છેત્રી, શરદ

January, 2012

છેત્રી, શરદ (જ. 1947, રાજબાડી, દાર્જિલિંગ) : સુપરિચિત નેપાળી વાર્તાકાર અને કવિ. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ચક્રવ્યૂહ’ બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાંથી નેપાળીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. તેઓ તાલીમબંદ સ્નાતક હોવાને કારણે શાળામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પાછળથી તેઓ સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયામાં જોડાયા અને હાલ (2001) પણ ત્યાં કામગીરી કરે છે.

તેમની 30 કૃતિઓ પ્રગટ થઈ છે. તેમાં 5 વાર્તાસંગ્રહ, 4 કાવ્યસંગ્રહ અને 4 નવલિકાઓ ઉપરાંત નિબંધો, વિવેચન અને નાટકોનો સમાવેશ થાય છે. તેમની કૃતિઓ પૈકી ‘બૈશધારા’ (1978); ‘પર્યટન’ (1979); ‘અતિક્રમણ’ (1980) અને ‘તરલ કથાહરુ’ (1983) ઉલ્લેખનીય છે. તેમની કૃતિઓ હિંદી, બંગાળી, આસામી, તેલુગુ, ઊડિયા તથા અંગ્રેજીમાં અનૂદિત કરાઈ છે.

સાહિત્યક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેમને ઘણી વાર સન્માનવામાં આવ્યા છે. 1986માં નેપાળી અકાદમી દ્વારા તેમને ભાનુભક્ત પુરસ્કાર, રત્નશ્રી ગોલ્ડ મેડલ (1988), કરુણા સાગર સન્માન (2005) આપવામાં આવ્યાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ચક્રવ્યૂહ’ 32 વાર્તાઓનો અભિનવ વાર્તાસંગ્રહ છે. સચોટ અભિવ્યક્તિ, મૌલિકતા અને સામાજિક સંદર્ભને કારણે આ કૃતિ સમકાલીન નેપાળી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા