ભાનુગુપ્ત : મગધના ગુપ્ત વંશનો રાજા. મગધના ગુપ્ત વંશના વૃત્તાંતમાં સ્કન્દગુપ્તના ઉત્તરાધિકારીઓ વિશે ઘણો ગૂંચવાડો રહેલો છે. તે રાજાઓમાં બુધગુપ્તના સમયના શિલાલેખ ગુપ્ત સંવત 157ના(ઈ. સ. 476)થી ગુ. સં. 165 (ઈ. સ. 488) સુધીના મળ્યા છે. મહારાજ માતૃવિષ્ણુ અને એના અનુજ ધન્યવિષ્ણુનો નિર્દેશ આવે છે. એ પછી એ જ સ્થળે (એરણમાં) ભાનુગુપ્તના સમયનો ઈ. સ. 510(ગુ.સં. 191)નો સ્તંભલેખ મળ્યો છે. આ લેખમાં જણાવ્યું છે કે પાર્થ (અર્જુન) સમાન શૂરવીર ભાનુગુપ્તની સાથે આવી એના સહાયક તરીકે યુદ્ધ કરતાં ગોપરાજ નામે રાજા વીરગતિ પામ્યો ને એની પાછળ એની પત્ની સતી થઈ. આ યુદ્ધ કોની સાથે થયું હતું તે એમાં જણાવ્યું નથી. પરંતુ અન્ય ઉલ્લેખો પરથી આ યુદ્ધ હૂણોના આક્રમણ સાથે સંકળાયેલું હોવાનું ફલિત થાય છે. એ યુદ્ધમાં હૂણોનો વિજય થયો હોવાનું અને ત્યાં તેમના અધિપતિ તોરમાણનું અને એના પછી એના પુત્ર મિહિરકુલનું શાસન પ્રવર્ત્યું હોવાનું માલૂમ પડે છે. મિહિરકુલ બૌદ્ધ ધર્મના અનુયાયીઓને રંજાડવા લાગ્યો, તેથી મગધપતિ બાલાદિત્યે એને ખંડણી આપવા ના પાડી. મિહિરકુલે એના રાજ્ય પર આક્રમણ કર્યું. પણ બાલાદિત્યની સેનાએ એને ઘેરી લઈ કેદ કર્યો. બાલાદિત્ય એને દેહાંતદંડ દેવા માંગતો હતો, પરંતુ એની માતાની વિનવણીને લઈને એણે એને મુક્ત કર્યો. ત્યાંથી એ કાશ્મીર ચાલ્યો ગયો.

વૈન્યગુપ્ત (ઈ. સ. 507) ગુપ્ત સામ્રાજ્યના પૂર્વ ભાગમાં ને ભાનુગુપ્ત એના પશ્ચિમ ભાગમાં રાજ્ય કરતો હોય એવું સૂચવાયું છે. મિહિરકુલને હરાવનાર બાલાદિત્ય આ સ્તંભલેખમાં જણાવેલ ભાનુગુપ્ત હોવો જોઈએ એવું મનાય છે. નરસિંહગુપ્ત – બુધગુપ્તનો પુરોગામી પણ ‘બાલાદિત્ય’ બિરુદ ધરાવતો. ભાનુગુપ્ત – બાલાદિત્ય પછી પ્રકાશાદિત્ય અને વજ્ર નામે એના બે પુત્ર સત્તારૂઢ થયા હોવાનું માલૂમ પડે છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી