બ્રહ્મપુરાણ : પ્રાચીન ભારતનો પુરાણગ્રંથ. વ્યાસે રચેલાં અઢાર પુરાણમાં બ્રહ્મ કે બ્રાહ્મપુરાણ પ્રથમ છે. બધાં પુરાણોની ગણતરીમાં ‘ब्रत्रयम्’ દ્વારા બ્રહ્મ, બ્રહ્માંડ અને બ્રહ્મવૈવર્તપુરાણનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બ્રહ્મનો વિવર્ત થતાં બ્રહ્માંડની રચના બ્રહ્મા દ્વારા થઈ અને તેથી તેમની સાથે સંકળાયેલું પુરાણ તે આ બ્રહ્મપુરાણ. આ પુરાણ દેવીભાગવતની પુરાણાનુક્રમણિકા અનુસાર પાંચમું પુરાણ છે. નારદીય પુરાણ અનુસાર 10,000 અને લિંગ, વારાહ, કૂર્મ, પદ્મ, મત્સ્ય જેવાં પુરાણો અનુસાર 13,000 શ્લોકો ધરાવતું આ પુરાણ છે. ઉપલબ્ધ બ્રહ્મપુરાણમાં 13,783 શ્લોકો છે. આ પુરાણ પૂર્વ અને ઉત્તર ભાગમાં વહેંચાયેલું છે. તેમાં 246 અધ્યાયો છે.

પૂર્વભાગમાં દેવો, અસુરો, પ્રજાપતિઓ, દક્ષ વગેરેની ઉત્પત્તિનું વર્ણન છે. સૂર્યવંશવર્ણન તેમજ ભગવાનના ચતુર્વ્યૂહાવતારનું વર્ણન અનુક્રમે આવે છે. તે જ ક્રમે ચંદ્રવંશનું વર્ણન છે. ચંદ્રવંશની પ્રશાખાઓમાં કૃષ્ણચરિત્ર આલેખાયું છે. આ પછી દ્વીપો, વર્ષ, સ્વર્ગ અને નરકના વર્ણન પછી સૂર્યની સ્તુતિ આવે છે. શંકરપાર્વતીનો વિવાહ, દક્ષનું આખ્યાન, એકામ્રેશ્વરનું વર્ણન ઉલ્લેખનીય છે. ઉત્તર ભાગમાં પુરુષોત્તમક્ષેત્રનું સવિસ્તર વર્ણન છે. તીર્થયાત્રાનું પણ આલેખન છે. બ્રહ્મપુરાણ આદિ પુરાણ તરીકે પણ ઓળખાય છે.

આ પુરાણના આરંભે જળની ઉત્પત્તિ, બ્રહ્માનો આવિર્ભાવ, બ્રહ્મા દ્વારા અંડભેદ, બ્રહ્માથી મરીચિ વગેરે ઋષિઓની ઉત્પત્તિ, રુદ્રાદિનો ઉદભવ, વૈવસ્વત મનુની ઉત્પત્તિ, સ્વાયંભુવ મનુના વંશનું વર્ણન, શતરૂપાથી પ્રિયવ્રત ઉત્તાનપાદ–પૃથુ–પ્રચેતાઓની ઉત્પત્તિ, વૃક્ષપુત્રી મારીષાથી દક્ષ દ્વારા સૂર્યોત્પત્તિ–સૂર્યવંશવર્ણન, ઇલા-મૈત્રાવરુણ સંવાદ, ગાલવચરિત્ર અને સૂર્યવંશી હરિશ્ચંદ્રનું ઉપાખ્યાન, ચંદ્રમાની ઉત્પત્તિ, ચંદ્ર દ્વારા પ્રવર્તાયેલો વંશ, યયાતિચરિત, પુરુવંશ, યદુ-ક્રોષ્ટુવંશ, વૃષ્ણિવંશ, સ્યમન્તકોપાખ્યાન, જીવનકોષ, ભૂર્ભુવાદિ સાત લોક, ધ્રુવ-શિશુપાદ ચક્ર, તીર્થમાહાત્મ્ય, બ્રહ્મા-મહર્ષિનો મોક્ષવિષયક સંવાદ, ભારતવર્ષ, ઓરિસા–કોણાદિત્ય, સૂર્યપૂજા, સૂર્યોત્પત્તિ, સૂર્યનામ, શિવસ્તુતિ, મદનદહન, દક્ષયજ્ઞ-પ્રસંગ, એકામ્રેશ્વરવર્ણન, ઉત્કલક્ષેત્રનાં વિરજા, વૈતરણી, કપિલા વગેરે તીર્થ, અવન્તિકાક્ષેત્ર, ઇન્દ્રદ્યુમ્ન-વર્ણન, પુરુષોત્તમક્ષેત્ર, માર્કણ્ડેય-આખ્યાન, પ્રલયદર્શન, વિષ્ણુના ઉદરમાં બ્રહ્માંડ-દર્શન, ઇન્દ્રતીર્થ, નરસિંહપૂજા-માહાત્મ્ય, શ્વેતમાધવ, સમુદ્રસ્નાન અને પૂજાવિધિ, પંચતીર્થ, ગંગા-પ્રયાગસ્નાનમાહાત્મ્ય, કૃષ્ણાસ્નાન, ગુડિવાયાત્રાદિ, વિષ્ણુલોક-વર્ણન, પુરુષોત્તમમાહાત્મ્ય, તીર્થસંખ્યા, ગંગાવતરણ, શિવવિવાહ, બલિવામનપ્રસંગ, ગંગાના ભેદ, ઉમા-મહેશ્વરસ્તુતિ, સ્વર્ગાદિમાં ગંગાગમન, ગૌતમીમાહાત્મ્ય, સગરોપાખ્યાન, વરાહ, કપોત, કુમારાદિતીર્થ, શુક્રતીર્થ, મૃતસંજીવની, વિદ્યાપ્રાપ્તિ, પૌલસ્ત્યાદિ તીર્થ, પિપ્પલતીર્થમાં દધીચ, લોપામુદ્રા, નક્ષત્રાદિ તીર્થ, આત્મતીર્થમાં દત્તાત્રેય-અત્રિસંવાદ, અશ્વત્થાદિ તીર્થ, તીર્થાદિના પ્રકારો, અનંતવાસુદેવમાહાત્મ્ય, પુરુષોત્તમક્ષેત્રમાહાત્મ્ય, કણ્ડુઋષિચરિત્ર, શ્રીકૃષ્ણચરિત્ર, અવતારનું પ્રયોજન, વરાહ-અવતાર, નરકવર્ણન, દક્ષિણમાર્ગ, નારકીય દુ:ખનિવારક ધર્મનિરૂપણ અને વરણ, ધર્મની શ્રેષ્ઠતા, સદાચાર, વર્ણાશ્રમ, વર્ણ-જાતિવર્ણન, ઉત્તમગતિ, વાસુદેવમહિમા, વિષ્ણુભક્તોની ગતિ, વિષ્ણુભક્તિનું આલેખન, મહાપ્રલય, દ્વાપરનો અંત, આત્યંતિક પ્રલય, સંહારલક્ષણ દ્વારા પ્રલયનું આલેખન, યોગાભ્યાસ, સાંખ્યયોગ દ્વારા મોક્ષપ્રાપ્તિ, ગુણોની સૃષ્ટિ, યોગવિધિ, સાંખ્યવિધિ, વસિષ્ઠ દ્વારા નિરૂપિત ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવર્ણન, વિદ્યા-અવિદ્યાપુરાણશ્રવણફળ વગેરેનો સમાવેશ થયો છે.

આમ આદિપુરાણ નામે ઓળખાતું આ બ્રહ્મપુરાણ સૃષ્ટિવિદ્યા (સર્જન-પ્રલય), વંશ-વંશાનુચરિત, મન્વન્તરકથા જેવા વિષયોને કારણે મુખ્ય પુરાણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ પુરાણમાં શિવચરિત્રનું પ્રમાણ અલ્પ છે. વિષ્ણુના વામન, નરસિંહ અવતારો કરતાં શ્રીકૃષ્ણાવતારનું વિગતે વર્ણન છે. આ પુરાણનું વિશેષ મહત્વ તીર્થમાહાત્મ્યો અને આનુષંગિક કથાઓને કારણે છે. ‘બ્ર’થી શરૂ થતાં પુરાણોમાં આ પ્રથમ અને અગત્યનું મહાપુરાણ છે. બ્રહ્મપુરાણમાં ઋગ્વેદના શાંખાયનબ્રાહ્મણ, ઐતરેયબ્રાહ્મણ અને બૃહદ્-દેવતામાં રહેલાં ઉપાખ્યાનો રજૂ થયાં છે. તેમાં રજૂ થયેલું તત્વજ્ઞાન મુખ્યત્વે સાંખ્ય-યોગનું છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા