ચેતાપીડ, ત્રિશાખી (trigeminal neuralgia) : મગજમાંથી નીકળતી પાંચમી કર્પરી ચેતા(carnial nerve)ના ક્ષેત્રનો દુખાવો. પાંચમી કર્પરી ચેતાને 3 શાખાઓ છે અને તેથી તેને ત્રિશાખી ચેતા (trigeminal nerve) કહે છે. તેની ઉપલી શાખા કપાળના ભાગમાંની, વચલી શાખા ચહેરાના ઉપલા જડબાના ભાગમાંની તથા નીચલી શાખા ચહેરાના નીચલા જડબાના ભાગમાંની સંવેદનાઓનું વહન કરે છે. આ ચેતામાં જ્યારે અચાનક અને વધુ પ્રમાણમાં વીજોત્સાર (discharge) થાય ત્યારે ચહેરાના ભાગ પર દુખાવાની સંવેદના થાય છે. તેને ત્રિશાખી ચેતાપીડ કહે છે.

માથાના દુખાવાનાં કારણો : માથાના દુખાવાનાં વિવિધ કારણો હોય છે, જેમ કે આધાશીશી (migraine) અને તેના ઉપપ્રકારો, તણાવજન્ય શિરદર્દ, મગજની નસોના સોજાને કારણે કે ગાંઠ અથવા અન્ય કારણસર ખોપરીમાં દબાણ વધે તો તેનાથી થતો દુખાવો, નાક, નાકની આસપાસનાં હાડકાંનાં પોલાણો, કાન, આંખ, દાંત તથા ડોકના મણકાના વિકારોથી થતો દુખાવો, વિવિધ પ્રકારની ચેતાપીડ વગેરે. કેટલાક વિદ્વાનો હર્પિસ ઝોસ્ટર નામના અછબડાના વિષાણુથી થતા ચેપના દુખાવાને પણ ચેતાપીડ તરીકે વર્ણવે છે. મુખ્ય 3 પ્રકારની ચેતાપીડ વર્ણવવામાં આવી છે. ત્રિશાખી ચેતાપીડ, જીભ-ગળાની ચેતાપીડ (glossopharyngeal neuralgia) અને પ્રકીર્ણ પ્રકારો જેમાં મહા પશ્ચ કર્પરી ચેતા (great posterior cranial nerve) અથવા ચહેરાની ચેતાની મધ્યશાખા (nervous intermedius of facial nerve) અસરગ્રસ્ત થયેલી હોય છે. આ ભાગ્યે જ થતા વિકારો છે.

લક્ષણો, ચિહનો અને નિદાન : તેને અંગ્રેજીમાં ટિક ડોલોરો (tic douloureux) પણ કહે છે. દર્દીને ચહેરાના કોઈ ભાગ પર અચાનક વીજળીના આંચકા જેવા દુખાવાના હુમલા થઈ આવે છે. મોટા ભાગના કિસ્સામાં ખોપરીના પાછલા ભાગમાં આવેલા પોલાણ(પશ્ચગુહા, posterior fossa)માં લોહીની નસ વડે ત્રિશાખી ચેતા દબાય તો આ પ્રકારનો વિકાર થાય છે. ઘણી વખત આવી દબાવતી કોઈ સંરચના હોતી નથી. ક્યારેક મગજના અન્ય રોગો જેમ કે તેના ચેતાકંદુક(ganglion)ની ગાંઠ, બહુસ્થાની તંતુકાઠિન્ય (multiple sclerosis) તથા મસ્તિષ્ક-પ્રકાંડનો અરુધિરીનાશ(brain stem infarct)ના દર્દીમાં પણ આ જ પ્રકારનો દુખાવો થાય છે. દર્દીની તકલીફોના વર્ણન પરથી નિદાન કરાય છે. હોઠ કે ગાલ પર અડવાથી ટૂંકો, વીજળીના આંચકા જેવો દુખાવો થાય છે. ક્યારેક વાતચીત કરતાં, દાતણ કરતાં કે ખાતી વખતે પણ આવો દુખાવો થાય છે. દુખાવો થોડી સેકન્ડ રહે છે અને ત્યારબાદ સેકન્ડો કે મિનિટોનો વિરામ રહે છે. ક્યારેક દુખાવાના વારંવાર હુમલા થાય છે. સામાન્ય રીતે દુખાવો ઉપલા કે નીચલા જડબા કે બંને જડબાંના વિસ્તારમાં ડાબી કે જમણી બાજુ થાય છે. થોડોક સમય દુખાવો શમી જાય છે તો ક્યારેક વસંત અને પાનખરની ઋતુમાં તે વારંવાર થઈ આવે છે. જો દુખાવા સાથે સંવેદનાના અન્ય વિકારો થાય તો મૂળ કારણ કોઈ બીજો રોગ હોવાની સંભાવના વધે છે.

સારવાર : કાર્બામેઝેપિન નામની દવા વડે સારવારનાં સારાં પરિણામ આવે છે. તેની માત્રા (dose) ધીમે ધીમે વધારાય છે જેથી ઊંઘ ન આવે. વધુમાં વધુ 1200 મિગ્રા./દિવસની માત્રામાં તે અપાય છે. આ દવા અન્ય પ્રકારનો દુખાવો મટાડતી નથી. ક્યારેક તેને કારણે લોહીના કોષો બનાવતી પેશીમાં ઝેરી અસર થવાને કારણે લોહીના કોષોનું ઉત્પાદન ઘટે છે. ફેનિટોઇન સહેજ ઓછી અસરકારક દવા છે. બંને સાથે આપવાથી અસરકારકતા વધે છે. બેકલોફેન પણ ઉપયોગી દવા છે. દવાઓ નિષ્ફળ જાય ત્યારે શસ્ત્રક્રિયા કરીને પાંચમી ચેતાના ગેસેરિયન ચેતાકંદુકને કાપવામાં આવે છે. તે માટે રેડિયો ફ્રીક્વન્સી અથવા ગ્લિસેરોલ વપરાય છે. આ પ્રકારની શસ્ત્રક્રિયા સ્થાનિક નિશ્ચેતના(local anaesthesia)ની અસર હેઠળ અથવા ખોપરીમાં કાણું પાડીને (કર્પરી છિદ્રણ, craniotomy) કરાય છે. તેને કારણે લાંબા ગાળાની રાહત મળે છે. નિષ્ણાત સર્જનની તેને માટે જરૂર રહે છે. પાંચમી કર્પરી ચેતાને તેના ચેતાકંદુક અને મગજની વચ્ચેના ભાગમાં કાપવાની શસ્ત્રક્રિયા કરવાથી કાયમી રાહત મળી શકે છે. પરંતુ ક્યારેક તેનાથી ઉદભવતા સંવેદનાલક્ષી વિકારો ઘણી વખત ચેતાપીડ કરતાં વધુ તકલીફો આપે છે.

અન્ય પ્રકારની ચેતાપીડ : જીભ-ગળાની ચેતાપીડ(glosso-pharyngeal neuralgia)માં કાકડા કે ગળાની પાછલી દીવાલ પરના સ્પર્શથી (કોળિયો ગળવાથી) દુખાવો ઊપડે છે જે કાન અને કાન નીચેના નીચલા જડબાના ખૂણા સુધી ફેલાય છે. ક્યારેક હૃદયના ધબકારા ઘટે છે અથવા અટકી જાય છે. આ વિકારમાં જીભ-ગળાની નવમી કર્પરી ચેતામાં વીજોત્સાર થાય છે. કાર્બામેઝેપિન અથવા શસ્ત્રક્રિયા વડે ચેતા કાપી કાઢવાથી રાહત મળે છે. ક્યારેક આ પ્રકારનો દુખાવો કાકડાની ગાંઠમાં થાય છે. અન્ય પ્રકારની ચેતાપીડનાં નિદાન અને સારવારના સિદ્ધાંતો ઉપર મુજબના જ છે.

શિલીન નં. શુક્લ