ચૌધરી, અમિત (જ. 15 મે 1962, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : અંગ્રેજી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘એ ન્યૂ વર્લ્ડ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાંથી અંગ્રેજીમાં બી.એ. ઑનર્સ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ.(અંગ્રેજી)ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અંગ્રેજી, હિંદી અને બંગાળી ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેઓ ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજ વિશ્વવિદ્યાલયોમાં ફેલો રહ્યા અને તેમણે કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્કની સ્કૂલ ઑવ્ ધ આર્ટ્સમાં પ્રાધ્યાપક તથા બર્લિનની ફ્રેઈ યુનિવર્સિટેટ ખાતે સાહિત્યના સેમ્યુલ ફિશર ગેસ્ટ પ્રોફેસર તરીકે કામગીરી કરી. તેઓ રૉયલ સોસાયટી ઑવ્ લિટરેચરના ફેલો રહ્યા. તેઓ જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગાયક છે અને હિઝ માસ્ટર્સ વૉઇસ દ્વારા તેમના ગાયનની બે કેસેટ અને લોટસ પ્રિન્ટ દ્વારા એક સીડી તૈયાર કરવામાં આવી છે. પ્રયોગાત્મક સંગીતમાં તેમનો પ્રોજેક્ટ રાગ, જાઝ, ધ બ્લ્યૂઝ, રૉક, ટૅકનો, ડિસ્કો અને ભારતીય પ્રચલિત ગીતોને એકસાથે મૂકવાનો હતો.

અમિત ચૌધરી

તેમણે નાની વયે જ લેખનકાર્ય શરૂ કરેલું. તેમણે અંગ્રેજીમાં સંખ્યાબંધ નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, કાવ્યો અને વિવેચનાત્મક નિબંધો આપ્યા છે. તેમનાં લખાણો ‘યૂથ ટાઇમ્સ’, ‘ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ્ ઇન્ડિયા’, ‘ચંદ્રભાગા’, ‘લંડન રિવ્યૂ ઑવ્ બુક્સ’ અને ‘લંડન મૅગેઝિન’માં પ્રકાશિત થતાં રહ્યાં. તેમણે 6 ગ્રંથો આપ્યા છે : ‘એ સ્ટ્રેંજ ઍન્ડ સબ્લાઇમ ઍડ્રેસ’ (1991), ‘આફ્ટરનૂન રાગ’ (1993), ‘ફ્રીડમ સાગ’ (1998), ‘અ ન્યૂ વર્લ્ડ’ (2000), ‘પિકડર બુક ઑવ્ મૉડર્ન ઇન્ડિયન લિટરેચર’ (2001) અને ‘રિયલ ટાઇમ’ (2002) અદ્યતન વિશ્વમાં સંગીત વિશેની નવલકથા ‘ધ ઇમૉર્ટલ્સ’ (2008).

તેમને યુ.કે.ના લેખકમંડળ દ્વારા પહેલી ઉત્તમ નવલકથા માટે બેટ્ટી ટ્રાસ્ક ઍવૉર્ડ (1991), પ્રથમ શ્રેષ્ઠ કૃતિ માટે કૉમનવેલ્થ લેખક પુરસ્કાર, બીજી શ્રેષ્ઠ નવલકથા માટે એનકોર પુરસ્કાર (1991, 1994), ઇંગ્લૅન્ડનો સધર્ન આર્ટ્સ લિટરેચર પુરસ્કાર અને લૉસ એન્જેલસ ટાઇમ્સ બુક કથા પુરસ્કાર (2000), ઇમૉર્ટલ્સ માટે પસંદગી પામતાં સાઉથ એશિયન લિટરેચર માટે ડીએસસી પ્રાઇઝ (2011)થી સન્માનિત કરવામાં આવ્યા. ‘લંડન ઑબ્ઝર્વર’ દ્વારા સહસ્રાબ્દીના પસંદ કરાયેલ 21 લેખકો પૈકીના તેઓ એક છે.

18 માર્ચ 2008ના રોજ લેખક જેન સ્મીલે તથા નિબંધકાર એન્ડ્રી કૂરકોવ સાથે તેમનો સમાવેશ જોન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ, 2009 માટેની પૅનલમાં કરવામાં આવ્યો હતો.

તેમની પુરસ્કૃત કૃતિ ‘અ ન્યૂ વર્લ્ડ’ સૂક્ષ્મ અને સુકુમાર પ્રગેયાત્મકતા સાથે એક એવી દુનિયાનું આવાહન કરે છે કે જે ખૂબ જ ઝડપથી વિલુપ્ત થઈ રહી છે. તેમાં લેખક હળવી મજાક સાથે જગતમાં આઘાત અનુભવ્યા છતાં સહજ પ્રેમમાં વિશ્વાસ કરનાર લોકોનું ચિત્રાંકન કરે છે. તેમનું ગદ્ય સંગીતમય રાગની જેમ આકર્ષક છે. અંગ્રેજીમાં લખેલી આ કૃતિ ભારતીય કથાસાહિત્યમાં એક ઉલ્લેખનીય પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા