ભક્તવત્સલમ્, એમ. (જ. 9 ઑક્ટોબર 1897, નાઝરેથ, જિ. ચિંગલપુર, તામિલનાડુ; અ. 13 ફેબ્રુઆરી 1987, ચેન્નાઈ, તમિળનાડુ) : સ્વાતંત્ર્યસૈનિક, કોંગ્રેસના નેતા અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી. તેમના પિતાનું અવસાન થવાથી કાકા મુથુરંગ મુદલિયારે તેમને ઉછેર્યા. તેઓ સ્વાતંત્ર્યસૈનિક અને કૉંગ્રેસના આગેવાન હોવાથી પોતાના ભત્રીજાને દેશભક્ત બનાવ્યો. ભક્તવત્સલમ્ ચેન્નાઈની ક્રિશ્ચિયન મિશન સ્કૂલ અને પી. એસ. હાઈસ્કૂલમાં અભ્યાસ કરી મૅટ્રિક થયા. ત્યારબાદ તેઓ ત્યાંની પ્રેસિડન્સી કૉલેજમાં જોડાઈ 1916માં બી.એ. થયા. મદ્રાસ લૉ કૉલેજમાં અભ્યાસ પૂરો કરીને તેઓ વકીલ બન્યા. 1920માં જાણીતા સ્વાતંત્ર્યસેનાની ગોપાલસ્વામી મુદલિયારની પુત્રી જ્ઞાનસુંદરી સાથે તેમનાં લગ્ન થયાં.
કૉલેજના અભ્યાસ દરમિયાન તેમણે હોમરૂલ આંદોલનમાં તથા રોલૅટ કાયદા વિરુદ્ધની લડતમાં ભાગ લીધો હતો. તેઓ મહાત્મા ગાંધીથી પ્રભાવિત થયા અને 1920–22ની અસહકારની ચળવળમાં જોડાયા. આ દરમિયાન તેઓ ચિંગલપુર જિલ્લા સમિતિના સભ્ય (1921–22) તરીકે ચૂંટાયા અને તેમણે 1923માં કાકિનાડામાં ભરાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં હાજરી આપી. તેઓ મહાત્મા ગાંધીના રચનાત્મક કાર્યક્રમ તથા ખાદી અને ગ્રામોદ્યોગના હિમાયતી હતા. કૉંગ્રેસના 1927માં ચેન્નાઈમાં મળેલા અધિવેશનની સ્વાગત સમિતિના તેઓ સેક્રેટરી હતા. 1930માં તેઓ મદ્રાસ મહાજન સભાના સેક્રેટરી હતા ત્યારે ભારતમાં બ્રિટિશ શાસનના જુલમોની તેમણે કડક શબ્દોમાં આલોચના કરી હતી. તેને બીજે વરસે તેઓ તામિલનાડુ કૉંગ્રેસ સમિતિના સેક્રેટરી બન્યા. સવિનય કાનૂનભંગની ચળવળમાં આગળપડતો ભાગ લઈને 1932માં તેમણે જેલ ભોગવી હતી. અસ્પૃશ્યતાનિવારણના તેઓ પ્રખર હિમાયતી હતા. તેથી 1933માં તેમને હરિજન સેવા સંઘના ઉપ-પ્રમુખ ચૂંટવામાં આવ્યા હતા.
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ લોકોને સમજાવવા માટે તેમણે તામિલનાડુનો પ્રવાસ ખેડી અનેક સભાઓને સંબોધી હતી. વ્યક્તિગત સત્યાગ્રહ(1940–41)માં ભાગ લેવાને કારણે તેમને નવ મહિનાની કેદની સજા થઈ હતી. ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેવા માટે તેમની ધરપકડ કરી ઑક્ટોબર 1944 સુધી તેમને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
1937માં તેમણે તેમની સંસદીય કારકિર્દીનો પ્રારંભ મંત્રી ગોપાલ રેડ્ડીના સંસદીય સચિવ તરીકે કર્યો. ત્યારબાદ તત્કાલીન મદ્રાસ પ્રાંતના મંત્રીમંડળના તેઓ સભ્ય બન્યા. મહાત્મા ગાંધીના આશીર્વાદથી તેમણે કલ્લુપટ્ટીમાં રચનાત્મક કાર્યકરોનો શિબિર યોજયો અને ત્યાં ગાંધીનિકેતન નામની પ્રખ્યાત સંસ્થા શરૂ કરી. 1946માં થયેલ સામાન્ય ચૂંટણીઓ બાદ ટી. પ્રકાશમે રચેલા મંત્રીમંડળમાં ભક્તવત્સલમનો સમાવેશ થયો હતો. 1952ની ચૂંટણીમાં તેમને પરાજય મળ્યા બાદ લોકપ્રિય રાષ્ટ્રવાદી દૈનિક ‘ભારતદેવી’નું તંત્રીપદ તેમણે સંભાળ્યું. 1953માં મદ્રાસ પ્રાંતની વિધાન પરિષદમાં ચૂંટાયા બાદ, ચક્રવર્તી રાજગોપાલાચારીના મંત્રીમંડળમાં જોડાવાનું તેમને નિમંત્રણ આપવામાં આવ્યું. કામરાજ યોજના હેઠળ કામરાજે ત્યાગપત્ર આપ્યા બાદ, તેઓ મુખ્યમંત્રી બન્યા અને 1967 સુધી આ હોદ્દો સંભાળ્યો. તેમણે રાજ્યની યાદીમાંનાં અનેક ખાતાં સંભાળ્યાં અને તેનો વહીવટ સુધાર્યો. તેઓ ઘણા સારા વહીવટદાર હતા. શિક્ષણમંત્રી તરીકે તેમણે કોઈમ્બતુર ઍગ્રિકલ્ચરલ કૉલેજને ઉત્તમ સંસ્થા બનાવી. તેમના પ્રયાસોના ફલસ્વરૂપે મદુરાઈ યુનિવર્સિટી સ્થાપવામાં આવી. રાજ્યનાં મંદિરોના વહીવટમાં પણ તેમણે નોંધપાત્ર સુધારા કર્યા.
જયકુમાર ર. શુક્લ