ચૌધરી, અમરસિંહ (જ. 31 જુલાઈ 1941, ડોલવણ, વ્યારા, જિ. સુરત; અ. 15 ઑગસ્ટ 2004, અમદાવાદ) : ગુજરાતના પૂર્વમુખ્યપ્રધાન (1985–1990) તથા આદિવાસી નેતા. તેઓ ચૌધરી જનજાતિના હતા. પિતા સામાન્ય ખેડૂત હતા. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ સુરત જિલ્લા પંચાયતમાં જુનિયર ઇજનેર તરીકે જોડાયા.
આ વિસ્તારના આદિવાસી નેતા ઝીણાભાઈના કહેવાથી નોકરી છોડી 1971માં સક્રિય રાજકારણમાં ભાગ લેવાનું શરૂ કર્યું. સૌપ્રથમ તેઓ વ્યારા તાલુકા યુવક કૉંગ્રેસના પ્રમુખ બન્યા. 1972ની વિધાનસભાની ચૂંટણીમાં વ્યારા મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા અને પ્રધાનમંડળમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓ જાહેર બાંધકામ વિભાગના નાયબમંત્રી બન્યા. ત્યારપછી વ્યારા મતવિસ્તારમાંથી કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટાતા રહ્યા. 1985માં અનામત વિરોધી આંદોલનને કારણે મુખ્યમંત્રી માધવસિંહને રાજીનામું આપવું પડ્યું ત્યારે તેમનું સ્થાન અમરસિંહ ચૌધરીએ લીધું. તેઓ 1990 સુધી મુખ્યમંત્રી રહ્યા. પણ 1991ની વિધાનસભામાં વ્યારા મતવિસ્તારમાંથી તેઓ પરાજિત થયા. વ્યારામાં આદિવાસી ખેડૂતો માટે સહકારી ધોરણે ખાંડનું કારખાનું શરૂ કરવામાં અને આદિવાસીઓમાં રોજગારીની તકો વધે તે માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા.
1995માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ખેડબ્રહ્મા મતવિસ્તારમાંથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા અને રાજ્યમાં ભારતીય જનતા પક્ષની સરકાર રચાતાં તેઓ વિરોધપક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા. ગરીબોના અને આદિવાસીઓના અધિકારોના તેઓ પ્રખર પુરસ્કર્તા હતા. મુખ્યમંત્રીના પદેથી અને તે પછી વિરોધપક્ષોના નેતા બન્યા ત્યારે પણ તેમણે આદિવાસી સમાજ માટેની સક્રિયતા અને નિસબત સતત ચાલુ રાખી હતી.
ઘનશ્યામ શાહ