મકૅડમ, જૉન લુડન (જ. 1756, દક્ષિણ આયર્શાયર, સાઉથવેસ્ટ સ્કૉટલૅન્ડ; અ. 1836) : મરડિયા નાખેલા, સુયોજિત સપાટીવાળા માર્ગોના શોધક. 1770માં તેઓ ન્યૂયૉર્ક સિટીમાં ગયા. ત્યાં તેમના કાકાની પેઢીમાં તેઓ ખૂબ કમાયા; 1783માં તેઓ દેશ પાછા ફર્યા અને મોટી જાગીર ખરીદી. ત્યાં બાંધકામની નવતર પદ્ધતિઓ વિશે પ્રયોગો આદર્યા.

1816માં તેઓ ‘બ્રિસ્ટલ ટર્નપાઇક ટ્રસ્ટ’માં સર્વેયર તરીકે નિમાયા; ત્યાં તેમણે જાડી રેતી પાથરીને ઝીણા-બારીક પથ્થરોનો ઉપયોગ કર્યો અને ગટરકામમાં સરળતા અને સુધારણા થઈ શકે એ રીતે માર્ગોની સપાટી ઊંચી લાવ્યા. 1827માં તેઓ ગ્રેટ બ્રિટનનાં મોટાં શહેરોના માર્ગો માટે સર્વેયર જનરલ નિમાયા. તેમણે પ્રયોજેલી ‘મકૅડમ સપાટી’ અનેક શહેરોમાં પ્રચલિત બની.

મહેશ ચોકસી