મધુમતી (1958) : પરભવનાં પ્રેમીઓની પ્રણયકથા નિરૂપતું ગીતસંગીતથી ભરપૂર સફળ ચલચિત્ર. ‘દો બિઘા જમીન’ અને ‘દેવદાસ’ જેવાં ગંભીર ચિત્રોનું દિગ્દર્શન કરનાર બિમલ રૉયે પુનર્જન્મને કેન્દ્રમાં રાખીને બનાવેલા આ ચિત્રને કારણે ટીકાનો ભોગ બનવું પડ્યું. પણ આ પ્રકારના કથાવસ્તુવાળાં ચિત્રોમાં શિરમોર ગણાતું ‘મધુમતી’ તેનાં કર્ણપ્રિય ગીતો, મુખ્ય કલાકારોના પ્રભાવી અભિનય તથા જકડી રાખે તેવી રજૂઆતને કારણે ખૂબ લોકપ્રિય બન્યું.

શ્વેત અને શ્યામ. ભાષા : હિન્દી. નિર્માણ સંસ્થા : બિમલ રૉય. નિર્માતા-દિગ્દર્શક : બિમલ રૉય. પટકથા : ઋત્વિક્ ઘટક. સંવાદ : રાજેન્દ્રસિંહ બેદી. છબિકલા : દિલીપ ગુપ્તા. સંગીત : સલીલ ચૌધરી. ગીતકાર : શૈલેન્દ્ર. મુખ્ય કલાકારો : દિલીપકુમાર, વૈજયંતીમાલા, પ્રાણ, જયંત, જૉની વૉકર, તિવારી, ભૂદો અડવાણી, તરુણ બોઝ.

પત્ની આવી રહી છે એવો તાર મળતાં તેને લેવા સ્ટેશને જવા નીકળેલા નાયક દેવેન્દ્રને ભારે વરસાદને કારણે તેના મિત્ર સાથે એક જૂની હવેલીમાં રાતવાસો કરવો પડે છે. પોતે જિંદગીમાં પહેલી જ વાર એ હવેલીમાં આવ્યો હોવા છતાં હવેલી તેને પરિચિત લાગે છે. ધીમે ધીમે તેને પોતાનો પૂર્વજન્મ યાદ આવે છે. એ વખતે તે ઉગ્રનારાયણ નામના એક જુલ્મી જમીનદારને ત્યાં મૅનેજર તરીકે નોકરીએ રહે છે અને ગામની એક યુવતી મધુમતીના પ્રેમમાં પડે છે. જમીનદાર કોઈ કામના બહાને દેવેન્દ્રને બહારગામ મોકલીને તેની ગેરહાજરીમાં મધુમતીને પોતાની વાસનાનો શિકાર બનાવવા ચાહે છે, પણ મધુમતી તેના પંજામાંથી નાસી છૂટીને હવેલી પરથી કૂદીને પ્રાણ ત્યજી દે છે. નાયકને આની જાણ થાય છે ત્યારે તે હવેલી પર જઈને ઉગ્રનારાયણને પડકાર ફેંકે છે, પણ તેના માણસો તેને મારીને અધમૂઓ કરી નાખે છે. એવામાં અદ્દલ મધુમતી જેવી જ દેખાતી એક શહેરી યુવતી તેને મળે છે. ઉગ્રનારાયણ સાથે બદલો લેવા માટે નાયક એ યુવતીને મદદ કરવા સમજાવે છે. મધુમતી જેવાં કપડાં પહેરીને તેને એક નિશ્ચિત સમયે ઉગ્રનારાયણ સમક્ષ હાજર થવા કહે છે. યોજના મુજબ મધુમતી હવેલીમાં ઉપસ્થિત થાય છે અને ઉગ્રનારાયણ પાસે ગુનો કબૂલ કરાવીને જતી રહે છે. પણ આ બધું પૂરું થયા પછી શહેરી યુવતી ત્યાં પહોંચે છે અને પોતાને આવવામાં મોડું થયું એ બદલ માફી માંગે છે ત્યારે સૌને પ્રશ્ન થાય છે કે થોડી વાર પહેલાં મધુમતી તરીકે આવનાર યુવતી કોણ હતી ?

પૂર્વજન્મની સ્મૃતિઓમાંથી બહાર આવીને દેવેન્દ્ર બીજા દિવસે સવારે જ્યારે સ્ટેશને પહોંચે છે ત્યારે વિચારતો હોય છે કે જેની સાથે સાચો પ્રેમ હોય તે બીજા જન્મમાં પણ મળે જ છે. આ જન્મમાં તેની પત્ની પણ મધુમતી જેવી જ દેખાતી હોય છે. ‘સુહાના સફર ઔર યે મૌસમ હસીં’, ‘ચડ ગયો પાપી બિછુઆ’, ‘દિલ તડપ તડપ કે કહ રહા હૈ આ ભી જા’ અને ‘આ જા રે મૈં તો કબસે ખડી ઇસ પાર’ જેવાં ગીતોમાં લોકસંગીતનો ખૂબ સુંદર ઉપયોગ કરાયો છે. ‘મધુમતી’ને શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ સહાયક અભિનેતા (જૉની વૉકર), શ્રેષ્ઠ સંગીત-નિર્દેશક માટેના ‘ફિલ્મફેર’ પુરસ્કારો મળ્યા હતા.

હરસુખ થાનકી