ભક્તામરસ્તોત્ર : આશરે સાતમી સદીમાં થયેલા માનતુંગાચાર્યે વસંતતિલકા છંદમાં આદિ તીર્થંકર ઋષભદેવ વિશે સંસ્કૃત ભાષામાં રચેલું સ્તોત્રકાવ્ય. એના પ્રથમ શબ્દ ‘ભક્તામર’ પરથી આ સ્તોત્રને ‘ભક્તામરસ્તોત્ર’ કહેવામાં આવ્યું છે. શ્વેતાંબરો આ સ્તોત્રને 42 કે 44 શ્લોકોનું બનેલું માને છે, જ્યારે દિગંબરો તેને 48 શ્લોકોનું બનેલું માને છે. શ્વેતાંબરો પ્રતિહાર્યબોધક સિંહાસન, ભામંડળ, દુંદુભિ અને છત્ર એ વર્ણવતા ચાર શ્લોકોને બાદ કરે છે. મયૂર કવિ અને બાણ કવિએ અનુક્રમે ‘સૂર્યશતક’ અને ‘ચંડીશતક’ની રચનાઓ દ્વારા ચમત્કારો બતાવેલા; તેની સ્પર્ધામાં જૈન સાધુ માનતુંગાચાર્યે પણ પોતાને બાંધેલી સાંકળો ‘ભક્તામરસ્તોત્ર’ના શ્લોકો રચીને તોડી નાખી ચમત્કાર બતાવ્યાની દંતકથા પ્રચલિત છે.

જૈન સ્તોત્રોમાં આ સ્તોત્ર ખૂબ જ પ્રસિદ્ધ છે. ભાવ, ભાષા અને શૈલી ત્રણેય ર્દષ્ટિએ તે ખૂબ જ સુંદર અને પ્રશંસનીય છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અનુપ્રાસ વગેરે અલંકારોનું સૌંદર્ય તેમાં રહેલું છે. કવિનો ભક્તિભાવ હૃદયસ્પર્શી છે. આચાર્ય સિદ્ધસેનના ‘કલ્યાણમંદિરસ્તોત્ર’ની ઘેરી અસર શબ્દરચના અને અર્થકલ્પનામાં જોવા મળે છે. રોગી માણસને આ સ્તોત્રનો પાઠ કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે એવી જૈન ધર્મમાં પ્રચલિત માન્યતા છે. વળી આ સ્તોત્ર વિઘ્નવિનાશક છે એમ માનીને જૈન સાધુસમાજ અને ગૃહસ્થો તેને આજે પણ કંઠસ્થ કરી, તેનો અભ્યાસ કરે છે. આ સ્તોત્રની પંક્તિઓને લઈ, સમસ્યાપૂર્તિ કરી, અનેક કવિઓએ નવાં સ્તોત્રો રચ્યાં છે. તેમાં ધર્મસિંહસૂરિનું ‘સરસ્વતીભક્તામર’, લક્ષ્મીવિમલગણિનું ‘શાન્તિભક્તામર’, વિમલલાભગણિનું ‘પાર્શ્વભક્તામર’, ધર્મવર્ધનગણિનું ‘વીરભક્તામર’, ભાવપ્રભસૂરિનું ‘નેમિભક્તામર’ વગેરેનો સમાવેશ  થાય છે. વળી અનેક કવિઓએ ‘ભક્તામરસ્તોત્ર’ પર સંસ્કૃત અને હિંદીમાં, ગદ્ય અને પદ્યમાં ટીકાઓ લખી છે. શ્રદ્ધાળુ જૈનોના મતે આ સ્તોત્ર એવું છે કે પ્રથમ તીર્થંકરની સાથે બીજા 23 તીર્થંકરો અને 20 વિહરતા તીર્થંકરોની સ્તુતિનો લાભ પણ પાઠ કરનારને મળે છે. તેથી બધા તીર્થંકરોની સ્તુતિનો સમાવેશ કરતાં આ સ્તોત્રનું માહાત્મ્ય ઘણું છે.

કવિ માનતુંગ સમ્રાટ હર્ષના સમકાલીન હતા, પરંતુ કેટલાક ટીકાકારો તેમને રાજા ભોજના સમયમાં થઈ ગયેલા માને છે. જોકે એ માટે કોઈ ઐતિહાસિક આધાર નથી. સમ્રાટ હર્ષના ઐતિહાસિક ઉલ્લેખો અને મયૂર તથા બાણ સાથેની તેમની થયેલી મનાતી સ્પર્ધા તેમનો સમય સાતમી સદીનો માનવા પ્રેરે છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા