જંક : મધ્યયુગના છેવટના ભાગમાં સુધારેલું ચીની વહાણ. આ વહાણ દુનિયાનું સૌથી મજબૂત અને દરિયાઈ સફર માટે સૌથી વધુ સલામત અને વિશ્વાસપાત્ર ગણાય છે.

જંકની બાંધણીને લગતી 2 બાબતો નોંધપાત્ર છે : એક તે ખોખાની રચના અને બીજી તે વહાણના સઢની આલાદ. 3 બાબતોમાં તે બીજાં વહાણો કરતાં જુદું પડે છે. તેને પઠાણ (keel) હોતું નથી. આગલા મોરાના તથા પાછલા મોરાના સ્તંભો તેને હોતા નથી. ત્રીજું, આગલા મોરા સાથે સઢ બાંધવા માટે લાકડું તથા પાછલા મોરા પાસે આગળ પડતું સઢ બાંધવાનું લાકડું હોતું નથી.

જંકના ખોખાને દળદાર, જાડા નક્કર પાટિયાની દીવાલથી અલગ અલગ જલાભેદ્ય ખંડ કે ફાળકામાં વિભાજિત કરવામાં આવે છે. આ વિભાજન આડા ને ઊભા છેદથી થાય છે. આ કારણે વહાણ વધારે મજબૂત બને છે. પઠાણના સ્થાને પાણીમાં ઊંડે સુધી રહેતા ભારે સુકાન સાથે જોડેલા પાટિયાનો ઉપયોગ થાય છે. આ સુકાનને ઊંચુંનીચું કરી શકાય છે. લિનનના સાંકડા સમાંતર પટ્ટાનો કે ચટાઈની શ્રેણીનો સઢ તરીકે ઉપયોગ થાય છે. આવા સઢો એકથી પાંચ સુધીના કૂવાસ્તંભો સાથે બાંધવામાં આવે છે. તેને ઊંચો કે નીચો કરવા માટે નિશ્ચિત પૅનલ હોય છે. લિનન કે સાદડીની શ્રેણીઓ પવનના જોરનું વિભાજન કરી તેનું બળ ઓછું કરી નાખે છે.

નવમી સદીમાં ચિનાઈ જંક દ્વારા ચીનના વેપારીઓ ઇન્ડોનેશિયા તથા ભારતની ખેપ કરતા હતા. ઇટાલિયન પ્રવાસી માર્કો પોલોએ તેના પુસ્તક ‘ટ્રાવેલ્સ’માં આ પ્રકારના ચીની વહાણની પ્રશંસા કરી છે (1288) અને તેનું વર્ણન પણ કરેલું છે. આ વહાણો પૂર્વ આફ્રિકાના દેશોની ખેપ પણ કરતાં હતાં. 1848માં એક ચીની જંકે ચીનથી કેપ ઑવ્ ગુડ હોપના રસ્તે થઈને યુ.એસ.ના બૉસ્ટન અને ન્યૂયૉર્ક થઈને લંડનની લાંબી ખેપ કરી હતી.

શિવપ્રસાદ રાજગોર