છોટમ (જ. 24 માર્ચ 1812, મલાતજ, તા. પેટલાદ, જિ. ખેડા; અ. 5 નવેમ્બર 1885) : 19મી સદીના ગુજરાતના સંતકવિ અને યોગી. કવિ દલપતરામથી શરૂ થતા નવયુગનો પ્રભાવ ઝીલીને, નરસિંહ મહેતાથી દયારામ સુધીની ધર્મપ્રધાન સાહિત્યની પ્રાચીન પરંપરાને અનુસરનાર આ સંતકવિ ‘છોટમ’નું મૂળ નામ છોટાલાલ કાળિદાસ ત્રવાડી. સાઠોદરા નાગર જ્ઞાતિમાં જન્મેલા છોટાલાલે આરંભમાં તલાટીની નોકરી કરી, વિધવા માતા, ત્રણ નાના ભાઈઓ અને બાળવિધવા બહેનની જવાબદારી સંભાળી. એમના કનિષ્ઠ બંધુ વ્રજલાલ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી ‘શાસ્ત્રી’ તરીકે, ખાસ કરીને ભાષાશાસ્ત્રી તરીકે નામાંકિત થયા હતા. વ્રજલાલ શિનોરમાં હતા ત્યારે છોટાલાલ એમની સાથે નર્મદાના સામા કાંઠે શ્રી પુરુષોત્તમ નામે સિદ્ધ યોગીનો સત્સંગ સાધવા ગયા. એ સંતે આ મુમુક્ષુના અનેક સંશયોનું નિવારણ કરી, તેમના પૂર્વભવના સંસ્કારોના ઉદયને વેગ આપ્યો ને પાખંડી પંથોનું ખંડન કરી અસલ વેદ ધર્મનું પ્રતિપાદન કરતા ગ્રંથ રચવાની શીખ આપી. છોટાલાલ યોગસાધના કરી મહાત્મા બન્યા ને જ્ઞાન, કર્મ અને ભક્તિની ઉપાસના દ્વારા પરમ ધર્મનો મર્મ સમજાવતું સાહિત્ય રચવા લાગ્યા. લગભગ ચારસો જેટલાં પદો, પાંત્રીસ જેટલાં ખંડકાવ્યો અને વીસ જેટલાં બોધપ્રધાન આખ્યાનોની રચના દ્વારા સંતકવિ ‘છોટમ’ તરીકે સમસ્ત ગુજરાતમાં ખ્યાતિ પામ્યા. એમની રચનાઓ વિવિધ વૃત્તોમાં પદ્યમાં થઈ છે. એમની થોડીક કૃતિઓ વ્રજભાષામાં પણ રચાઈ છે.
‘ધર્મ વિચારો રે ધર થકી, તજી કપટ તમામ’, ‘જાગ રે જીવ, અજ્ઞાન આળસ તજી, જગતકરતારને લે ને જાણી’, ‘ભૂલમાં શું ફરે ભમતો, નફટ નર, ભૂલમાં શું ફરે ભમતો’, ‘તારું ખેતર હરણાં ખાય રે, જંજાળી જનુવા’, ‘તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણ રે’, ‘કાયા છે તો નિશદિન કર સમરણ કરતારનું રે’, ‘કંઠી બાંધે વંઠી અકલ શુદ્ધ ના કરી’, ‘સત્ય નહીં તે ધર્મ જ શાનો, દયા વિના શું દાન જો ને’ ઇત્યાદિ એમનાં અનેક બોધપ્રદ પદો ચરોતરથી માંડીને સોરઠ સુધી ઠેરઠેર ગવાતાં હતાં.
‘કપિલગીતા’, ‘શિવસ્વરોદય’, ‘બોધચિંતામણિ’, ‘ઉપાસના-કુતૂહલ’, ‘ભક્તિભાસ્કર’, ‘ગુરુમહિમા’, ‘બોધબાવની’, ‘પ્રશ્નોત્તર-માળા’, ‘વાદવિચાર’, ‘સાંખ્યસાર’ અને ‘રોગસાર’ જેવાં અનેક જ્ઞાનબોધક કાવ્યો કવિ છોટમનો અમૂલ્ય વારસો છે.
‘વંશપાળ-આખ્યાન’, ‘માનસિંહ-આખ્યાન’, ‘સુમુખચરિત્ર’, ‘પ્રહલાદનું આખ્યાન’, ‘નારા-રેશમનું આખ્યાન’, ‘મદાલસા-આખ્યાન’ અને ‘બુદ્ધિધનચરિત્ર’ જેવાં એમનાં અનેક આખ્યાનો લોકપ્રિય નીવડ્યાં છે.
સં. 1904ના અરસામાં શરૂ થયેલો કવિ છોટમનો કવનકાલ સં. 1915થી 1933 સુધી પુરબહારે ખીલી નિધનવર્ષ સં. 1941માં (ઈ.સ. 1885માં) લય પામ્યો. એમની કાવ્યકૃતિઓ એ સમયનાં અનેક સામયિકોમાં પ્રકાશિત થતી. વ્રજલાલ શાસ્ત્રીએ છોટમની કેટલીક કૃતિઓ પ્રકાશિત કરી હતી. કવિ છોટમની ‘કીર્તનમાળા’ની અનેક આવૃત્તિઓ થઈ હતી. છોટમનાં કેટલાંક ખંડકાવ્યોના નાના સંગ્રહ બહાર પડ્યા હતા. નડિયાદના ‘શ્રી છોટમ જ્ઞાનોદય’ નામે માસિકમાં છોટમનું ઉપલબ્ધ સાહિત્ય પ્રસિદ્ધ થવા લાગ્યું. છોટમકૃત કાવ્યસંગ્રહ(1922)નો ભાગ 1 પ્રકાશિત થયો. છોટમકૃત કીર્તનમાળા (ભાગ 1થી 3) 1924માં પ્રકાશિત થઈ. ભિક્ષુ અખંડાનંદે છોટમની અનેક નાનીમોટી કાવ્યકૃતિઓને ‘છોટમની વાણી’ ગ્રંથ 1થી 3 સ્વરૂપે પ્રકાશિત કરી (1926–1929). કવિ છોટમની આ કૃતિઓ ખૂબ લોકપ્રિય નીવડી. હવે એ વર્ષોથી અપ્રાપ્ય બની રહી છે. સંતકવિ છોટમને પોતાના પથપ્રદર્શક ગુરુ માનતા શ્રી કેશવલાલ મગનલાલ ઉર્ફે વાસુદેવાનંદે અમદાવાદના કાંકરિયા તળાવ પાસે ‘છોટમ-ગુફા’ દ્વારા એ યોગનિષ્ઠ મહાત્માને પરમ શ્રદ્ધાંજલિ અર્પી છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી