બ્રહ્મપુત્ર (નદી) : મધ્ય તેમજ દક્ષિણ એશિયાની મુખ્ય નદી. તેના મૂળથી મુખ સુધીના જુદા જુદા ભાગોમાં (તિબેટમાં ત્સાંગ પો, અરુણાચલમાં દિહાંગ, અસમમાં બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશમાં જમુના જેવાં) જુદાં જુદાં નામથી તે ઓળખાય છે. તેની કુલ લંબાઈ 2,900 કિમી. જેટલી છે. તેનું મૂળ તિબેટ-હિમાલયમાં આવેલું છે. તિબેટમાં જ્યાંથી તે નીકળે છે તે મૂળથી 1,125 કિમી. લંબાઈના અંતર સુધી પૂર્વ તરફ વહે છે, ત્યાંથી નૈર્ઋત્ય ચીનમાં મુખ્ય હિમાલય હારમાળાથી દક્ષિણ તરફ નીએન ચેન તાંગલા સુધી વહે છે, ત્યાંથી તે પૂર્વ હિમાલયને ભેદીને દક્ષિણ તરફ અરુણાચલના સિયાંગ ઉપવિભાગ પાસે ઈશાન ભારતમાં પ્રવેશે છે, અહીં તે દિહાંગ નામથી પણ ઓળખાય છે. અહીંથી તે નૈર્ઋત્ય તરફી વળાંક લે છે અને 720 કિમી. જેટલી લંબાઈમાં અસમ ખીણમાં થઈને પસાર થાય છે, ત્યાંથી તે દક્ષિણ તરફ ફંટાઈને બાંગ્લાદેશમાં પ્રવેશે છે. અહીં તે ગંગા અને મેઘના નદીઓ સાથે મળીને વિશાળ ત્રિકોણપ્રદેશ રચે છે. છેવટે તેનાં જળ બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે. બ્રહ્મપુત્રનું જળપરિવાહ-થાળું કુલ 16,21,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેના પ્રવાહપથમાં ઉત્તર તરફથી માનસ, સુબનસીરી, ધાનસીરી, કામેંગ, તિસ્તા, જયભોરેલી વગેરે અને દક્ષિણ તરફથી બુરહી દિહિંગ, દિસાંગ, કોપીલી, લોહિત વગેરે બધી મળીને 24 જેટલી નાનીમોટી સહાયક નદીઓ મળે છે.
અસમના પ્રદેશમાં તેનો થાળા-વિસ્તાર સરેરાશ 2,120 મિમી. જેટલો વરસાદ મેળવે છે. નદીથાળાની આબોહવા તિબેટના પ્રદેશમાં વિષમ, ઠંડી અને સૂકી; જ્યારે અસમ ખીણ અને બાંગ્લાદેશમાં ગરમ, હૂંફાળી, ભેજવાળી અને વરસાદયુક્ત રહે છે. બ્રહ્મપુત્રના મુખ્ય જળપરિવાહ-લક્ષણોમાં તેની સ્થાનભેદે બદલાતી રહેતી પ્રવાહપથની દિશાઓ, તેમાં ઠલવાતી શાખાનદીઓના જળજથ્થાથી ઉદભવતો પૂરનો સંજોગ વગેરેનો સમાવેશ થાય છે. વર્ષાઋતુ સિવાય આ નદી પ્રતિ સેકંડે 14,000 ઘનમીટર જેટલું અને વર્ષાઋતુ દરમિયાન પ્રતિ સેકંડે 72,460 ઘનમીટર જેટલું પાણી ઠાલવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ નદીની પહોળાઈ 8 કિમી. અને ઊંડાઈ 10 મીટર જેટલી થઈ જાય છે, તેને મળતી બધી નદીઓ તેમનો જળનો જથ્થો બ્રહ્મપુત્રમાં ઠાલવતી હોવાથી તેનો જળરાશિ સરોવર જેવો લાગે છે.
1954 પછીથી આ નદીમાં પૂરનિયંત્રણનું આયોજન કરવામાં આવ્યું છે. તે બંગાળના સમગ્ર મેદાનમાં, દરિયાથી દૂર અસમમાંના ઉપરવાસથી દિબ્રુગઢ સુધીના 1280 મી.ના ભાગમાં તથા તિબેટમાં લા ત્ઝુ (લ્હાત્સે દઝાંગ) અને લ્હાસા વચ્ચેના 640 કિમી.ના અંતર માટે જળમાર્ગ તરીકેના ઉપયોગમાં અનુકૂળ બની રહેલી છે. આ નદીમાં જળવાહનવ્યવહારનો ભારે ધસારો રહે છે. પરિણામે નીચલી બ્રહ્મપુત્ર ખીણનું આર્થિક માળખું સમૃદ્ધ બન્યું છે. તેના આર્થિક વિકાસમાં અસમનો ચાનો વેપાર, વન્ય પેદાશો, ખનિજતેલ, કોલસો, કુદરતી વાયુ અને શણનો ફાળો મહત્વનો છે. આ નદી પર મહત્વનાં નગરો અને નદી-બંદરો આવેલાં છે.
ભારતમાં બ્રહ્મપુત્રની વિદ્યુત-ઉત્પાદનક્ષમતા 124.8 લાખ કિલોવૉટ જેટલી છે. અનેક બહુહેતુક યોજનાઓ તેના થાળા-વિસ્તાર માટે તૈયાર કરવામાં આવી છે; તેમાં કારાટોઆ, પાલ્મા, જમુના, તિસ્તા, રિકોક, સુબનસીરી અને કોપિલી મુખ્ય છે.
નિયતિ મિસ્ત્રી