ચેતાતંત્ર (માનવેતર)
બહુકોષી પ્રાણીઓના શરીરમાં આવેલાં વિવિધ અંગોનાં કાર્યનાં નિયમન અને સમન્વય કરતું સ્વયં સંવેદનશીલ તંત્ર. આ સ્વયં સંવેદનશીલ તંત્રનું એકમ છે. ‘ચેતાકોષ’ અને સમગ્ર તંત્રને ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. શરીરની અંદરના અને બહારના પર્યાવરણમાં થતા ફેરફારો ઉદ્દીપન (stimulus) રૂપે આ ચેતાતંત્રના કોષો ઝીલે છે અને પ્રત્યુત્તર રૂપે અનુરૂપ અનુવર્તન કરવા શરીરને પ્રેરે છે. જ્યાં પ્રાણીશરીર એકકોષી કે કોષવિહીન હોય છે એવા પ્રજીવોમાં અલગ ચેતાતંત્ર કે અલગ ચેતાકોષો જોવા મળતા નથી; પરંતુ સંવેદના ગ્રહણ કરવાનું અને તેનો પ્રત્યુત્તર આપવાનું કાર્ય કોષોમાં રહેલો કોષરસ કે જીવરસ (protoplasm) કરે છે. બાહ્ય ઉદ્દીપનોનો પ્રત્યુત્તર આપવાની શક્તિ જીવરસ, ચેતાકોષ કે વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો અને અંત:સ્રાવોમાં રહેલી છે.
નિમ્નકક્ષાનાં પ્રાણીઓમાંથી ઉચ્ચકક્ષાનાં પ્રાણીઓ ઉદભવતાં ચેતાતંત્રની જટિલતા આવશ્યકતા મુજબ વધવા માંડી. અમીબા જેવા પ્રાણીમાં ચેતાતંત્ર તેના જીવરસ પૂરતું જ મર્યાદિત છે. ક્રમે ક્રમે અલગ ચેતાકોષ, ચેતાતંતુ, ચેતાકંદો, ચેતાકંદસમૂહ અને આખરે મગજ અને ચેતાશાખાઓનું સુગઠિત ચેતાતંત્ર ઉચ્ચકક્ષાનાં (મનુષ્ય સુધીનાં) પ્રાણીઓમાં અસ્તિત્વમાં આવ્યું.
ચેતાતંત્રના એકમને ચેતાકોષ (neuron cell) કહે છે. તે ચેતાકોષકાય (cell body) તથા શિખાતંતુ (dendrite) અને ચેતાક્ષ (axon) – એમ બે પ્રકારની શાખાઓનો બનેલો હોય છે. કોષકાયમાં કોષકેન્દ્ર અને તેની ફરતે ચેતાકોષરસ આવેલો હોય છે. તેથી ચેતાકોષકાયને પરિકેન્દ્રન (perikaryon) પણ કહે છે. ચેતાકોષકાયના આગળના ભાગમાં શિખાતંતુ અને પાછળના ભાગમાં ચેતાક્ષ આવેલા હોય છે. ચેતાક્ષના છેડાને ચેતાંત (nerve ending) કહે છે. ચેતાકોષમાંથી વહેતા આવેગો શિખાતંતુ દ્વારા કોષમાં પ્રવેશે છે અને ચેતાકોષકાય તથા ચેતાક્ષમાંથી પસાર થઈ ચેતાંત સુધી પહોંચે છે. આવેગની અસર હેઠળ ચેતાંતમાં આવેલી ગ્રંથિઓમાં આવેલાં પૂર્વદ્રવ્યો(pre-cursors)નું સંયોજન ચેતાપ્રેષકો (neural transmitters) તરીકે ઓળખાતાં રાસાયણિક સંયોજનોમાં થાય છે. આ ચેતાપ્રેષકો બે ચેતાકોષો વચ્ચે આવેલ અંતર્ગ્રથન અંતરાલ(synaptic gap)માં વહે છે. ચેતાગ્રથન પાસે આવેગ લાવતા ચેતાકોષને પૂર્વગ્રથન (presynaptic) ચેતાકોષ અને ચેતાગ્રથન પછી આવેગને સ્વીકારતા ચેતાકોષને અનુગ્રથન (postsynaptic) ચેતાકોષ કહે છે. પૂર્વગ્રથન અને અનુગ્રથન સ્થાનો વિસ્તૃત આણ્વીય સામગ્રી ધરાવે છે, જે બંને પાસપાસેના ચેતાકોષોના રસસ્તરો(plasma membranes)ને જોડે છે અને આવેગના વહનનું કાર્ય કરે છે. ઘણા ચેતાગ્રથનોમાં પૂર્વગ્રથન ભાગ અક્ષતંતુ (ચેતાક્ષ) પર, તો કેટલાકમાં તે શિખાતંતુ અથવા ચેતાકોષકાયમાં આવેલો હોય છે. ચેતાપ્રેષકની અસર ક્રિયાપ્રેરક (activator) અથવા નિરોધક (inhibitor) પ્રકારની હોઈ શકે છે.
ચેતાકોષો ત્રણ પ્રકારના હોય છે : સંવેદી (sensory), પ્રેરક (motor) અને આંતરચેતાકીય (interneural). સંવેદી કોષો સ્પર્શ, ઉષ્મા અને દર્શન જેવા સંકેતોથી સચેત થઈને આવેગ રૂપે તેનો પરિચય કેન્દ્રીય ચેતાતંત્રને કરાવે છે. પ્રેરક કોષો પ્રચલન, પરાવર્તી ક્રિયા (reflex action) અને ગ્રંથિઓના સ્રાવને લગતા સંદેશા દ્વારા કાર્યકારી અંગોને ક્રિયાશીલ બનાવે છે. આંતરચેતાકીય કોષ બે ચેતાકોષો વચ્ચે કડીરૂપ બને છે. મોટા ભાગનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેલા ચેતાકોષો એક પ્રવર્ધ(process)વાળા અથવા એકધ્રુવીય (unipolar) હોય છે. બહુધ્રુવીય (multipolar) કોષોમાં અનેક પ્રવર્ધો આવેલા હોય છે. ઉચ્ચતર અપૃષ્ઠવંશીઓના ઘણા કોષો બહુધ્રુવીય હોય છે. વિશ્રાંતિ વીજવિભવ (resting electric potential) અને બે ચેતાકોષો વચ્ચે આવેલ અંતર્ગ્રથન સંધાનોને ચેતાકોષોની વિશિષ્ટતા તરીકે ગણાવી શકાય.
ચેતાકોષોનાં રસપડોની બાહ્ય અને અંત:સ્થ સપાટીઓને વીજધ્રુવો દ્વારા ગૅલ્વનોમીટર સાથે જોડવામાં આવે તો તેમાં વીજપ્રવાહ વહેતો માલૂમ પડે છે. આ પ્રવાહની તીવ્રતા અંદરની સપાટીએ 80થી 100 મિવો. જેટલી હોય છે જે વિશ્રાંતિ વીજવિભવ તરીકે ઓળખાય છે. આ અવસ્થા દરમિયાન પર્મિએઝ ઉત્સેચકની અસર હેઠળ રસપડ Na+ આયનો માટે અપ્રવેશ્ય હોય છે. પરિણામે Cl– આયનોનું પ્રમાણ અંદરની સપાટી તરફ વધારે હોય છે. આ સમયે વિશ્રાંત ચેતાકોષ ધ્રુવીભૂત (polarized) થયેલો કહેવાય છે. વિશ્રાંતિ-વિભવ એક ક્રિયાશીલ ઘટના છે. તે જાળવવા કાર્યશક્તિ અગત્યની છે. ઉત્તેજનાની અસર હેઠળ ક્ષણભર ઉત્સેચક નિષ્ક્રિય બનતાં સમતોલન જાળવવા Na+ આયનો અત્યંત ઝડપથી રસપડની અંદર પ્રવેશે છે. પરિણામે પ્રવાહની તીવ્રતા શૂન્યથી +25 મિવો. જેટલી થાય છે. આને વિધ્રુવીભવન કહે છે. જોકે 2થી 4 મિસે.ની અંદર ફરીથી વિશ્રાંતિ-વિભવ સ્થાપિત થાય છે.
અપૃષ્ઠવંશી પ્રાણીઓનું ચેતાતંત્ર : અપૃષ્ઠવંશી પ્રાણીઓના ચેતાકોષો મુખ્યત્વે બાહ્ય સીમા તરફ ગોઠવાયેલા હોય છે અને તે સમૂહમાં સંકલિત (integrative) અને પ્રક્રમિક (processive) કાર્યભારનું સંચાલન કરે છે, જ્યારે પૃષ્ઠવંશીઓમાં સંકલનપ્રક્રિયા મુખ્યત્વે આંતરચેતાકીય કોષોની સહાયથી મધ્યસ્થ ચેતાતંત્રમાં થાય છે. ઈજા થાય તો અપૃષ્ઠવંશી પ્રાણીઓનું ચેતાતંત્ર, પુનર્વૃદ્ધિ, નવસર્જન અને મરામત દ્વારા સુધરી શકે છે. વળી મોટે ભાગે અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં નવા કોષોનું સર્જન થઈ શકે છે. પરંતુ પૃષ્ઠવંશીઓમાં સમારકામ અને નવકોષનિર્માણ ભાગ્યે જ જોવા મળે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચેતાકોષોના ચેતાક્ષની આસપાસ મજ્જાપડ (myelin sheath) આવેલું હોય છે. વળી ચેતાક્ષો વચ્ચે ગ્લાઇઅલ કોષો આવેલા હોવાથી ચેતાકોષોની વહનશક્તિ અત્યંત ઝડપી હોય છે. કેટલાંક અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેગોનું વહન ઝડપી થાય તે માટે તે વિશાળકાય ચેતાક્ષો ધરાવતા હોય છે.
પ્રજીવો(Protozoa)નું શરીર એકકોષીય હોવાથી શરીરનો કોઈ પણ ભાગ ઉત્તેજન પામતાં કોષના વીજવિભવમાં થતા ફેરફારને લીધે તેનો પ્રસાર અન્ય ભાગમાં તરત જ થાય છે અને શરીર યોગ્ય અનુવર્તન દ્વારા પ્રતિભાવ (response) દાખવે છે.
સછિદ્રો(Porifera)માં ચેતાકોષો હોતા નથી અને પ્રત્યેક કોષ સ્વતંત્રપણે પ્રતિચારશક્તિની અસર હેઠળ યોગ્ય દિશાએ ગતિ કરે છે. તેના કદમાં ફેરફારો જોવા મળે છે. પરિણામે તેની નળીઓમાંથી પાણીનું વહન એકદિશાકીય બને છે.
કોષ્ઠાંત્રી(Coelenterata)ઓનું શરીર ત્રિજ્ય સમરચના (radial symmetry) ધરાવે છે અને તેમના શરીરની દીવાલ 2 કોષ-સ્તરોની બનેલી હોય છે. આ 2 અધિચ્છદી (epithelial) સ્તરો – બાહ્યઅધિચ્છદ (બાહ્યત્વચા, epiderm) અને અંત:સ્થ આંત્રચ્છદ (gastroderm) શ્લેષ્મમય આધાત્રી (gelatinous matrix) વડે રચાયેલ, વિભિન્ન જાડાઈના મધ્યશ્લેષ્મસ્તર (mesoglea) વડે એકબીજાથી અલગ રહે છે. અધિચ્છદની નીચે અને મધ્યશ્લેષ્મની બાહ્ય સીમા તરફ ચેતાકોષોનું જાળું પ્રસરેલું હોય છે. તદુપરાંત પ્રકાશ તથા રાસાયણિક અને યાંત્રિક પરિબળોથી ઉત્તેજિત થાય એવા સંવેદી કોષો પણ અધિચ્છદ કોષો વચ્ચે આવેલા હોય છે. સ્નાયુ- અધિચ્છદ(musculo-epithelial) અને ડંખકોષો (cnido blast) ચેતાજાળ સાથે અંતર્ગ્રથન પામેલ હોય છે. આવેગોની અસર પ્રમાણમાં નબળી હોવાથી, સંવેદનાંગો દ્વારા સંવેદનોનું પુનરાવર્તન થતાં કાર્યકારી કોષો ઉદ્દીપ્ત બને છે.
પ્રાણીસૃષ્ટિમાં દ્વિપાર્શ્વ સમરચના(bilateral symmetry)ની શરૂઆત પૃથુકૃમિ(flat worms)થી થાય છે. વળી ઉચ્ચતર પ્રાણીઓના ચેતાતંત્ર સાથે સરખાવી શકાય તેવી રચના – અલબત્ત સાદા સ્વરૂપમાં – ચપટા કૃમિઓમાં જોવા મળે છે. અહીં કેટલાક ચેતાકોષો ચેતાકંદો (ganglia) નામે ઓળખાતા ગુચ્છ(clusters)માં ગોઠવાયેલા હોય છે. આમ ચેતાતંત્રના કેન્દ્રીકરણની શરૂઆત પૃથુકૃમિઓથી થાય છે. વિવિધ ચેતાકંદો ચેતાસૂત્રો (nerve cords) દ્વારા એકબીજાં સાથે સંપર્ક સાધે છે. આગળના ભાગમાં આવેલાં કેટલાંક ચેતાકંદો કેન્દ્રિત બનીને આદિમગજની ગરજ સારે છે. ર્દષ્ટિબિંદુ (eye-spot), સ્થિતિકોષ્ઠ (statocyst) જેવાં સંવેદનાંગો ચેતાસૂત્રો વડે આદિમગજના સંપર્કમાં હોય છે. વળી ચેતાકોષોની વહેંચણી સંવેદી કોષો, પ્રેરક કોષો અને આંતરચેતાકીય કોષોમાં સૌપ્રથમ થયેલી જોવા મળે છે.
નૂપુરકો(annelids)નું શરીર આકારે ગોળ અને સમખંડિત (metamerically segmented) હોય છે. મોટા ભાગના સમખંડો(segments)ની રચના લગભગ એકબીજીને મળતી આવે છે, જ્યારે આગળના થોડાક ખંડો એકબીજામાં ભળી શીર્ષ બનાવે છે. સામાન્યપણે બીજા ખંડના ઉપલા ભાગમાં એક મધ્યસ્થ ચેતાકંદ હોય છે. મસ્તિષ્ક-ચેતાકંદ (cerebral ganglion) નામે ઓળખાતું આ કંદ આદિમગજની ગરજ સારે છે. શીર્ષપ્રદેશમાં આવેલાં સંવેદી અંગો ચેતાસૂત્રો વડે આદિમગજના સીધા સંપર્કમાં હોય છે. વળી શીર્ષપ્રદેશના વક્ષ ભાગમાં વિલીન થતી ચેતાકંદની એક જોડ હોય છે અને તે પણ ચેતાસૂત્રો વડે મસ્તિષ્ક-ચેતાકંદના સંપર્કમાં હોય છે. શરીરગુહાના નીચલા ભાગના પ્રત્યેક ખંડમાં વિલીન થતાં બે ચેતાકંદનો સમૂહ હોય છે. સંવેદી કોષો ખંડીય કોષોને પર્યાવરણનો પરિચય કરાવે છે, જ્યારે પ્રેરક કોષો ચેતાકંદોમાંથી આવેલ સંદેશાને ઝીલી સંયોજિત કાર્ય કરવા ક્રિયાશીલ અંગોને પ્રેરે છે. પ્રેરક કોષો બે પ્રકારના હોય છે : ઉત્તેજક (excitatory) અને અવરોધક (inhibitory). શરીરના વિવિધ ભાગોમાં કેટલાક વિશાળકાય ચેતાકોષો આવેલા હોય છે જેને અધીન સ્નાયુકોષ જેવાં કાર્યકારી અંગોની ગતિ વેગીલી બને છે. આ પ્રક્રિયા સ્વરક્ષણ માટે સહાયકારી નીવડે છે.
આદિમગજ સાથે સંકળાયેલા કેટલાક આંતરચેતાકીય કોષો ખંડીય ચેતાકંદોના સંપર્કમાં હોય છે. પરિણામે આદિમગજમાંથી નીકળતા સંદેશાને અધીન સમગ્ર શરીરના કાર્યનું સંકલન અને નિયમન સુલભ બને છે. દાખલા તરીકે જળોના શરીરમાં તરવા માટે આવશ્યક એવાં લયબદ્ધ (rhythmic) મગજમાંથી નીકળતા આવેગોને અધીન આંદોલનો (undulations) નિર્માણ થતાં હોય છે. નૂપુરકોમાં સૌપ્રથમ ચેતાસ્રાવી (neuro-secretory) કોષો જોવા મળે છે, જે પ્રોટીનકણોના સ્વરૂપે સંદેશવાહક રસાયણોનો સ્રાવ કરે છે અને અંત:સ્રાવોની ગરજ સારે છે.
સંધિપાદો(arthropods)નું શરીર સમખંડી હોય છે અને તે શીર્ષ (head), ઉરસ (thorax) અને ઉદર (abdomen) – આમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે. શીર્ષપ્રદેશના પૃષ્ઠભાગ તરફ આવેલ મસ્તિષ્ક-ચેતાકંદ સારી રીતે વિકાસ પામેલું હોય છે અને શીર્ષપ્રદેશમાં આવેલા સ્પર્શકો (antennae) આંખ, મુખાંગો, સ્થિતકોષ્ઠ જેવાં અગત્યનાં અંગોનાં કાર્યોનું સંચાલન અને નિયમન કરે છે. કીટકો અને ઉચ્ચકક્ષાના અન્ય સંધિપાદોમાં શીર્ષસ્થ-ચેતાકંદ (cephalic ganglion) સારી રીતે વિકાસ પામેલું હોય છે. તેની સપાટી ઘણુંખરું ગડીયુક્ત અને સંકીર્ણ સ્વરૂપની હોય છે. આ ચેતાકંદમાં લાખોની સંખ્યામાં બહુધ્રુવીય ચેતાકોષો અને સંકીર્ણ સ્વરૂપના શાખા પ્રબંધિત પ્રવર્ધો આવેલા હોય છે. તે એક ચેતામુદ્રિકા (nerve-ring) વડે અન્નનળીની વક્ષ બાજુએ આવેલ અધોઅન્નનાલીય (suboesophageal) ચેતાકંદના સંપર્કમાં હોય છે. વક્ષ બાજુએ આવેલાં ખંડીય ચેતાકંદો એક સામાન્ય ચેતાસૂત્ર વડે એકબીજાં સાથે અને અધોઅન્નનાલીય ચેતાકંદ સાથે જોડાયેલાં રહે છે. ઉરસ પ્રદેશમાં આવેલાં ચેતાકંદો પ્રચલન, ઉડ્ડયન અને તરણ જેવી ક્રિયાનું સંચાલન કરવા ઉપરાંત ખોરાકગ્રહણ, ભક્ષણ અને ભક્ષકથી રક્ષણ જેવાં કાર્યોમાં અગત્યનો ભાગ ભજવે છે. આ ક્રિયાઓ જટિલ સ્વરૂપની હોવાથી આવાં કાર્યોનું નિયમન મુખ્યત્વે શીર્ષસ્થ-ચેતાકંદ-(મગજ)માંથી નીકળતા સંદેશાઓને અધીન થતું હોય છે.
સંધિપાદ પ્રાણીઓમાં ચેતાસ્રાવી તંત્રનો વિકાસ સારી રીતે થયેલો હોય છે. મગજ, અધોઅન્નનાલીય ચેતાકંદ, ઉરસીય ચેતાકંદો, કૉર્પસ કાર્ડિયાકમ, કૉર્પસ ઍલેટમ જેવાં ચેતાંગોમાંથી વિમોચન થતા અંત:સ્રાવોની અસર હેઠળ રૂપાંતરણ (metamorphosis), નિર્મોચન (ecdysis), રુધિરમાંથી ગ્લુકોઝનું વહન અને હૃદયનું સ્પંદન જેવાં કાર્યોનું નિયમન થતું હોય છે.
ઉદરપાદ (Gastropoda) અને પરશુપાદ (Bivalvia) જેવાં નીચલી કક્ષાનાં મૃદુકાયો(Mollusca)માં ચેતાકંદોની ગોઠવણ નૂપુરકોની જેમ સાદા સ્વરૂપની હોય છે. મગજ(શીર્ષસ્થ ચેતાકંદ)માંથી નીકળતી ચેતાઓ સૂત્રાંગો (tentacles) આંખ જેવાં અંગોનું ચેતાકરણ કરે છે. ઉદરપાદોમાં આવેલ મુખગુહીય (buccal) ચેતાકંદ કંઠનળી અને લાળગ્રંથિ જેવાં અંગને ચેતા આપે છે. પાદકીય (pedal) ચેતાકંદ પગના સ્નાયુઓનું ચેતાકરણ કરે છે. શીર્ષસ્થ ચેતાકંદ અંતરાંત્રીય ચેતાસૂત્રોની એક જોડ દ્વારા અંતરાંત્રીય (visceral) ચેતાકંદ સાથે જોડાયેલું હોય છે. ઉદરપાદોમાં આવેલાં અન્ય ચેતાકંદોમાં પાર્શ્વ (pleural), ભિત્તીય (parietal) અને આંત્ર (intestinal) ચેતાકંદોનો સમાવેશ થાય છે. પરશુપાદોમાં શીર્ષસ્થ અને પાર્શ્વ ચેતાકંદોનું વિલયન એક સામાન્ય મસ્તિષ્ક પાર્શ્વ ચેતાકંદ તરીકે થયેલું હોય છે જે અંતરાંત્રીય અંગોનું ચેતાકરણ કરે છે.
મૃદુકાય શીર્ષપાદો(cephalopods)માં ચેતાતંત્ર જટિલ સ્વરૂપનું હોય છે. આ પ્રાણીઓમાં આગલા ભાગનું શીર્ષીભવન (cephalisation) થયેલું હોવાથી ચેતાતંત્ર શીર્ષપ્રદેશમાં સારી રીતે વિકાસ પામેલું હોય છે. આ પ્રદેશનાં મોટા ભાગનાં ચેતાકંદો મગજ(શીર્ષસ્થ ચેતાકંદ)માં કેન્દ્રિત થયેલાં હોય છે. શરીરની ખોરાકગ્રહણ, પ્રચલન, પર્યાવરણને અનુરૂપ વર્તન જેવી ક્રિયાઓ આ ચેતાકંદને આભારી છે.
શૂળત્વચીઓ(echinoderms)ને મેરુદંડી (chordate) પ્રાણીઓના નજદીકના અપૃષ્ઠવંશી સંબંધીઓ ગણવામાં આવે છે. હાલની માન્યતા મુજબ, શૂળત્વચીઓના ચેતાતંત્રની સંરચના મેરુદંડીઓના ચેતાતંત્ર જેવી હોય છે. જોકે શૂળત્વચીઓ પંચત્રિજ્યાત્મક સમરચના (pentaradial symmetry) ધરાવતા હોવાથી, વિકાસ દરમિયાન થયેલા આ ગૌણ (secondary) ફેરફારને અનુલક્ષીને સમરચનાને અનુરૂપ ચેતાતંત્રની રચના થયેલી હોય છે. શરીરના મધ્ય ભાગમાં આવેલ મુખની ફરતે એક અધોત્વચીય (sub-epidermal) ચેતામુદ્રિકા (nerve-ring) આવેલી હોય છે અને પ્રાણીની પ્રત્યેક શાખિકા(arms)માં આવેલ અરીય (ત્રિજ્ય) ચેતાસૂત્ર સાથે જોડાયેલી હોય છે. તે મુખ્યત્વે પ્રેરક ચેતાઓની બનેલી હોય છે અને શાખિકામાં આવેલાં કંટકો, વૃંતપદ (pedicellaria), નલિકાપાદો (tube feet) જલવહનતંત્ર(water vascular system)નાં કાર્યોનું સંચાલન કરે છે.
પૃષ્ઠવંશીય પ્રાણીઓનાં ચેતાતંત્ર : પૃષ્ઠવંશી પ્રાણીઓનો શીર્ષપ્રદેશ મુખ્યત્વે પર્યાવરણની જાણકારી અને ખોરાકગ્રહણ માટે અનુકૂલન પામેલો હોય છે. તેના અનુસંધાનમાં શીર્ષપ્રદેશમાં આવેલ મગજ નામે ઓળખાતો ચેતાતંત્રનો ભાગ પર્યાવરણનાં પરિબળો સાથે પરિચિત રહીને તેને અનુરૂપ વર્તન કરવા શરીરના વિવિધ ભાગોને પ્રેરે છે. મગજના પુચ્છ રૂપે આવેલ કરોડરજ્જુ (spinal cord) પોલી નળી જેવા ભાગ સાથે સાતત્યમાં જોડાયેલી હોય છે. મગજ અને કરોડરજ્જુનું બનેલું ચેતાતંત્ર કેન્દ્રીય ચેતાતંત્ર તરીકે ઓળખાય છે.
મગજ અને કરોડરજ્જુની આસપાસ એક પરિરક્ષક આવરણ આવેલું હોય છે. તેને મસ્તિષ્કાવરણ (meninges) કહે છે. આ આવરણ ત્રણ ભાગોનું બનેલું હોય છે. સૌથી ઉપરના ભાગને ર્દઢતાનિકા (dura mater) કહે છે, જે મુખ્યત્વે શ્વેતતંતુમય સંયોજક પેશીનો બનેલો હોય છે. વચલા ભાગને મધ્યતાનિકા (arachnoid membrane) કહે છે. આ ભાગ નાજુક સંયોજક પેશીનો બનેલો છે. ર્દઢતાનિકા અને મધ્યતાનિકા વચ્ચે અવકાશ હોય છે. આ અવકાશને અવર્દઢતાનિકા ગુહા (subdural space) કહે છે. તે રસીયુક્ત પ્રવાહી(serous fluid)થી ભરેલી હોય છે. આ પ્રવાહી મગજ અને કરોડચેતાની મધ્યગુહામાંથી પણ વહે છે. તેથી તે પ્રમસ્તિષ્ક મેરુરસ (cerebrospinal fluid) તરીકે પણ ઓળખાય છે. આ પ્રવાહી અકોષીય, સ્વચ્છ અને રંગવિહોણું હોય છે. તે મગજને વિઘાતક આંચકાથી પૂરતું રક્ષણ આપે છે. તદુપરાંત મધ્યસ્થ ચેતાતંત્રને આવશ્યક પદાર્થ પહોંચાડવાનું કાર્ય કરે છે અને બિનજરૂરી પદાર્થને ત્યાંથી બહાર લઈ જાય છે. મસ્તિષ્કાવરણના સૌથી અંદરના સ્તરને મૃદુ-તાનિકા (pia-mater) કહે છે. મગજ અને કરોડરજ્જુ સાથે ચોંટેલો આ સ્તર પારદર્શક હોય છે.
ગર્ભવિકાસની શરૂઆતમાં ચેતાતંત્ર, ગર્ભની પૃષ્ઠ બાજુએ એક નલિકા રૂપે વિકસે છે, જે ચેતાનાલી (neural tube) તરીકે ઓળખાય છે. સાથે ગર્ભના શીર્ષપ્રદેશનાં સંવેદનાંગો ઉત્પન્ન થાય છે. ક્રમશ: શીર્ષપ્રદેશમાં આવેલ ચેતાનાલીનો ભાગ પહોળો બને છે અને તેનો ઝડપથી વિકાસ થવા માંડે છે. આ ભાગ હવે મગજ (encephalon) તરીકે ઓળખાય છે. ક્રમશ: આ ભાગમાં બે આડી ખાંચો ઉદભવતાં મગજ અગ્રમસ્તિષ્ક (forebrain/prosencephalon), મધ્યમસ્તિષ્ક (midbrain/mesencephalon) અને પશ્ચમસ્તિષ્ક (hind brain/rhombencephalon) આમ ત્રણ ભાગમાં વહેંચાય છે. દરમિયાન વિકાસ પામતું ઘ્રાણગ્રાહી અંગ (olfactory organ) અગ્રમસ્તિષ્ક સાથે, પ્રકાશગ્રાહી અંગ મધ્યમસ્તિષ્ક સાથે અને સ્થિર ને શ્રવણગ્રાહી (accoustic) અંગ પશ્ચમસ્તિષ્ક (myelencephalon) સાથે જોડાય છે. દરમિયાન આ ત્રણેય અંગોના પૃષ્ઠભાગોનો વિકાસ ઝડપી થતાં આ ભાગો ઊપસી આવે છે. આ ભાગમાં ચેતાકાયો આવેલા હોય છે. ચેતાકાયોના રંગને લીધે આ ભાગ ભૂખરા દ્રવ્ય (grey matter) તરીકે ઓળખાય છે. ઊપસી આવેલ આ ત્રણ ભાગો અનુક્રમે (1) ઉન્મસ્તિષ્ક (telencephalon) અથવા પ્રમસ્તિષ્ક (cerebrum), (2) મધ્યમસ્તિષ્કના છદ (tectum) અને (3) પ્રપશ્ચમસ્તિષ્ક (metencephalon) તરીકે વિકાસ પામે છે. અગ્રમસ્તિષ્કના શેષ ભાગનો વિકાસ આંતરમસ્તિષ્ક (diencephalon) તરીકે થાય છે. દરમિયાન પ્રમસ્તિષ્કના આગળના ભાગનું વિભાજન અનુમસ્તિષ્ક (cerebellum) અને તેની નીચે આવેલ સેતુ(pons)માં થાય છે, જ્યારે પ્રપશ્ચમસ્તિષ્કનો શેષ ભાગ લંબમજ્જા (medulla oblongata) તરીકે વિકસે છે. પરિણામે મગજ હવે ઉન્મસ્તિષ્ક, આંતરમસ્તિષ્ક, મધ્યમસ્તિષ્ક, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જામાં વહેંચાઈ જાય છે. ઘણાં પ્રાણીઓમાં સેતુનો વિકાસ નજેવો હોય છે, જ્યારે માનવમાં સેતુનો વિકાસ સારી રીતે થયેલો હોય છે.
મધ્યસ્થ ચેતાતંત્રની નાલી પ્રમસ્તિષ્ક મેરુરસથી ભરેલી હોય છે. કરોડનાલીનું પરિમાપ (size) લગભગ સરખું હોય છે. મગજ જુદા જુદા ભાગોમાં વહેંચાઈ જવાથી તેની અસર નાલીના પરિમાપ પર થયેલી જોવા મળે છે. ઉન્મસ્તિષ્કમાં તે બે પાર્શ્વગુહા(lateral ventricles)માં વહેંચાયેલી હોય છે જ્યારે પ્રત્યેક પાર્શ્વ ભાગ બે ગુહા (ventricles) રૂપે વહેંચાય છે. બંને પાર્શ્વગુહા એક સામાન્ય છિદ્ર વાટે ત્રીજા ક્રમાંકની ગુહામાં ખૂલે છે. મધ્યમસ્તિષ્કની ગુહા સાંકડી હોય છે અને તે જલસેતુ(aquaduct)ના નામે ઓળખાય છે. ચોથી ગુહા પશ્ચમસ્તિષ્કમાંથી પસાર થઈ કરોડરજ્જુમાં આવેલ કરોડગુહા સાથે સાતત્ય જાળવે છે. માનવમાં મોટા મગજ નામે ઓળખાતું પ્રમસ્તિષ્ક બે ગોળાર્ધોનું બનેલું હોય છે. મોટા ભાગનાં પૃષ્ઠવંશીઓમાં બાહ્યક (cortex) તરીકે ઓળખાતી તેની ઉપલી સપાટી અધિચ્છદીય પેશીની બનેલી હોય છે અને તેને પ્રાવાર (pallium) કહે છે. જોકે સસ્તનોમાં પ્રાવારમાં ચેતાકોષો મોટી સંખ્યામાં આવેલા હોય છે. ચેતાકોષયુક્ત પ્રાવાર નવપ્રાવાર (neopallium) તરીકે ઓળખાય છે. નવપ્રાવાર ગડીયુક્ત હોય છે. પરિણામે તે અનેક ખાંચો અને ઉન્નત પ્રદેશોમાં વહેંચાયેલું રહે છે. ગડીવાળું હોવાને કારણે અસંખ્ય ચેતાકોષો નવપ્રાવારમાં સમાયેલા હોય છે. નવપ્રાવારમાં વિવિધ પ્રકારના સંવેદી અને પ્રેરક પ્રદેશો આવેલા હોય છે. પ્રમસ્તિષ્ક ગોળાર્ધનો આગળનો પ્રદેશ બે પિંડોમાં વિકાસ પામેલો હોય છે. આ પિંડો ઊર્મિલ વર્તન અને બૌદ્ધિક ક્રિયા જેવાં કાર્ય સાથે સંકળાયેલા હોય છે. ઉપરાંત પ્રમસ્તિષ્કમાં અનેક સંયોજન(association)નાં કેન્દ્રો પણ આવેલાં છે. આ પ્રદેશો સંવેદી અને પ્રેરક કેન્દ્રો વચ્ચે કડીરૂપ હોય છે. સંવેદી કેન્દ્રો પાસે આવેલાં સંયોજન-ક્ષેત્રો વિવિધ સંદેશાના સંકલન દ્વારા પ્રતિરૂપ (image) ઉપજાવીને અર્થઘટન કરે છે. પ્રતિરૂપને અધીન જૂના અનુભવો અને સ્મૃતિઓ તાજાં થાય છે. અનુભવો અને સ્મૃતિઓ સતેજ થતાં મગજ પરિસ્થિતિનો સાચો ખ્યાલ મેળવે છે. આખા શરીરની અથવા શરીરના કોઈ એક અથવા વધારે ભાગની હિલચાલ કરવી હોય તો સૌપ્રથમ મગજમાં પ્રમસ્તિષ્કમાં આવેલાં વિશિષ્ટ સંયોજન-ક્ષેત્રો હિલચાલની રૂપરેખાનું માનસિક ચિત્ર ખડું કરી પ્રેરક કેન્દ્રમાં તેનું સ્થાનાંતરણ કરે છે જે રૂપરેખાને અમલમાં મૂકવાના કાર્યની સૂચના કાર્યકારી અંગોને મોકલે છે. સમજ (comprehension) માટે પણ પ્રમસ્તિષ્કમાં સંવેદી અને પ્રેરક કેન્દ્રો વચ્ચે સંયોજન ક્ષેત્રોની વિશિષ્ટ તંત્રરચના થયેલી હોય છે.
પ્રમસ્તિષ્કની નીચલી સપાટીએ ગંધને લગતાં સંવેદી કેન્દ્રો તેમજ ગંધ સાથે સંકળાયેલા આવેગોનાં ગ્રહણ (reception) અને સંકલન (integration) કરતાં કેન્દ્રો આવેલાં હોય છે. પર્યાવરણનો પરિચય કરાવનાર સ્પર્શ, દાબ, શ્રવણ, ર્દષ્ટિને લગતાં સંવેદી અને સંયોજન કેન્દ્રો પણ પ્રમસ્તિષ્કમાં આવેલાં હોય છે. નીચલી કક્ષાનાં પૃષ્ઠવંશીઓનું પ્રમસ્તિષ્ક સાવ અવિકસિત અને સપાટ હોય છે.
આંતરમસ્તિષ્ક ચેતક (thalamus) અને અધશ્ચેતક (hypothalamus) – એમ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. ચેતક પ્રદેશ મુખ્યત્વે બહુગુણક (multiple) સંવેદી સંકેતોનું સંકલન કરે છે. અધશ્ચેતક ખોરાકગ્રહણ, જલપાન, સમાગમ (mating) અને સંઘર્ષ જેવી પ્રેરક ક્રિયાઓનું નિયમન કરે છે. અંત:સ્રાવી તંત્રમાં અધશ્ચેતક અગત્યનો ભાગ ભજવે છે. તેમાંથી વિમોચન થતા સ્રાવો પિટ્યુઇટરી ગ્રંથિના સ્રાવોનું નિયંત્રણ કરે છે. વળી તે ચેતાસ્રાવી (neuro-secretory) ગ્રંથિ તરીકે કેટલાક અંત:સ્રાવોનું વિમોચન કરે છે.
નીચલી કક્ષાનાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં છદ(tactum)નો વિકાસ ર્દક્છદ (optic tactum) તરીકે થયેલો હોય છે. માછલી, ઉભયજીવી અને સરીસૃપોમાં તે છદ સ્થૂલ બનીને બે પાર્શ્વ ર્દક્પિંડો (optic lobes) રૂપે વહેંચાય છે. પક્ષીઓમાં આ ર્દકપિંડો વક્ષબાજુએ ખસે છે. સસ્તનોમાં ર્દક્છદ ઉપલી બાજુએથી પ્રમસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક વડે ઢંકાયેલું રહે છે. છદ બે ક્રિયાશીલ ભાગોમાં વહેંચાયેલું હોય છે. આગળનો ભાગ મુખ્યત્વે ર્દષ્ટિગ્રાહી અંગો સાથે અને પાછળનો ભાગ સમતુલા અને શ્રવણ અંગેની સંવેદના સાથે સંકળાયેલો હોય છે. સસ્તનોમાં ર્દકચેતાસૂત્રો આંતરમસ્તિષ્કમાંથી પસાર થઈને પ્રમસ્તિષ્કનો સંપર્ક સાધે છે. નીચલી કક્ષાનાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સ્થૈતિક-શ્રવણપથ (statico-accoustic) છદના પાછલા ભાગ સુધી વિસ્તરેલો હોય છે. છદની નીચલી સપાટીએ આચ્છદ (tegmentum) અને મધ્ય પ્રમસ્તિષ્ક (cruru cerebri) એમ બે ભાગોમાં વહેંચાયેલો છે. જોકે આ બંને ભાગો ઘણુંખરું પરસ્પર ભળીને વૃંતક (peduncle) બનાવે છે. વૃંતકમાંથી નેત્રચાલક (occulomotor) અને આકૃષિ (trochlear) – બંને પ્રેરક ચેતાઓ નીકળે છે. ત્રિશાખીય (trigeminal) ચેતાનાં સંવેદી કેન્દ્રો ત્યાં આવેલાં હોય છે. પરિણામે તે પ્રમસ્તિષ્ક અને કરોડરજ્જુને જોડનાર કડીરૂપ ચેતાપથ (neural path) બને છે.
મધ્યમસ્તિષ્કના વક્ષમાંથી નીકળતાં કેટલાંક ચેતાસૂત્રો સ્વસ્તિકની માફક એકબીજાં પરથી પસાર થઈને આંખમાં આવેલ નેત્રપટલના મધ્ય ભાગમાં આવેલા સંવેદી કોષોનું ચેતાકરણ (innervation) કરે છે. સ્વસ્તિક જેવા દેખાતા ર્દક્ચેતાઓના આ ભાગને ર્દક્ચેતા ચતુષ્ક (optic chiasma) કહે છે. ર્દક્ચેતાની બાહ્ય સપાટીએ આવેલાં ચેતાસૂત્રો સીધી રીતે પસાર થઈને નેત્રપટલની પાર્શ્વ બાજુએ આવેલા સંવેદી કોષો સાથે જોડાયેલાં હોય છે.
અનુમસ્તિષ્કની કેન્દ્રીય કાયામાંથી બે પાર્શ્વપિંડોનો વિકાસ થાય છે. આ પાર્શ્વપિંડો મધ્યકર્ણ(vestibule)ના સંપર્કમાં હોય છે. ઉચ્ચસ્તરીય પૃષ્ઠવંશી પ્રાણીઓમાં તે ગુરુત્વાકર્ષણના દિગ્વિન્યાસ(orientations)માં મધ્યસ્થ કાય અંગવિન્યાસ (posture) સુધારક (corrective) પ્રક્રિયાઓનું પ્રતિક્ષેપણ કરે છે. સ્થળચર પ્રાણીઓમાં ઉપાંગો દ્વારા આ ભાગ શરીરને ઊભું રાખવામાં અને તેના પ્રચલનમાં મહત્વનો ભાગ ભજવે છે. માછલીઓમાં અનુમસ્તિષ્કનો વિકાસ સારી રીતે થયેલો હોય છે, જ્યારે ઉભયજીવીઓમાં તે અલ્પવિકસિત રહે છે. સરીસૃપો, વિહગો અને સસ્તનોમાં અનુમસ્તિષ્કની ભાત (pattern) એકસરખી હોય છે. વિહગો અને સસ્તનોમાં પાર્શ્વપિંડોનો વિકાસ સારી રીતે થયેલો હોય છે. સસ્તનોમાં અનુમસ્તિષ્ક સામાન્યપણે ‘નાના મગજ’ તરીકે ઓળખાય છે. સસ્તનોના મજ્જામસ્તિષ્કનો ‘સેતુ’ ચેતાપથ તરીકે મધ્યસ્થ ચેતાતંત્રના વિવિધ ભાગોને જોડે છે.
સસ્તનોની લંબમજ્જાની વક્ષ-સપાટીએ એક લાંબી મધ્ય તિરાડ (median fissure) આવેલી હોય છે અને તેની બંને બાજુએ આવેલ લંબમજ્જાની સપાટી અનુલંબિત ધાર (longitudinal ridge) તરીકે ઓળખાય છે. જિહવા-ગ્રસની(glosso-pharyngeal), સર્વગામી (vagus), સહાયક (accessory) અને અધોજિહવાની પ્રેરક શાખાઓ લંબમજ્જામાંથી ઊગમ પામી તેની અનુલંબિત ધારમાંથી પસાર થતી હોય છે. જોકે સહાયકની કેટલીક પ્રેરક શાખાઓ કરોડરજ્જુમાંથી પણ ઉદભવતી હોય છે. કેટલાક સ્નાયુઓમાં આવેલ સ્વાંતરગ્રાહી (proprioceptor) સંવેદી ચેતાઓનો છેડો લંબમજ્જા સુધી આવેલો હોય છે. લંબમજ્જાની મધ્યનાલીની આસપાસ આવેલા પ્રદેશમાં ચેતાઓનું જાળતંત્ર આવેલું હોય છે. આ જાળમાં શ્વસનકેંદ્ર (respiratory centre) આવેલું હોય છે જે શ્વસન-ગતિનું નિયમન કરે છે. ત્યાં આવેલાં અન્ય તંત્રો રક્તદાબ (blood pressure), હૃદયનું સ્પંદન, અન્નમાર્ગમાં ખોરાકનું વહન વગેરે કાર્યોનું સંચાલન કરે છે.
કરોડરજ્જુ (spinal cord) : કરોડરજ્જુ કરોડસ્તંભમાં આવેલ કરોડનાલી(vertebral canal)ની અંદર સુરક્ષિત હોય છે. કરોડરજ્જુ નળાકાર હોય છે. જોકે તે ઉપર અને નીચેની સપાટીએથી સહેજ ચપટ હોય છે. ઉપલી સપાટીએ એક અથવા એક કરતાં વધારે લાંબી ખાંચ આવેલી હોય છે. વચલી ખાંચને મધ્યસ્થ ખાંચ (median sulcus) કહે છે. નીચલી સપાટીના મધ્ય ભાગમાં પણ એક લાંબી ખાંચ આવેલી હોય છે. તેને વક્ષ-તિરાડ (ventral groove) કહે છે. માનવમાં તે અગ્રખાંચ(anterior groove)ના નામે ઓળખાય છે. કરોડરજ્જુની અંદરના ભાગમાંથી પસાર થતી ગુહા કરોડનાલી (spinal canal) તરીકે ઓળખાય છે. કરોડનાલીની ફરતે આવેલા ભાગને ભૂખરું દ્રવ્ય કહે છે. તે મુખ્યત્વે ચેતાકાયનું બનેલું હોય છે. અનુપ્રસ્થ (transverse) છેદમાં આ ભાગ H આકારનો દેખાય છે. મધ્ય ગુહાની બંને બાજુએ આવેલા આડા દંડ(cross bars)ને ભૂખરું સંધાયી (grey commissure) કહે છે. Hના ઉપલા ભાગને ભૂખરું પૃષ્ઠશૃંગ (dorsal grey horn), જ્યારે નીચલા ભાગને ભૂખરું વક્ષશૃંગ (ventral grey horn) કહે છે. માનવમાં તે અનુક્રમે પશ્ચ અને અગ્ર શૃંગો તરીકે ઓળખાય છે. ભૂખરા દ્રવ્યમાં મુખ્યત્વે બે પ્રકારના ચેતાકોષો આવેલા હોય છે : સંવેદી અને પ્રેરક. તેની ચેતાકાય અનુક્રમે પૃષ્ઠશૃંગ અને વક્ષશૃંગમાં આવેલી હોય છે. પ્રેરક ચેતાઓનું ઉદભવસ્થાન વક્ષ બાજુએ આવેલું હોવાથી તે કરોડ ચેતાઓના વક્ષમૂળ તરીકે પણ ઓળખાય છે. વક્ષશૃંગમાં આવેલા મોટા કદના કોષો કંકાલ(skeletal)-સ્નાયુઓનું ચેતાકરણ કરે છે. આ પ્રદેશમાં આવેલા નાના કોષો બહિર્ગામી (efferent) ચેતાકોષો તરીકે ઓળખાય છે. તે કંકાલ-સ્નાયુઓમાં આવેલ ચેતા-સ્નાયુ-ત્રાક (neuromuscular spindle) સાથે જોડાયેલા હોય છે. વક્ષશૃંગના ઉપલા ભાગમાંથી નીકળતા પ્રેરક કોષોના ચેતાક્ષો પ્રચેતાકંદ (preganglionic) તંતુઓમાં ફેરવાયેલા હોય છે. આ તંતુઓ વક્ષમૂળમાંથી પસાર થઈને ઉરસ્ (વક્ષીય, thoracic), ધડ (lumbar) અને ત્રિક(sacral)ના ભાગ રૂપે આવેલ સ્વાયત્ત (autonomous) તંત્રના અનુકંપી (sympathetic) ચેતાકંદમાં સમાપ્ત થાય છે. પૃષ્ઠસ્તંભમાં મધ્યસ્થ ચેતાતંત્રના ભાગ રૂપે આવેલા સંવેદનાગ્રાહી કોષો કેન્દ્રીય (central), સંદેશક (internuncial), સંધાયી (commissural) અને સંયોજન – એમ ચાર પ્રકારમાં વહેંચાયેલા હોય છે. આ કોષોના તંતુઓની આરોહી (ascending) અને અવરોહી (descending) કહેવાતી બે પ્રકારની શાખાઓ હોય છે. શાખાઓ મધ્ય ભાગમાંથી પસાર થઈને સામેની બાજુએ આવેલા પ્રેરક ચેતાકોષ સાથે સંકળાયેલી હોય તો તેને સંધાયી કહે છે. શાખાઓ સીધી નીચે પસાર થઈને તે જ બાજુએ આવેલ ચેતાકોષ સાથે જોડાતી હોય તો તે સંયુગ્મન તરીકે ઓળખાય છે. પૃષ્ઠશૃંગમાં આવેલા કોષો બે સમૂહોમાં વહેંચાયેલા હોય છે. પૃષ્ઠકેન્દ્ર (nucleus dorsalis) સમૂહના કોષો ઉપલા ભાગમાં આવેલ કરોડ-મસ્તિષ્ક-ક્ષેત્રનું ચેતાકરણ કરે છે; જ્યારે શ્લેષ્મીય પ્રદેશ(substantia gelatinosa) સમૂહના કોષો અંદર આવતા આવેગોનું મુખ્ય સંયુગ્મન-મથક બનાવે છે.
ભૂખરા પ્રદેશની બાહ્ય સપાટીએ આવેલા કરોડરજ્જુના શેષભાગને શ્વેત દ્રવ્ય (white matter) કહે છે. તે મુખ્યત્વે ચેતાસૂત્રોનું બનેલું હોય છે. શ્વેતદ્રવ્ય રજ્જુકો (funicles) તરીકે ઓળખાતા ત્રણ સ્તંભો(columns)માં વહેંચાયેલું હોય છે. મધ્યસ્થ ખાંચ અને પૃષ્ઠશૃંગ વચ્ચે આવેલ સ્તંભને પૃષ્ઠરજ્જુભ (dorsal funiculus) કહે છે. પાર્શ્વ બાજુએ આવેલા સ્તંભો પાર્શ્વ-રજ્જુભ(lateral funiculus)ના નામે જ્યારે વક્ષ-તિરાડ અને વક્ષસ્તંભો વચ્ચે આવેલ સ્તંભને વક્ષરજ્જુભ કહે છે. સ્તંભોમાં આવેલા તંતુઓ વિશિષ્ટ ક્ષેત્રો કે ગુચ્છોમાં વહેંચાયેલા હોય છે. આ ક્ષેત્રો ઊર્ધ્વગામી કે અધોગામી હોય છે. મગજના ચેતાકોષોમાંથી ઉદભવતાં ચેતાસૂત્રો અવરોહી પ્રકારનાં હોય છે. તે વક્ષશૃંગમાં આવેલા પ્રેરક કોષોના છેડા સુધી વિસ્તરેલાં હોય છે. કરોડરજ્જુના ભૂખરા દ્રવ્યના સંવેદનાગ્રાહી પ્રદેશમાંથી ઉદભવતા આવેગોને મગજમાં પહોંચાડનાર ચેતાસૂત્રોના સમૂહો આરોહી ક્ષેત્ર બનાવે છે. કેટલાંક ક્ષેત્રોનાં ચેતાસૂત્રો પ્રતિવર્તી ક્રિયાઓ સાથે સંકળાયેલાં રહે છે. આ ક્ષેત્રો આંતર-ખંડીય (intersegmental) કહેવાય છે.
અચેતાકીય પેશી : ચેતાતંત્રના ભાગ રૂપે ચેતાબંધ (neuroglia) તરીકે ઓળખાતી અચેતાકીય (non-neural) પેશી આવેલી હોય છે. ચેતાબંધના કોષો ત્રણ પ્રકારના હોય છે : તારા-કોષો (astrocytes), અલ્પદ્રુમિકોષો (oligodendrocytes) અને સૂક્ષ્મ ચેતાબંધો (microglia). તારા-કોષો શાખાપ્રબંધિત હોય છે. તે ચેતાતંત્રના પૂરણ દ્રવ્ય(packing material)ની ગરજ સારે છે. તે ચેતાકોષોને આધાર આપવા ઉપરાંત આવેગોને અનિયમિત પથમાંથી પસાર થતા અટકાવે છે. રુધિરમાંથી પસાર થતાં દ્રવ્યોની આપ-લેનું નિયમન પણ તે કરે છે. અલ્પદ્રુમિકોષોની શાખાઓ ટૂંકી હોય છે અને તે સ્તંભ રૂપે ગોઠવાયેલી હોય છે. તે ચેતાતંત્રની ફરતે મજ્જાપડ (myelin sheath) બનાવે છે. સૂક્ષ્મ ચેતાબંધો કદમાં અત્યંત નાના હોય છે. તે ચેતાકોષો અને રુધિરવાહિની વચ્ચે આવેલા હોય છે. સોજો આવ્યો હોય તેવા ભાગમાં તે સફાઈકામદાર બની શ્વેત કોષોની જેમ કચરાનો નિકાલ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
ચેતાકોષો ઉપરાંત પરિઘીય (peripheral) ચેતાકંદોની બાહ્યસપાટીએ ચેતાછદ (ependyma) અને અનુષંગી (satellite) કોષો આવેલા હોય છે. ચેતાક્ષની ફરતે દેખાતા શ્વાન કોષોને પણ પરિઘીય અચેતાકીય કોષનો એક પ્રકાર કહી શકાય.
પરિઘીય ચેતાતંત્ર (peripheral nervous system) : મધ્યસ્થ ચેતાતંત્રને શરીરનાં વિવિધ અંગો સાથે સાંકળનાર ચેતાસૂત્રોથી પરિઘીય ચેતાતંત્ર બનેલું હોય છે. બાહ્ય કે આંતરિક પર્યાવરણ સાથે પરિચિત રહીને તેને અનુરૂપ કાર્ય કરવા માટે મધ્યસ્થ ચેતાતંત્રમાં આવેલાં પ્રેરક કેન્દ્રો ક્રિયાશીલ અંગોને પ્રેરણા આપે છે. કેન્દ્રીય ચેતાંગો તરફ આવેગોનું વહન કરનાર ચેતાઓને સંવેદી (sensory) અને અભિવાહી કે અંતર્વાહી (afferent) કહેવાય છે. પ્રેરક સંદેશાઓને કાર્યકારી અંગો તરફ એટલે કે કેન્દ્રીય ચેતાતંત્રથી દૂર લઈ જનાર ચેતાઓ અપવાહી કે બહિર્વાહી (efferent) અને પ્રેરક (motor) કહેવાય છે. તે જ પ્રમાણે મગજ સાથે સંકળાયેલી ચેતાઓ મસ્તિષ્ક ચેતા (cranial nerves) અને કરોડરજ્જુ સાથે સંકળાયેલી ચેતાઓ કરોડ ચેતા (spinal nerves) તરીકે ઓળખાય છે. ચેતાઓ ત્રણ પ્રકારની હોય છે : સંવેદી, પ્રેરક અને મિશ્ર. સંવેદી અને પ્રેરક ચેતાઓમાં અનુક્રમે માત્ર સંવેદી અને પ્રેરક ચેતાસૂત્રો આવેલાં હોય છે જ્યારે મિશ્ર ચેતાઓમાં સંવેદી અને પ્રેરક બંને પ્રકારનાં ચેતાસૂત્રો આવેલાં હોય છે.
મસ્તિષ્ક ચેતા : માછલીઓ અને ઉભયજીવીઓમાં મસ્તિષ્ક ચેતાઓની 10 જોડ; જ્યારે સરીસૃપો, પક્ષી અને સસ્તનોમાં 12 જોડ હોય છે.
1. ઘ્રાણ (olfactory) ચેતા : તે એક સંવેદી ચેતા છે. ઘ્રાણ ચેતાનાં સૂત્રો નાસા-કોથળી(nasal sac)માં આવેલા અધિચ્છદ (epithelium)ના પ્રાથમિક સંવેદી કોષોમાંથી ઉદભવે છે અને મસ્તિષ્કમાં આવેલ ઉન્મસ્તિષ્કના પ્રાવાર પ્રદેશમાં પ્રવેશે છે. તે ગંધગ્રાહી કોષોમાં ઉદભવતા આવેગોને મસ્તિષ્કનાં ઘ્રાણકેન્દ્રો સુધી પહોંચાડે છે.
2. ર્દક્ (optic) સંવેદી ચેતા : નેત્રપટલ (retina) તેનું ઉત્પત્તિસ્થાન છે. તે આંતરમસ્તિષ્કના નીચેના ભાગ તરફ પ્રવેશીને ર્દક્ચેતા ચતુષ્ક (opitc chiasma) બનાવે છે અને ત્યાંથી આગળ જઈને આવેગોને ર્દષ્ટિસંવેદી કેન્દ્રો સુધી પહોંચાડે છે.
3. નેત્રચાલક (oculomotor) અને 4 આકૃષિ/ચક્રક (trochlear or pathetic) ચેતા : આ બે પ્રેરક ચેતા મગજના વક્ષ ભાગમાંથી નીકળીને નેત્રગોલક(eyeball)ના હલન માટે જવાબદાર દૈહિક (somatic) સ્નાયુઓનું ચેતાકરણ કરે છે.
5. ત્રિશાખીય (trigeminal) ચેતા : તે એક મિશ્ર ચેતા છે અને તે ચાક્ષુષ (opthalmic), હન્વીય (maxillary) અને અધોહન્વીય (mandibular) – એમ 3 શાખાઓમાં વહેંચાયેલી હોય છે. ચાક્ષુષ ચેતાનાં સંવેદી સૂત્રો નેત્રગોલક, ઘ્રાણસંપુટની ઉપલી સપાટી અને નાસિકાની આસપાસ આવેલ ચામડીમાંથી સંવેદનાનું ગ્રહણ કરે છે. હન્વીય શાખા નાસિકાનો શ્લેષ્મ સ્તર, તાળવું, ગ્રસની અને નીચલાં પોપચાં સાથે જ્યારે અધોહન્વીય શાખા જીભ અને નીચલા જડબાની સપાટી સાથે સંકળાયેલી છે. ત્રિશાખીય ચેતાઓની સંવેદી ચેતાઓ જે તે ભાગમાં આવેલાં સંવેદી અંગો સાથે સંકળાયેલી છે, જ્યારે પ્રેરક ચેતાઓ જડબા સાથે સંકળાયેલા સ્નાયુઓનું ચેતાકરણ કરે છે.
6. અપવર્તની (abducens) ચેતા : નેત્રગોલકની એક પ્રેરક ચેતા તરીકે તે નેત્રગોલકના હલનચલનમાં મદદરૂપ નીવડે છે.
7. આનન (facial) ચેતા : તે મિશ્ર ચેતા છે. સસ્તનોમાં સેતુમાંથી અને અન્ય પૃષ્ઠવંશીઓમાં લંબમજ્જામાંથી નીકળે છે. તેનાં પ્રેરક ચેતાસૂત્રો ચહેરો અને ગ્રીવાપ્રદેશના સ્નાયુઓનું ચેતાકરણ કરે છે. કેટલીક ચેતાઓ આ પ્રદેશમાં આવેલી ગ્રંથિઓ સાથે સંકળાયેલી હોય છે. આનન ચેતાનાં સંવેદી સૂત્રો મુખપ્રદેશમાં આવેલાં સંવેદનાંગોમાંથી નીકળે છે. કેટલાંક સૂત્રો વળી સ્નાયુઓમાં આવેલાં સ્વાંતરગ્રાહી (proprioceptor) અંગોમાંથી પણ ઉદભવે છે.
8. શ્રવણ–સંતુલન (statico-accoustic) ચેતા : સ્થૈતિક અને શ્રવણ આમ બે સંવેદી ચેતાઓના જોડાણથી તે બને છે. સ્થૈતિક ચેતાસૂત્રો સંતુલન (equillibratory) સંવેદનાંગમાંથી ઉદભવે છે, જ્યારે શ્રવણ ચેતાસૂત્રોના ઉદભવસ્થાન કર્ણમાં આવેલા શ્રવણ-સંવેદનાગ્રાહી કોષો છે. સંતુલન ચેતા આંતરમસ્તિષ્કના ચેતકમાં સમાપ્ત થાય છે, જ્યાં સંતુલન-સંવેદનાગ્રાહી કેન્દ્રો આવેલાં છે. શ્રવણચેતા પ્રમસ્તિષ્કમાં આવેલ શ્રવણક્ષેત્રોમાં સમાપ્ત થાય છે. આ ચેતા શરીરની સમતુલા જાળવવામાં અને ધ્વનિગ્રહણમાં મહત્વનો ભાગ ભજવે છે.
9. જિહવા–ગ્રસની (glosso-pharyngeal) : એક મિશ્ર ચેતા છે. તેનાં સંવેદનાગ્રાહી ચેતાસૂત્રો સ્વાદકલિકા (taste buds) અને ખોરાકગ્રહણમાં મદદરૂપ એવા ગ્રીવાપ્રદેશનાં સ્વાંતરગ્રાહી અંગોમાંથી ઉદભવે છે. તેની પ્રેરક ચેતાઓ ગ્રસની અને લાળગ્રંથિમાં સમાપ્ત થાય છે. આ ચેતા, ખોરાકની પસંદગી અને તેના ગ્રહણમાં અગત્યનો ભાગ ભજવે છે.
10. સર્વગામી (vagus) ચેતા : તે એક મિશ્ર ચેતા છે. તેનાં પ્રેરક ચેતાસૂત્રો લંબમજ્જામાંથી ઉદભવે છે. તેની વિવિધ શાખાઓ ગ્રસની, સ્વરયંત્ર, શ્વસનપથ, શ્વસનાંગ, અન્નનળી, હૃદય, જઠર, નાનું અને મોટું આંતરડું, તેમજ પિત્તાશયમાં સમાપ્ત થાય છે. સંવેદી ચેતાસૂત્રો પણ ઉપર્યુક્ત ભાગોમાંથી ઊગમ પામતા હોય છે.
11. સહાયક (accessory) ચેતા : તેનાં કેટલાંક સૂત્રો મગજ(લંબમજ્જા)માંથી જ્યારે શેષ શાખાઓ કરોડરજ્જુના આગલા ભાગમાંથી નીકળે છે. તેનાં સંવેદી સૂત્રો સ્નાયુઓના સ્વાંતરગ્રાહી અંગોમાંથી ઉદભવે છે, જ્યારે પ્રેરક ચેતાઓ ખોરાકગ્રહણ અને શીર્ષપ્રદેશના હલનચલન સાથે સંકળાયેલ સ્નાયુઓનું ચેતાકરણ કરે છે.
12. અધોજિહવા (hypoglossal) : તેની પ્રેરક ચેતાઓ લંબમજ્જામાંથી નીકળે છે અને જિહવાના સ્નાયુઓનું ચેતાકરણ કરે છે, જ્યારે સંવેદનાગ્રાહી ચેતાઓ આ પ્રદેશમાં આવેલા સ્નાયુઓનાં સ્વાંતરગ્રાહી સંવેદનાંગોમાંથી ઉદભવે છે. આ સ્નાયુઓ જીભના હલનચલનમાં અગત્યનો ભાગ ભજવે છે.
કરોડચેતાઓ : આ ચેતાઓનાં બે મૂળ હોય છે જે પૃષ્ઠ (માનવમાં પશ્ચ) અને વક્ષ (માનવમાં અગ્ર) તરીકે ઓળખાય છે. બંને મૂળ સાથે સંકળાયેલાં ચેતાસૂત્રો ભેગાં થઈને કરોડચેતા બનાવે છે. પૃષ્ઠમૂળના ચેતાકંદમાંથી નીકળતાં ચેતાસૂત્રો અંતર્વાહી બનીને આવેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. પ્રેરક એટલે કે બહિર્વાહી ચેતાઓ કરોડરજ્જુના વક્ષશૃંગમાંથી નીકળે છે. કરોડચેતાની પ્રેરક શાખાઓમાંથી ઉપશાખાઓ ઉદભવે છે અને તે જે તે ખંડમાં આવેલા અવયવોના સ્નાયુઓનું ચેતાકરણ કરે છે, જ્યારે પૃષ્ઠશૃંગમાંથી કરોડરજ્જુમાં પ્રવેશતાં ચેતાસૂત્રો સંવેદી આવેગોને કેન્દ્રીય ચેતાતંત્ર સુધી પહોંચાડે છે.
સ્વાયત્ત ચેતાતંત્ર (autonomous nervous system) : માત્ર પ્રેરક ચેતાઓનું બનેલું આ તંત્ર પોચા હૃદ (cardiac) સ્નાયુઓ અને ગ્રંથિઓનાં કાર્યોનું નિયમન કરે છે. ઉપર્યુક્ત પેશીઓ અંતરાંગોના ભાગરૂપે આવેલી હોવાથી સ્વાયત્ત ચેતાતંત્રને અંતરાંગીય બહિર્ગામી (visceral efferent) ચેતાતંત્ર તરીકે પણ ઓળખાવાય છે. પરંપરાગત માન્યતા મુજબ આ તંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરતું હોય છે. પરંતુ રચના અને કાર્યની ર્દષ્ટિએ સ્વાયત્ત તંત્ર કેન્દ્રીય ચેતાતંત્ર સાથે સંકળાયેલું હોય છે. માનવ સહિત બધાં સસ્તનોમાં તેનું કાર્ય ચેતના-નિયંત્રણ(conscious control)થી અલગ હોય છે જ્યારે સામાન્ય રીતે કેન્દ્રીય ચેતાતંત્ર નામે ઓળખાતા ભાગ દ્વારા માત્ર કંકાલ-સ્નાયુઓ(skeletal muscles)ના કાર્યનું નિયમન સભાન કક્ષાએ થતું હોય છે. આવા કારણસર આ બે તંત્રોને અલગ ગણવામાં આવે છે.
સ્વાયત્ત ચેતાતંત્રનાં ચેતાપથ(neural path)નો બહિર્વાહ (out-flow) દ્વિકોષીય હોય છે જેમાંનો પહેલો કોષ કેન્દ્રીય ચેતાતંત્રમાંથી ઉદભવે છે અને અંતરંગગુહા(visceral cavity)માં આવેલાં સ્વાયત્ત ચેતાકંદો (autonomic ganglia)માં સમાપ્ત થાય છે. આ કોષ પ્રચેતાકંદકીય (preganglionic) કોષ તરીકે ઓળખાય છે. બીજો કોષ સ્વાયત્ત ચેતાકંદમાંથી ઉદભવે છે અને કાર્યકારી અંગનું ચેતાકરણ કરે છે. આ કોષ પશ્ચચેતાકંદકીય (postganglionic) કોષ કહેવાય છે. સ્વાયત્ત ચેતાતંત્રના ભાગ રૂપે કેટલીક સ્વાયત્ત જાલિકાઓ (autonomic plexus) પણ આવેલી હોય છે. પશ્ચચેતાકંદમાંથી નીકળતી અનુકંપી ચેતાઓનાં ચેતાસૂત્રો આવી જાલિકા બનાવે છે. પરાનુકંપી ચેતાતંત્રમાં પણ એક જાલિકા આવેલી હોય છે જે ત્રિક પ્રદેશમાંની ચેતાઓની શાખાઓમાંથી નીકળેલી હોય છે. અનુકંપી ચેતાતંત્રની પ્રચેતાકંદકીય શાખાઓ ઉરસીય અને ધડનાં પ્રથમ બે કરોડરજ્જુનાં સૂત્રોમાંથી પસાર થતી હોવાથી અનુકંપી ચેતાતંત્રને વક્ષકટિ ચેતાતંત્ર (thoracicolumbar) તરીકે ઓળખાવાય છે. તે જ પ્રમાણે પરાનુકંપી ચેતાશાખાઓ 3, 7, 9 અને 10 ક્રમાંકની મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુના ત્રીજા અને ચોથા ત્રિકપ્રદેશની કરોડચેતાઓમાંથી પસાર થતી હોવાથી આ તંત્રને મસ્તિષ્ક-ત્રિક (craniosacral) વિભાગ તરીકે પણ ઓળખે છે.
સ્વાયત્ત ચેતાતંત્રની ક્રિયાત્મકતા : અંતરાંગોમાં આવેલાં મોટા ભાગનાં કાર્યકારી અંગોનું ચેતાકરણ અનુકંપી (sympathetic) તેમજ પરાનુકંપી (parasympathetic) તંત્રો દ્વારા થયેલું હોય છે. વિશિષ્ટ સંજોગોને અધીન આ બંને તંત્રો કાર્યકારી અંગોને પરસ્પર વિરોધી કાર્ય કરવા પ્રેરે છે. ખોરાકની શોધ માટે ફરવું તે પ્રાણીઓનું પ્રકૃતિગત લક્ષણ છે. તે સસ્તનોમાં સભાન રીતે બને છે. જો આ પ્રાણીને અચાનક માંસભક્ષી પ્રાણીનો સામનો કરવાનો પ્રસંગ આવે તો ખોરાક શોધવાને બદલે ભક્ષકનો પ્રતિકાર કરવો કે ત્યાંથી ખસી જવું તેને માટે અનિવાર્ય બને છે. આવાં રક્ષણાત્મક પગલાં ભરવાની કાર્યવાહીનું નિયમન અનુકંપી તંત્ર કરે છે. સસ્તનોમાં આનંદની લાગણી સાથે સંકળાયેલી કાર્યવાહીનું નિયમન પરાનુકંપી તંત્ર કરે છે. જ્યારે વિષાદ કે ગુસ્સાના સંજોગોમાં અનુકંપી ચેતાતંત્ર ક્રિયાશીલ બને છે.
ક્રિયાશીલ અંગ |
અનુકંપી તંત્ર અસર
હેઠળ થતી પ્રક્રિયા |
પરાનુકંપી તંત્રની અસર હેઠળ થતી પ્રક્રિયા |
|
1 | આંખની કીકી | કનીનિકા(pupil)નો
વિસ્તાર વધે છે. |
કનીનિકા નાની બને છે. |
2 | અશ્રુગ્રંથિ | સ્રાવને અવરોધે છે. | સતત થતી પ્રક્રિયા |
3 | પચનગ્રંથિઓ | સ્રાવને અવરોધે છે. | સ્રાવને ઉત્તેજે છે. |
4 | અધિવૃક્કનો
મધ્યમજ્જક (adrenal medulla) |
એપીનેફ્રાઇન અને
નૉરએપીનેફ્રાઇનનો સ્રાવ વધે છે. |
ચેતાકરણનો અભાવ |
5 | અધિવૃક્કનો
બાહ્યક (adrenal cortex) |
ગ્લુકોકૉર્ટિકૉઇડનો સ્રાવ
વધે છે. |
ચેતાકરણનો અભાવ |
6 | ફેફસાં | નલિકાઓ પહોળી બને છે. | નલિકાઓ સંકોચાય છે. |
7 | હૃદય | ધબકારા તીવ્ર બને છે. | ધબકારા હળવા બને છે. |
8 | જઠર અને
આંતરડું |
ગતિશીલતા ઘટે છે. | વધુ સક્રિય બને છે. |
9 | સ્વાદુપિંડ | સ્રાવ ઘટે છે. | સ્રાવ વધે છે. |
10 | મૂત્રપિંડ | મૂત્રનિર્માણને ઘટાડે છે. | ચેતાકરણનો અભાવ |
11 | જનનાંગો | જાતીય વૃત્તિ ઉત્તેજક | જાતીય વૃત્તિ શામક |
પ્રતિવર્તી (reflex) ક્રિયા : બાહ્ય કે આંતરિક પર્યાવરણના ફેરફારોને અધીન ઉદભવતા પ્રતિભાવને પ્રતિવર્તી ક્રિયા કહે છે. તેની અસર હેઠળ શરીર આંતરિક પર્યાવરણની સમતુલા જાળવે છે. અમીબા કે માનવ, બધાં પ્રાણીઓમાં પ્રતિવર્તો ઉદભવતા હોય છે. અમીબા ગરમી કે ઍસિડિક માધ્યમના સંપર્કમાં આવતાં પ્રતિકૂલ અસર ટાળવા માટે ત્યાંથી ખસે છે, જ્યારે માનવ અચાનક વીજધારાના સંપર્કમાં આવતાં પ્રભાવિત અંગને તરત જ ત્યાંથી ખેંચી લે છે. શિક્ષિત (learned) વર્તન પ્રભાવક હોય તેવાં અંગુષ્ઠધારી જેવાં ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં પ્રતિવર્તો સમગ્ર વર્તનમાં મહત્વનો ઘટક બને છે.
પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પ્રતિવર્તી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચેતાકીય એકમને પ્રતિવર્તી કમાન (reflex arc) કહે છે. આ એકમમાં કરોડરજ્જુમાં આવેલાં અંતર્ગ્રથનો અગત્યનો ભાગ ભજવે છે. પ્રતિવર્તી ક્રિયાની શરૂઆત સંવેદનાગ્રાહી અંગ ઉત્તેજન પામવાથી થાય છે. પરિણામે ઉત્પન્ન થયેલા આવેગો પ્રતિવર્ત અંતર્ગ્રથનના સંપર્કમાં આવતાં કરોડરજ્જુના પ્રેરક કોષો સક્રિય બની યોગ્ય કાર્યવાહી કરવા ક્રિયાશીલ અંગોને પ્રેરે છે. કાંટો વાગ્યો હોય તેવા સંજોગોમાં કરોડરજ્જુના પ્રેરક કોષો આવેગો દ્વારા અસરગ્રસ્ત ભાગના સ્નાયુઓને તત્કાળ ત્યાંથી ખસી જવા પ્રેરે છે. કેટલીક પ્રતિવર્તી ક્રિયાઓમાં એક કરતાં વધારે અંતર્ગ્રથનો સંકળાયેલાં હોય છે. તેવી પ્રતિવર્તી ક્રિયાઓ બહુઅંતર્ગ્રથનિક (poly-synaptic) કહેવાય છે.
અધિગત વર્તનના પ્રભાવ હેઠળ ઉદભવતા પ્રતિવર્તી ક્રિયાઓને અભિબંધિત (conditioned) પ્રતિવર્તી ક્રિયાઓ કહે છે. દરરોજ સવારે નિયમિતપણે થતી પેટ સાફ થવાની ક્રિયા અભિબંધિત પ્રતિવર્તી ક્રિયાનું ર્દષ્ટાંત છે.
ચેતાતંત્ર અને પ્રાણીવર્તનની ભૂમિકા : મનુષ્યનું ચેતાતંત્ર અન્ય પ્રાણીઓના ચેતાતંત્ર કરતાં વધુ જટિલ અને સુવિકસિત છે. મનુષ્ય-વર્તનની વિવિધતા પણ આ સુવિકસિત મગજની દેન છે. નિમ્ન કક્ષાનાં પ્રાણીઓથી માંડીને મનુષ્યના વર્તનની ભૂમિકામાં, સમગ્ર ચેતાતંત્ર મહત્વનો ભાગ ભજવતું રહ્યું છે. જેમ કે, જળવ્યાળમાં (આ. 1 અ) ચેતાનું જાલક વ્યાપક (diffuse) પ્રકારનું હોઈ પ્રાણીવર્તન આઘાત અને પ્રત્યાઘાત તબક્કા સુધીની મર્યાદિત છે. પૃથુકૃમિ અને અળસિયામાં (આ. 1 આ અને ઇ) મસ્તિષ્ક-ચેતાકંદ અને શરીરના લંબ અક્ષને સમાન્તર ચેતાતંતુઓનું જાલક પ્રસરેલું છે. આ પ્રાણીઓ જળવ્યાળ કરતાં ઉચ્ચ સ્તરીય વર્તન દાખવે છે. મૃદુકાય પ્રાણીઓ કરતાં (આ. 1 ઈ) સાંઢ (Lobster – આ. 1 ઉ)માં ચેતાતંત્ર પ્રમાણમાં સુગઠિત છે અને સાંઢની તરવાની ચપળતા જોઈ શકાય છે. કીટકોમાં ચેતાતંત્ર તેનાથી પણ સુવિકસિત હોઈ અનેક પ્રકારની જટિલ કામગીરી વ્યવસ્થિત પાર પાડે છે (ઉદા. મધમાખી, ઊધઈ વગેરે).
પૃષ્ઠવંશીઓમાં માછલીથી માંડીને ચિમ્પાન્ઝી સુધીનાં પ્રાણીઓમાં મગજ અને ચેતાતંત્રની જે જટલિતા જોવા મળે છે, તેનાથી પ્રાણી-વર્તનમાં ક્રમે ક્રમે બુદ્ધિનો વિકાસ અને શિક્ષણ (learning) માટેની અનુભૂતિ થાય છે. આજે પણ માનવબુદ્ધિ અને વર્તન અંગેના મનોવૈજ્ઞાનિક પ્રયોગો કરવા હોય તો એપ્સ, વાનર કે અન્ય નિમ્ન કક્ષાનાં પ્રાણીઓનાં ચેતાતંત્રોનો અભ્યાસ અનિવાર્ય બને છે.
મ. શિ. દૂબળે
રા. ય. ગુપ્તે