મધુમેહ, મૂત્રપિંડજન્ય

January, 2002

મધુમેહ, મૂત્રપિંડજન્ય (renal glycosuria) : મધુપ્રમેહના રોગની ગેરહાજરીમાં પેશાબમાં ગ્લુકોઝ જવો તે. મૂત્રપિંડ દ્વારા થતા ગ્લુકોઝના ઉત્સર્ગની ઉંબરસીમા (threshold value) નીચી હોય ત્યારે પેશાબમાં તે વહી જાય છે. આ વિકાર યુવાનોમાં જોવા મળે છે અને દેહસૂત્રી (અલિંગસૂત્રી) પ્રચ્છન્ન (autosomal recessive) પ્રકારના વારસાથી તે ઊતરી આવતો હોય છે. તેને મધુપ્રમેહ સાથે કોઈ સંબંધ નથી. તે એક સૌમ્ય અને બિનઉપદ્રવી વિકાર છે. ક્યારેક સગર્ભાવસ્થામાં પણ તે જોવા મળે છે. મૂત્રપિંડમાંના ગ્લુકોઝના વહનમાં વિકાર ઉદભવેલો હોવાથી ગળાયેલો ગ્લુકોઝ ફરીથી પુન:શોષિત થતો નથી. તેથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર 180 મિગ્રા. %થી વધેલું ન હોય તોપણ ગ્લુકોઝ પેશાબ દ્વારા બહાર વહી જાય છે. ગ્લુકોઝની આ 180થી 200 મિગ્રા. %ની રુધિરસપાટીને ઉંબરસીમા કહે છે. મધુપ્રમેહના રોગમાં કે અન્ય કારણોસર જો લોહીમાં ગ્લુકોઝની સપાટી તેથી વધુ થાય તો પેશાબ દ્વારા ગ્લુકોઝ વહે છે; પરંતુ મૂત્રપિંડી મધુમેહવાળી વ્યક્તિમાં ગ્લુકોઝની રુધિરસપાટી તેનાથી ઓછી હોય તોપણ પેશાબમાં ગ્લુકોઝ જાય છે. આ રીતે આશરે 25થી 30 ગ્રામ ગ્લુકોઝનો ઉત્સર્ગ થાય છે; પરંતુ તેને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી પણ જતું નથી. આમ, આ વિકાર મધુપ્રમેહના રોગથી અલગ છે. તેની કોઈ ખાસ સારવાર હોતી નથી.

ગ્લુકોઝ-સહ્યતા કસોટી (glucose tolerance test, GTT) : (અ) સામાન્ય વ્યક્તિ, (આ) મધુપ્રમેહની દર્દી, (ઇ) ઘટેલી મૂત્રપિંડી ઉંબરસીમાવાળી વ્યક્તિ. નોંધ : (અ) સામાન્ય વ્યક્તિમાં GTT સમયે ગ્લુકોઝની મહત્તમ માત્રા ઉંબરસીમાથી નીચે રહે છે માટે પેશાબમાં ગ્લુકોઝ જતો નથી, પરંતુ જ્યારે સામાન્ય GTTવાળી વ્યક્તિમાં મૂત્રપિંડી ઉંબરસીમા નીચે ઊતરે છે ત્યારે GTTમાં  જોવા મળતી મહત્તમ ગ્લુકોઝ સપાટી તેનાથી વધે છે અને તેથી પેશાબમાં ગ્લુકોઝ વહે છે (ઈ) મધુપ્રમેહના દર્દીમાં લોહીની અંદરની ગ્લુકોઝ-સપાટી સામાન્ય મૂત્રપિંડી ઉંબરસીમાથી વધે છે માટે પેશાબમાં ગ્લુકોઝ વહે છે. અત્રે નોંધવા લાયક છે કે સામાન્ય વ્યક્તિ અને મૂત્રપિંડી મૂત્રમેહવાળી વ્યક્તિના GTTના આલેખ એક સરખા અને અધિક્ષમ (normal) હોય છે (સરખાવો ‘અ’ અને ‘ઈ’)

શિલીન નં. શુક્લ