જંગમ (1982) : અસમિયા નવલકથા. લેખક દેવેન્દ્રનાથ આચાર્ય(1937થી 1982)ને આ નવલકથા માટે 1984નો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મરણોત્તર એનાયત કરવામાં આવેલો. લંડન યુનિવર્સિટીમાંથી ઇજનેરી વિદ્યાની અનુસ્નાતક ડિગ્રી મેળવી તેમણે અસમ ઇજનેરી કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપેલી. નવલકથાકાર તરીકે ‘અન્ય યુગ અન્ય પુરુષ’ (1971) નામની પહેલી નવલકથાથી જાણીતા થયેલા, પણ તેમની પછીની નવલકથાઓ ‘કાલપુરુષ’ (1976) અને ‘જંગમ’(1982)ના પ્રકાશન પછી વિશિષ્ટ પ્રકારની ઐતિહાસિક નવલકથાના લેખક તરીકે કીર્તિ મેળવી. ‘કાલપુરુષ’માં સત્તરમી સદીના મધ્યભાગમાં અસમમાં રહેલા અહોમ શાસનકાળનો ઇતિહાસ છે; ‘જંગમ’માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનથી હારીને બર્મામાંથી અસમ આવી રહેલી ભારતીયોની એક ટોળીની કથા આલેખાઈ છે. આ ભારતીયોએ સહન કરેલી યાતનાઓ, કંટાળાભરેલી દીર્ઘ પદયાત્રા અને કટુ અનુભવોનું પુસ્તકમાં હૃદયદ્રાવક વર્ણન છે. બર્મામાં ઇરાવતીને કાંઠે આવેલા નાનકડા ગામ મંકુમાં 20 પરિવારો – ભારતીય અને બર્મીઝ – સમૃદ્ધિભર્યું શાંત જીવન જીવતા હતા; જાતિભેદને કારણે કોઈ વિસંવાદિતા નહોતી. પણ જાપાનના હુમલાથી બર્મીઝ યુવાનોને સમજાયું કે ભારતીયો તેમનું આર્થિક માળખું કબજે કરી તેમને ચૂસી રહ્યા હતા. પોતાના દેશને ભારતીયોથી મુક્ત કરવા તે જાપાનીઓ સાથે જોડાયા. મંકુમાં રહેતા ભારતીય પરિવારોએ આ કટોકટી વખતે બર્મા છોડી અસમની સલામતીભરી સીમાએ પહોંચવા ધાર્યું. ભયાનક પર્વતો, ગાઢ જંગલો અને હિંસ્ર પશુઓનો તો સામનો કર્યો, પણ વધારે તો તેમનો પીછો કરનાર બર્મીઝ બળવાખોરો અને જાપાનના સૈનિકોથી બચવાનું અત્યંત વિકટ હતું. દેવેન્દ્રનાથ આચાર્યે તેમની વિશિષ્ટ કથનશૈલીમાં ઇતિહાસની પશ્ચાદભૂમિકા દ્વારા ઉચ્ચ માનવીય મૂલ્યોના વિજયને આલેખતી આ નવલકથાને કલાત્મક રૂપ બક્ષ્યું છે. અસમિયા સાહિત્યમાં આવી ઐતિહાસિક ઘટનાને આલેખી અસમને કેન્દ્રમાં રાખતી આ એક જ નવલકથા, લેખકનું મોટું પ્રદાન છે. અસમિયા ભાષાની લઢણો અને પદાવલિથી કૃતિ નવી ભાત પાડે છે.

અનિલા દલાલ