મકૅગ, નૉર્મન (જ. 1910, એડિનબરો, ઈસી સ્કૉટલૅન્ડ, યુ.કે.; અ. 1996) : સ્કૉટલૅન્ડના કવિ. તેમણે સૌપ્રથમ યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કર્યો. લગભગ 40 વર્ષ સુધી તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કર્યું. 1967–69 દરમિયાન એડિનબરો યુનિવર્સિટી ખાતે ‘ક્રિએટિવ રાઇટિંગ’ના સૌપ્રથમ ફેલો હતા. 1970–77 દરમિયાન તેઓ સ્ટર્લિંગ યુનિવર્સિટી ખાતે ‘ઇંગ્લિશ સ્ટડિઝ’ના વ્યાખ્યાતા રહ્યા. 1986માં તેમને કાવ્યરચના બદલ ‘ક્વીન્સ ગોલ્ડ મેડલ’ અપાયો હતો.
તત્ત્વચર્ચાની છણાવટવાળાં તેમનાં કલ્પનામઢ્યાં કાવ્યોના સંગ્રહોમાં ‘રાઇડિંગ લાઇટ્સ’ (1955), ‘એ રાઉન્ડ ઑવ્ એપ્લૉઝ’ (1962), ‘ધ વાઇટ બર્ડ’ (1973) તથા ‘વૉઇસ-ઓવર’ (1988) મુખ્ય છે. અંગ્રેજીમાં લેખનકાર્ય કરનારી તેમના સમયની પેઢીના તેઓ અગ્રણી સ્કૉટિશ કવિ હતા.
મહેશ ચોકસી