જાતકકથા

January, 2012

જાતકકથા : બોધિસત્વની જન્મજન્માન્તરની કથાઓનો સંગ્રહ. બુદ્ધના ઉપદેશના સંગ્રહરૂપ પાલિ ‘સુત્તપિટક’ના પાંચમા ‘ખુદ્દકનિકાય’નો દસમો ભાગ. બુદ્ધ બનતાં પહેલાં ગૌતમ બોધિસત્વ કહેવાતા. અનેક પૂર્વજન્મોમાં કેળવેલી દાન, શીલ, મૈત્રી વગેરે 10 પારમિતાઓ એટલે કે લાયકાતોથી તેમને બોધિ સાંપડેલી. તેમણે કેટલીક વાર જીવદયા માટે પ્રાણ પણ આપેલા.

પહેલાંની પ્રચલિત લોકકથાઓને બુદ્ધના પૂર્વજન્મો સાથે સાંકળી લેવાઈ. તેમાં બોધિસત્વ નાયક, તેના પ્રેરક કે સાક્ષી તરીકે નિરૂપાયા છે. યોગ્ય પાત્ર ન જડ્યું ત્યાં વનદેવતાનું સ્વરૂપ આપી સંબંધ જાળવ્યો છે. 550માંથી 548 કથાઓ ઉપલબ્ધ છે. એમાંની કેટલીક પંચતંત્રમાં પણ છે.

કેટલીક સાંચી તથા ભરહુતના સ્તૂપો આસપાસ કોતરાયેલી હોઈ અશોકના પહેલાં તે બૌદ્ધ સાહિત્યમાં પ્રવેશી ચૂકેલી. બુદ્ધના ઉપદેશને વ્યવસ્થિત કરવા માટેની પ્રથમ સંગીતિના સમયથી જાતકકથાઓ બૌદ્ધ કર્મસિદ્ધાંતના ઉદાહરણરૂપ બની; બીજી સંગીતિ સુધીમાં ધર્મનીતિકથાઓમાં રૂપાન્તરિત થઈ; ત્રીજીમાં ‘ખુદ્દકનિકાય’માં સંઘરાઈ. પછીથી નવીયે ઉમેરાઈ.

તેમાં નરકપીડિત આત્મા, પિશાચ, પશુપક્ષીવનસ્પતિ, માનવ અને દેવયોનિની વાત આવે છે. બોધિસત્ત્વ પહેલી બે તથા સ્ત્રીયોનિમાં જન્મતા નથી. માનવસમાજની હલકટતા પ્રત્યેના કટાક્ષ ઉપરાંત બુદ્ધિચાતુર્ય અને સદાચારના અતિપ્રાચીન પાઠ પણ તેમાં છે. પશુપક્ષીઓને સંગઠિત બની આપત્તિઓનો સામનો કરતાં દર્શાવ્યાં છે.

‘રુક્મધમ્મજાતક’માં એકત્રિત વૃક્ષો વાદળ સામે સ્વરક્ષણ કરે છે. તત્કાલીન સમાજધર્મ, અર્થવ્યવસ્થા, રાજનીતિ, ભૂગોળ વગેરેનું ચિત્રણ પણ જાતકોમાં મળે છે.

બંને બૌદ્ધ સંપ્રદાયો જાતકકથાઓનો આદર કરે છે.

લગભગ દરેક કથાનો પ્રારંભ ‘વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા રાજ્ય કરતો હતો ત્યારે’ એવા રૂઢ પ્રયોગથી થાય છે. પ્રત્યેક કથાના 5 વિભાગ છે : (1) પચ્ચુપ્પન્નવત્થૂ – બુદ્ધના જીવનકાળની ઘટના, (2) અતીતવત્થૂ – બુદ્ધે કહેલો પૂર્વજન્મવૃત્તાન્ત, (3) ગાથા – ઉપદેશાત્મક પદ્યવિભાગ (સૌથી વધારે મહત્વનો), (4) વેય્યાકરણ કે અત્થવણ્ણના ગાથાનાં શબ્દાર્થ-સમજૂતી, (5) સમોઘન – કથાનાં પાત્રોનો તત્કાલીન પાત્રો સાથેનો બુદ્ધે દર્શાવેલ સંબંધ.

કથાવસ્તુની ર્દષ્ટિએ જાતકકથાઓના 7 વર્ગ પડાયા છે : (1) વ્યાવહારિક નીતિવિષયક, (2) પ્રાણીકથાઓ, (3) મનોરંજક, (4) રોમાંચક દીર્ઘકથાઓ, (5) નૈતિક વર્ણનાત્મક કથાઓ, (6) કથનાત્મક અને (7) ધર્મકથાઓ.

શૈલી અનુસાર 5 વર્ગ : (1) ગદ્યવર્ણન, (2) આખ્યાન, (3) ગાથામાં પરિણમતું દીર્ઘવર્ણન, (4) એકાદ વિષય વિશેનાં વચનોનો સંગ્રહ અને (5) મહાકાવ્ય કે ખંડકાવ્ય.

‘રામાયણ’, ‘મહાભારત’ તથા ‘ભાગવત’ની કથાઓની અતિવિકૃત રજૂઆત ધ્યાન ખેંચે છે : ‘દશરથજાતક’માં જેતવનમાં વિહરતા બુદ્ધ પિતૃમરણપીડિત જમીનદારોને આશ્વાસન આપતાં સુખદુ:ખાદિમાં સ્થિતપ્રજ્ઞ રહેનાર ડાહ્યા રામ(રામપંડિત)ની કથા કહે છે : વારાણસીના 16,000 પત્નીઓવાળા રાજા દશરથની પટરાણીનાં 3 સંતાન : રામપંડિત, લક્ષ્મણ અને સીતા ! પટરાણી ગુજરી જતાં પરિષદ્યોના આગ્રહથી બીજી કરી. તેના પુત્ર ભરત માટેના વરદાનમાં રાણીએ રાજ્ય માગતાં રાજાએ ના પાડી, પણ જાનનું જોખમ સમજી રામલક્ષ્મણને અન્યત્ર જવા અને પોતાનું 12 વર્ષનું આયુષ્ય પૂરું થતાં પાછા ફરી શાસન સંભાળવા સૂચવ્યું. સીતા ભાઈઓ સાથે હિમાલયમાં ગઈ. નવમે વર્ષે રાજાનો દેહ પડતાં પરિષદ્યોએ પટરાણીની વાત ન માની. પાછા લેવા ગયેલા ભરતને શોકરહિત રામપંડિતે લક્ષ્મણસીતા અને પાદુકાઓ આપી. ન્યાયમાં ભૂલ થતાં સિંહાસનારૂઢ પાદુકાઓ ટકરાતી. રામ 12 વર્ષે આવતાં સીતાને તેમની સાથે પરણાવી રાજ્યાભિષેક કર્યો ! તેમણે 16,000 વર્ષ રાજ્ય કર્યું.

અન્તે બુદ્ધે જણાવ્યું કે રાજા શુદ્ધોદન તે જ દશરથ, મહામાયા તે રામપંડિતનાં માતા, રાહુલની માતા તે સીતા, આનન્દ તે ભરત અને પોતે રામપંડિત.

‘ઘતજાતક’માં કૃષ્ણ ઇક્ષ્વાકુના દાસીપુત્ર છે !

ધર્મપ્રચારાર્થે જાતકકથાઓનો પુષ્કળ ઉપયોગ થયો. તે ઈરાન-અરબસ્તાનના માર્ગે યુરોપમાં પહોંચી. બ્રહ્મદેશ, સિયામ, શ્રીલંકા, તિબેટ, મૉંગોલિયા, ચીન તથા જાપાનમાં પ્રસરી. જાપાનનો ‘ઝેન’ સંપ્રદાય તો જાતકકથાની તાત્વિક પરિણતિરૂપ ગણાય છે. અંગ્રેજી ઉપરાંત લૅટિન, ફ્રેંચ, ઇટાલિયન, સ્પૅનિશ, સ્વીડિશ, જર્મન અને ડચ જેવી ભાષાઓમાં તેનું ભાષાન્તર થયું છે. જગતના કથાસાહિત્યનો ઊગમ અને ‘સિંદબાદની સફર’ તથા ‘અરેબિયન નાઇટ્સ’નું મૂળ જાતકકથાઓમાં મનાયું છે.

મૂળ પાલિ જાતકકથાઓ શ્રીલંકામાં સચવાઈ છે. પરંપરા પ્રમાણે અશોકપુત્ર મહેન્દ્ર તેમને શ્રીલંકામાં લઈ ગયો. ત્યાં તેનું સિંહાલીમાં ભાષાન્તર થયું. પાંચમા શતકમાં બુદ્ધઘોષ દ્વારા કે અન્ય દ્વારા તે ફરી પાલિમાં રૂપાંતર પામી. વી. એફ. ફાઉસબોલે એને સંપાદિત કરી. ઈ.બી. કૉવેલે પણ 1957માં અનુવાદ સાથે સંપાદન કર્યું છે.

જયન્ત પ્રે. ઠાકર