી થઈ શકે છે. તે અત્યંત ઝડપથી વૃદ્ધિ પામે છે અને ઓછી કાળજીથી પણ ઊછરી શકે છે. જોકે ખાતર આપવાથી પુષ્પો સારા એવા પ્રમાણમાં વધે છે. તેને કમાન અથવા વૃક્ષ ઉપર ઉગાડવામાં આવે છે. તેની નવી વધતી શાખાઓની છાંટણી કરવાથી ઝાડીનું સ્વરૂપ પણ આપી શકાય છે. અવારનવાર શાખાઓની છાંટણી કરવાથી પુષ્પો લાંબો સમય આવ્યા કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન તે પુષ્કળ પ્રમાણમાં પુષ્પનિર્માણ કરે છે. લટકતા પુષ્પસમૂહમાં તેઓ ક્રમશ: ખીલે છે. પુષ્પો સાંજે સફેદ રંગ ધરાવે છે. ધીમે ધીમે તેમાં સવાર સુધીમાં ગુલાબી છાંટ આવે છે અને બપોર પછી ઘેરા લાલ રંગનાં બને છે. સાંજે અને તે પછી તે વિશિષ્ટ પ્રકારની સુગંધી આપે છે. ઉત્તર ભારતમાં ઊગતી મધુમાલતીમાં ભાગ્યે જ ફળનિર્માણ થાય છે.
તેનાં ફળ અને બીજ કૃમિહર ગુણધર્મો ધરાવે છે. કાચાં બીજ કડવાં અને પાકાં મીઠાં હોવા છતાં મર્યાદિત પ્રમાણમાં જ તે લઈ શકાય છે. 4 કે 5થી વધારે બીજ આપવાના કેટલાક કિસ્સાઓમાં શૂલ (colic) ઉત્પન્ન થાય છે. તે વધારેપડતી માત્રામાં લેવાથી વ્યક્તિ બેભાન બને છે. ચીનમાં પાકાં બીજ ભૂંજીને અતિસાર (diarrhoea) અને તાવમાં આપવામાં આવે છે. ઇંડો-ચાઇનામાં બાળકોને રિકેટ્સ(rickets)માં તે અપાય છે. તેલમાં દ્રવ-સંમર્દિત (macerated) બીજ ત્વચાના પરોપજૈવિક (parasitic) રોગોમાં લગાડવામાં આવે છે. બીજમાંથી નિષ્કર્ષિત કરવામાં આવેલું તેલ રેચક હોય છે.
બીજનો કૃમિહર ગુણધર્મ સેન્ટોનિન સાથે સામ્ય ધરાવતા સક્રિય ઘટકની હાજરીને આભારી છે. મૂળ અને પર્ણોમાંથી પ્રાપ્ત કરેલા નિષ્કર્ષ પણ કૃમિહર તરીકે અસરકારક હોય છે. મલાયામાં પર્ણોનો રસ દાઝવા ઉપર અને ચાંદા પર લગાડવામાં આવે છે. મિશ્ર ક્વાથમાં તેનાં પર્ણોનો ઉપયોગ વાયુવિકાર (flatulence) દૂર કરવામાં થાય છે.
ઇંડોનેશિયામાં તેના તરુણ-પ્રરોહો કાચા કે બાફીને ખવાય છે. ટોગોલડમાં લાંબા સ્થિતિસ્થાપક પ્રકાંડ ટોપલા, મત્સ્ય-બંધ (weir) અને મત્સ્ય-પાશ (fish trap) બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ