ભક્તમાલ (1658) : રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તકવિ નાભાજી કે નાભાદાસનો પ્રસિદ્ધ ગ્રંથ. હિંદીના ચરિત્રસાહિત્યનો પ્રથમ ગ્રંથ. રામાનંદ સંપ્રદાયના ગુરુ અગ્રદાસની આજ્ઞાથી નાભાજીએ આ ગ્રંથની રચના કરી હતી.

વ્રજભાષામાં લખાયેલો આ ગ્રંથ 198 છપ્પય (ષટ્પદીઓ) અને કેટલાક દોહાઓ ધરાવે છે. ગ્રંથ સૂત્ર રૂપે લખાયો હોઈ તે ભાષ્ય કે ટીકાઓની સહાય વિના સમજવો કઠણ છે. હિંદીમાં તેના પર સેંકડો ટીકાઓ લખાઈ છે તે પૈકી નાભાદાસની આજ્ઞાથી તેમના શિષ્ય પ્રિયદાસે રચેલી ‘ભક્તિરસબોધિની’ ટીકા સર્વાધિક પ્રસિદ્ધ છે.

ભક્તમાલમાં ઈ. સ. 1643 સુધીના લગભગ બસો જેટલા ભક્તો અને સંતોનાં ચરિતોનું વર્ણન થયું છે. એમાં રામાનંદ સંપ્રદાયના ભક્તોનો વિશેષ રૂપે અને પ્રાચીન તથા મધ્યકાલીન અન્ય સંતોનો પરિચય સામાન્ય રૂપે પ્રાપ્ત થાય છે. નાભાજીએ ભક્તોનાં જન્મ અને દેહાવસાનની તિથિઓ કે અન્ય સ્થૂળ બાબતોને ગૌણ કરી છે અને ભક્તોના જીવનની અલૌકિક ઘટનાઓના વર્ણન દ્વારા જનતાના હૃદયમાં તેમના જીવનાદર્શો પ્રત્યે આસ્થા ઉત્પન્ન કરવાનું મુખ્ય લક્ષ્ય રાખ્યું છે. તેમણે ચરિત્રવર્ણન માટે કિંવદંતીઓ, ધાર્મિક ગ્રંથો અને સમકાલીન ભક્તો વિશેની જાતમાહિતીને આધાર રૂપે લીધી છે. ગ્રંથના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે ભાગ છે. પૂર્વાર્ધમાં કળિયુગ પૂર્વેના ભક્તોનું વર્ણન થયું છે. ઇતિહાસની ર્દષ્ટિએ ઉત્તરાર્ધ મહત્વનો છે. તેમાં તત્કાલીન પ્રચલિત બધા વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો, સંતો તેમજ સંપ્રદાઓનું વિસ્તૃત વર્ણન થયું છે. આ વિભાગમાં જેમને કોઈ સંપ્રદાય નહોતો એવા ભક્તોનો પણ સમાવેશ થયો છે. નાભાદાસે નિર્ગુણ તથા સગુણ વિચારધારાના બધા ભક્તો અને સંતોનું તટસ્થભાવે નિરૂપણ કર્યું છે. મલૂકદાસ, ધરમદાસ, દાદૂ દયાળ, નાનક જેવા કેટલાક ભક્ત-સંતો વિશે અહીં કોઈ માહિતી અપાઈ નથી.

ભક્તો અને ભક્તકવિઓનાં જીવનચરિતને સુરક્ષિત રાખવામાં ભક્તમાલનું પ્રદાન ઘણું મહત્વ ધરાવે છે. આ ગ્રંથ ભક્તો અને ભક્ત કવિઓમાં એટલો પ્રિય થયો કે તેની અનેક ટીકાઓ લખાઈ, એટલું જ નહિ, તેના પછી તેની ધાટી પર ભક્તમાલ રચવાની એક પરંપરા ઊભી થઈ. પ્રિયદાસકૃત ‘ભક્તિરસબોધિની-ટીકા’ વૈષ્ણવદાસ–કૃત ‘ભક્તમાલ-ટિપ્પણી’, કીર્તિસિંહકૃત ‘ગુરુમુખી ભક્તમાલ’, પ્રતાપસિંહકૃત ‘ભક્ત-કલ્પદ્રુમ’, રઘુરાજસિંહકૃત ‘રામરસિકાવલી’, જીવારામકૃત ‘રસિકપ્રકાશ ભક્તમાલ’, ભાનુપ્રતાપ તિવારીકૃત ‘અંગ્રેજી ભક્તમાલ’ વગેરે આનાં ર્દષ્ટાંતરૂપ છે.

મધ્યકાલીન ભક્તિસાહિત્યની વિચારધારાઓ તેમજ તેના પ્રવર્તકો અને અનુયાયીઓની વિશેષતાઓ જાણવા–સમજવા માટે ‘ભક્તમાલ’નું અધ્યયન ઘણું ઉપકારક સિદ્ધ થયું છે.

પ્રવીણચંદ્ર પરીખ