ચૌતીસા : ઊડિયા ભાષાના વ્યંજનોને વર્ણક્રમાનુસાર ગોઠવીને કરેલી કાવ્યરચનાઓ. પંદરમી સદીથી ઓગણીસમી સદીના મધ્ય સુધી કાવ્યનો આ પ્રકાર ખૂબ લોકપ્રિય બનેલો. આ ગાળા દરમિયાન આ પ્રકારની સેંકડો કાવ્યરચનાઓ કરવામાં આવેલી. તે ગાળાના મોટા ભાગના કવિઓએ આ કાવ્યપ્રકારમાં રચના કરેલી. દરેક લીટીની શરૂઆતમાં ‘ક’ થી ‘ક્ષ’ સુધીના વ્યંજનો વર્ણક્રમાનુસાર ગોઠવીને રચનાઓ કરવામાં આવેલી. વર્ણમાળાની આ પ્રકારની ગોઠવણી લીટીના અંતમાં પણ જાળવી રાખવામાં આવતી. કેટલીક રચનાઓમાં વ્યંજનોને ઊલટા ક્રમમાં ગોઠવીને કાવ્યો રચાયેલાં જેમાં કાવ્યપંક્તિની શરૂઆત ‘ક્ષ’થી થાય અને લીટીનો અંત ‘ક’થી થાય. આવી રચનાઓ ‘ઉલટા ચૌતીસા’ નામથી ઓળખાય છે. આવી કાવ્યરચનાઓમાં વર્ણક્રમની ગોઠવણી કરવા માટે કવિઓએ ભિન્ન ભિન્ન પ્રકારના કલ્પનાચાતુર્યનો ઉપયોગ કર્યો છે. ‘મેરા યુદ્ધ ચૌતીસ’ નામની કાવ્યરચના તેનો જ એક નમૂનો છે. આ રચનામાં જે તકનીક અપનાવવામાં આવી છે તે ભિન્ન પ્રકારની છે. દા. ત., 34મો વ્યંજન પ્રથમ ક્રમના વ્યંજન પછી અને 33મો વ્યંજન બીજા ક્રમના વ્યંજન પછી મૂકવામાં આવ્યા છે. આમ આ ચૌતીસાનો અંત શરૂઆતમાં મૂકવામાં આવેલા 17મા વ્યંજનથી થાય છે.

ચૌતીસાની રચનાઓમાં કવિઓએ જુદા જુદા છંદોનો પણ ઉપયોગ કર્યો છે. વ્યંજનોના વર્ણક્રમની જાણકારી આપવા માટે જૂના જમાનામાં યુવાન વિદ્યાર્થીઓને ચૌતીસા શીખવવામાં આવતા હતા.

દીનકૃષ્ણ દાસ, ઉપેન્દ્ર ભંજ, વિષ્ણુ દાસ, શ્યામદાન, ભીમભોઈ વગેરે કવિઓએ આ પ્રકારની કાવ્યરચનાઓમાં બહોળું અને સફળ સર્જન કર્યું છે.

જાનકીવલ્લભ મોહન્તી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે