જાતિ (species)

January, 2012

જાતિ (species) : વૈજ્ઞાનિક વર્ગીકરણ માટેનો મૂળભૂત એકમ. સૌપ્રથમ જાતિને વર્ગીકરણના એકમ તરીકે ગણવાનો પ્રસ્તાવ અંગ્રેજ જીવવૈજ્ઞાનિક જ્હૉન રેએ સત્તરમી સદીમાં આપ્યો; પરંતુ તેને આધુનિક વર્ગીકરણમાં ગોઠવવાનો પ્રયાસ અઢારમી સદીમાં કેરોલસ લીનિયસ નામના સ્વીડિશ વૈજ્ઞાનિકે કર્યો. લીનિયસ દ્વિનામી વર્ગીકરણપદ્ધતિનો મુખ્ય પ્રણેતા ગણાય છે. આ પદ્ધતિ પ્રમાણે કોઈ પણ સજીવને બે નામ આપવામાં આવે છે. પ્રથમ પ્રજાતિ તથા તેના પછી જાતિ (genus & species) જેથી દુનિયાની જુદી જુદી ભાષાઓમાં જુદાં જુદાં નામે ઓળખાતા એક જ સજીવને આ રીતે વૈજ્ઞાનિક નામે ઓળખી શકાય છે. દા.ત., જાસૂદને અંગ્રેજીમાં શૂફ્લાવર (shoeflower) કહે છે; પરંતુ તેનું શાસ્ત્રીય વૈજ્ઞાનિક નામ Hibiscus rosasinensis છે. અનેક જાતિઓનો સમૂહ પ્રજાતિ (genus) રચે છે. જાતિના બધા સભ્યો સમાન લક્ષણો ધરાવે છે; પરંતુ અન્ય જાતિના સભ્યોથી તે રીતે જુદા પણ હોય છે. એક જ જાતિના સભ્યો અંદરોઅંદર સંવર્ધન કરી શકે છે; પરંતુ ભિન્ન જાતિઓમાં તે શક્ય નથી હોતું. ક્વચિત્ સંવર્ધન થાય તોપણ તેમાંથી ઉદભવતી સંતતિઓ વંધ્ય હોય છે. કોઈ પણ જાતિ કે પ્રજાતિઓનાં નામ સરખાં હોતાં નથી. ક્યારેક એક જ જાતિના સમૂહના સભ્યોમાં જુદાં જુદાં લક્ષણો જોવા મળે છે ત્યારે તેમને ઉપજાતિ (sub-species) કે જાતો (varieties) કહેવામાં આવે છે. ખાસ તો ખેતીવાડીમાં કોઈ પણ પાકના આંતરસંવર્ધનને લીધે અનેક જાતો ઉત્પન્ન થાય છે.

અવિનાશ બાલાશંકર વોરા