જાતક પારિજાત : જ્યોતિષની જાતક શાખાનો મહત્વપૂર્ણ ગ્રંથ. વૈદ્યનાથ દૈવજ્ઞે પંદરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં આ ગ્રંથ રચ્યો છે. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ થયેલો છે.
ગ્રંથકારે ગ્રંથારંભે પ્રતિજ્ઞા કરેલી છે કે હું ‘સારાવલી’ નામના કલ્યાણવર્માએ લખેલા ગ્રંથના આધારે અથવા તેને મૂળ તત્ત્વ તરીકે સ્વીકારીને આ ગ્રંથ લખી રહ્યો છું. કલ્યાણવર્મા (899) ગુજરાતની ઉત્તર સરહદે આવેલા એક નાના રાજ્યના રાજવી હતા. તેમણે વરાહમિહિરના જાતકશાસ્ત્રના મૂળભૂત પુસ્તક તરીકે ગણાતા બૃહદ્ જાતકના અવશિષ્ટ અંગની પૂર્તિ રૂપે પોતાનો ગ્રંથ લખ્યો છે એમ તે પોતે કહે છે. આમ, બૃહદ્ જાતકની પરંપરામાં લખાયેલા જાતકશાસ્ત્રના એટલે જન્મપત્રિકાના ફળાદેશને માટે મદદરૂપ બનનારા ગ્રંથોમાં જાતક પારિજાત એક છે.
ગ્રંથકાર પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ગણેશ દૈવજ્ઞના પિતા કેશવ દૈવજ્ઞના ગુરુ હતા અને તેથી તેમને પ્રાપ્ત થયેલું જ્ઞાન અનુભવજન્ય વિશેષતાઓથી ભરેલું છે. આ ગ્રંથ નવગ્રહની કૃપાથી લખેલો છે એમ ગ્રંથકાર પોતે કહે છે.
કેશવ દૈવજ્ઞનો પ્રસિદ્ધ ગ્રંથ ‘કેશવી જાતકપદ્ધતિ’ બહુ પ્રસિદ્ધ છે અને તેમના ગુરુનું નામ વૈજનાથ લખેલું છે. એટલે આ ગ્રંથકાર વૈદ્યનાથ તે જ તે પોતે હશે તેમ અનુમાન કરેલ છે. ગ્રંથકારે પોતાના સ્થળ અને સમય આદિ સંબંધમાં કંઈ કહેલું નથી.
આ ગ્રંથ દક્ષિણ ભારતમાં વધારે પ્રચલિત થયો હશે તેમ અનુમાન થાય છે. કેમ કે ગુજરાત, મધ્યભારત અને ઉત્તર ભારતમાં તેનો પ્રચાર બહુ ઓછો હતો. હવે તે ગ્રંથ સર્વત્ર વપરાશમાં છે. તેના અધ્યાયોનો અનુક્રમ અને વિષયોનો અનુક્રમ નીચે મુજબ છે : પહેલા અધ્યાયમાં (1) રાશિના ગુણ અને ભાગ, (2) ગ્રહની ગતિ, સ્થાન, સ્વભાવ અને આકૃતિ, (3) આધાન(ગર્ભ)નું રહેવું, બીજાં જીવવાળાં પ્રાણીઓનું જન્મવું, (4) બાળકો પર અને જુવાન માણસો પર જુવાનીમાં પડતાં દુ:ખો, (5) જાતક જન્મતાં મરણ પામે તેવા યોગો, બાલારિષ્ટ, (6) રિષ્ટભંગવિધિ એટલે રિષ્ટ થતું અટકાવવું, (7) રાજયોગ, (8) દ્વિત્ર્યાદિ ગ્રહયોગ, (9) માન્દિલગ્ન, (10) અષ્ટક વર્ગ, શુભરેખાનું ગણિત, (11) પહેલા અને બીજા ભાવનું ફળ, (12) ત્રીજા અને ચોથાનું, (13) પાંચમા અને છઠ્ઠાનું, (14) 7-8-9 ભાવનું ફળ, (15) 10-11-12 ભાવનું ફળ, (16) સ્ત્રી જાતક, (17) કાલચક્ર દશા, (18) દશા અન્તર્દશા.
સત્તરમા અધ્યાયમાં આપેલી કાલચક્રદશા આ ગ્રંથની વિશેષતા છે. બીજા જાતક ગ્રંથોમાં આ દશા હોતી નથી. પછીના અધ્યાયમાં આપેલી દશા અને અન્તર્દશાઓ તે વિંશોત્તરી દશા છે. આ ગ્રંથકારે અષ્ટોત્તરી દશાનો વિચાર દર્શાવેલો નથી.
અષ્ટકવર્ગના અધ્યાયના વિષયમાં કેટલાક ગ્રંથોમાં ઉક્ત સ્થાનોમાં રેખા મૂકવી એમ કહેલું છે. જ્યારે આ ગ્રંથમાં બિંદુ મૂકવાની વાત કરેલી છે. આથી ફળમાં કોઈ વિશેષતા ઉત્પન્ન થતી નથી. આવાં કારણોને લીધે આ ગ્રંથનો આદરભાવ દક્ષિણ ભારતમાં થયેલો છે તેમ સમજાય છે. જોકે તે સારાવલીનો આધાર લેવાનો જાહેર કરે છે. તે ઉત્તર ભારતના અને વરાહના ગ્રંથોમાં લીધેલી બાબતો પર પ્રકાશ ફેંકે છે પણ રજૂઆતમાં કંઈક ફરક આવે છે.
હિંમતરામ જાની