મદ્રકો : પ્રાચીન કાળમાં ઉત્તર ભારતમાં વસતી એક પ્રસિદ્ધ જાતિ. તેઓ ‘મદ્રો’ તરીકે પણ ઓળખાતા હતા. મદ્ર લોકો ઉત્તર મદ્રો, પૂર્વ મદ્રો, દક્ષિણ મદ્રો ઇત્યાદિ વર્ગોમાં વિભાજિત હતા. ઉત્તર મદ્રોનો નિર્દેશ ‘ઐતરેય બ્રાહ્મણ’માં થયો છે. તદનુસાર તેઓ હિમવત્ પ્રદેશમાં ઉત્તર કુરુદેશની સમીપમાં સંભવત: કાશ્મીર પ્રદેશમાં વસતા હતા. પૂર્વ મદ્રો પ્રાય: શાકલ(આધુનિક સિયાલકોટ)ની પૂર્વે આવેલા પ્રદેશમાં, ત્રિગર્ત કે કાંગરાથી દૂર નહિ એવા પ્રદેશમાં વસતા હતા. દક્ષિણ મદ્રો ઇરાવતી (રાવી) નદીની પશ્ચિમે આવેલા મધ્ય પંજાબમાં વસ્યા હતા. પછીના સમયમાં તેની પૂર્વ સીમા અમૃતસર જિલ્લા સુધી વિસ્તરી હતી. મદ્રદેશનું પ્રાચીન પાટનગર શાકલ કે સાગલ હતું, જે હાલનું સિયાલકોટ છે.
આરંભિક અનુવૈદિક કૃતિઓમાં મદ્ર લોકોનો નિર્દેશ રાજાસત્તાક શાસનપ્રથા ધરાવતા લોકો તરીકે થયો છે. બ્રાહ્મણ ગ્રંથોના રચનાકાલમાં મદ્ર મદ્રગાર શૌંગાયતિ અને ઉદ્દાલક આરુણિના ગુરુ કાપ્ય પતંચલ જેવા અનેક નામાંકિત વિદ્વાનો તથા આચાર્યોનું નિવાસસ્થાન હતું. મહાભારતમાં પાંડુ રાજાની રાણી માદ્રી મદ્રદેશની હતી. આરંભિક પ્રાચીન કાલમાં મદ્ર લોકો કુલીનતા માટે પ્રતિષ્ઠા ધરાવતા હતા; પરંતુ સમય જતાં તેઓ અનુચિત રીતરિવાજ ધરાવતા દુરાચારી લોકો તરીકે પંકાયા હતા.
ઈસવી સનની ચોથી સદીમાં સમ્રાટ સમુદ્રગુપ્તના પ્રભાવ હેઠળ આવેલા લોકોની ટોળીઓમાં પંજાબના મદ્રકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સૂચવે છે કે વિદેશીઓની સત્તા હેઠળ અનેક સદીઓ-પર્યંત રહ્યા બાદ, તેઓને રાજકીય મહત્વ પ્રાપ્ત થયું હતું. માળવો, અર્જુનાયનો, યૌધેયો અને મદ્રકોનાં રાજ્યો સમ્રાટ સમુદ્રગુપ્તને ખંડણી ભરતાં હતાં. મદ્રકોની એક શાખા ઉત્તર-મદ્રો તરીકે ઓળખાતી હતી અને તે લોકો હિમાલયના પ્રદેશોમાં ઉત્તરકુરુઓની પડોશમાં વસતા હતા.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
જયકુમાર ર. શુક્લ