ભાન, પુષ્કર (જ. 1926 – ) : કાશ્મીરી લેખક. મધ્યમવર્ગીય કાશ્મીરી પંડિતના પુત્ર. પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પરીક્ષા પસાર કરીને મુંબઈની મૉડર્ન મિલમાં હિસાબ વિભાગમાં જોડાયા. 1947માં જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે તે ભારતના સૈન્યના સાંસ્કૃતિક વિભાગમાં જોડાયા અને ભારતીય સૈન્યના સાંસ્કૃતિક જૂથમાં થતાં નાટકોમાં અભિનેતા તરીકે પંકાયા. 1951માં કાશ્મીરના આકાશવાણી કેન્દ્રમાં તેઓ કાર્યક્રમ-નિયામક તરીકે જોડાયા.

1950 પછી એમણે આકાશવાણીમાં કટાક્ષ-નાટિકાઓની શ્રેણી શરૂ કરી. એમની 70 કટાક્ષ-નાટિકાઓ જુદાં જુદાં આકાશવાણી કેન્દ્રો પરથી પ્રસારિત થઈ છે. એ કટાક્ષ-નાટિકાઓએ એમને દેશભરમાં અગ્રણી નાટકકાર તરીકે પ્રસિદ્ધિ અપાવી. એમનાં પાત્રો માચમા, સાબા ગોટા, રહેમાનદાદા, ખાટિક, કાક અને કાકદેડ કાશ્મીરમાં ઘેર ઘેર જાણીતાં છે. 1977માં એમનો આ કટાક્ષ-નાટિકાઓનો સંગ્રહ ‘મચમ્મા’ નામથી પ્રકાશિત થયો. એ માટે 1978માં એમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો. એમની આકાશવાણી નાટિકાશ્રેણી ‘ઝૂનાદબ’ એટલી બધી લોકપ્રિય થઈ કે ભારત સરકારે એમને 1974માં ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો. એ નાટિકાશ્રેણી 20 વર્ષોથી સતત આકાશવાણી પરથી પ્રસારિત થતી રહે છે. એમણે બે કાશ્મીરી ફિલ્મો ‘મંઝીરાત’ અને ‘મેહજુરા’માં મુખ્ય અભિનેતા તરીકે કાર્ય કર્યું છે. આકાશવાણીનાં નાટકો ઉપરાંત એમણે રંગમંચીય નાટ્યલેખક તરીકે પણ યશ મેળવ્યો છે. આકાશવાણી નાટ્ય હરીફાઈમાં રજૂ કરેલા એમના ‘ગ્રાન્ડ રિહર્સલ’ નાટકને 1967માં પ્રથમ પારિતોષિક મળ્યું હતું. કાશ્મીરી ઉપરાંત ઉર્દૂ, હિંદી અને અંગ્રેજી પર પણ પુષ્કરનું પ્રભુત્વ છે.

ચન્દ્રકાન્ત મહેતા