બૌદ્ધ ધર્મ : પ્રાચીન ભારતમાં બુદ્ધ દ્વારા સ્થાપિત ધર્મ. શાક્ય વંશના કપિલવસ્તુમાં રાજધાની ધરાવતા રાજા શુદ્ધોદનના પુત્ર, યશોધરાના પતિ અને રાહુલના પિતા બુદ્ધે (મૂળ નામ સિદ્ધાર્થ અથવા સર્વાર્થસિદ્ધ) વૃદ્ધ, રોગી અને શબના આકસ્મિક દર્શનથી ગૃહત્યાગ કરી, બુદ્ધગયામાં બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ કરી જે ધર્મનો ઉપદેશ કર્યો તેનું નામ બૌદ્ધ ધર્મ. આમ બૌદ્ધ ધર્મ બુદ્ધથી આરંભાયેલો. બુદ્ધે સામાન્ય લોકોને તેમની ભાષામાં ઉપદેશેલો. બુદ્ધે સારનાથમાં બૌદ્ધ ધર્મનો પ્રથમ ઉપદેશ આપ્યો. પોતાના કુટુંબને પણ તે ઉપદેશ આપ્યો. એ પછી અનેક સ્થળોએ તેમણે બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપ્યો. આનંદ અને ઉપાલિ નામના શિષ્યોએ બુદ્ધના ઉપદેશોનો અનુક્રમે ‘સુત્તપિટક’ અને ‘વિનયપિટક’માં સંગ્રહ કર્યો. ‘ત્રિપિટક’માં બુદ્ધના ઉપદેશો રજૂ થયા છે. એ બધામાં ‘ધમ્મપદ’ બૌદ્ધ ધર્મનો અતિશય અગત્યનો ગ્રંથ છે. છેલ્લે, કુશિનારામાં બુદ્ધ નિર્વાણ પામ્યા ત્યાં સુધી તેમના ઉપદેશો સતત સંઘરાતા રહ્યા. બુદ્ધના ઉપદેશોને ગ્રંથસ્થ કર્યા છતાં તેમાં રહેલા દોષોવાળા લખાણને સુધારીને રજૂ કરવા માટે મહાકાશ્યપના પ્રમુખપદે રાજગૃહમાં, વૈશાલી નગરીમાં, અશોક દ્વારા પાટલીપુત્રમાં અને અશ્વઘોષના પ્રમુખપદે પુરુષપુરમાં એમ ચાર સંગીતિઓ ભરાઈ. બૌદ્ધ ધર્મનો જે ઉદારમત ધરાવનારો સંપ્રદાય છે તે મહાયાન કહેવાય છે. જ્યારે બૌદ્ધ ધર્મનો જે ચુસ્ત સંપ્રદાય છે તે હીનયાન નામથી ઓળખાય છે. દાર્શનિક વિચારધારા અનુસાર બૌદ્ધ ધર્મના અનેક સંપ્રદાયો છે. બુદ્ધના નિર્વાણ પછી બૌદ્ધ ધર્મના 18 સંપ્રદાયો અસ્તિત્વમાં હોવાનો નિર્દેશ બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે; પરંતુ તેમાંથી 13 સંપ્રદાયો ખૂબ જાણીતા છે : (1) સ્થવિરવાદી, (2) મહીશાસક, (3) સર્વાસ્તિવાદી, (4) હૈમાવત, (5) વાત્સીપુત્રીય, (6) ધર્મગુપ્તિક, (7) કાશ્યપીય, (8) સૌત્રાંતિક, (9) મહાસાંઘિક, (10) બહુશ્રુતીય, (11) ચૈત્યક, (12) માધ્યમિક અને (13) યોગાચાર. લગભગ એક હજાર વર્ષ સુધી બૌદ્ધ ધર્મનું સામ્રાજ્ય ભારતમાં રહ્યું. એમાં બસો વર્ષ સુધી બૌદ્ધ ધર્મ ભારતમાં રાજધર્મ તરીકે મુખ્ય રહ્યો. આઠમી સદી પછી ભારતમાં તેનું જોર ઓછું થયું, પરંતુ ઈ.સ.ની શરૂઆતમાં રાજર્ષિ અશોકે વિદેશોમાં કરેલા બૌદ્ધ ધર્મના પ્રચારને લીધે ભારતના પડોશી દેશોમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો. એ દેશોમાં શ્રીલંકા, ગાંધાર (અફઘાનિસ્તાન), મ્યાનમાર (બ્રહ્મદેશ), ભૂતાન, સિક્કિમ, તિબેટ, થાઇલૅન્ડ, કંબોડિયા, ચીન, જાપાન, કોરિયા, મધ્ય એશિયા, મલાયા, જાવા, સુમાત્રા, ઈસ્ટ ઇંડિઝ ટાપુઓ, સીરિયા, ઇજિપ્ત વગેરે ઉત્તર આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે. પોતાની અનિચ્છા હોવા છતાં પોતાના શિષ્ય આનંદની સમજાવટથી બુદ્ધે પત્ની યશોધરા વગેરે માટે ભિક્ષુણીઓનો સંઘ શરૂ કર્યો અને મહાયાનમાં તંત્રમાર્ગનો પ્રવેશ થતાં બૌદ્ધ ધર્મ નાસ્તિક અને નિરીશ્વરવાદી મટી ગયો અને આસ્તિક તથા સેશ્વરવાદી બની ગયો. આથી હિંદુ ધર્મના આચારવિચાર બૌદ્ધ ધર્મમાં પ્રવેશી ગયા. પરિણામે બ્રાહ્મણોના પૌરાણિક ધર્મ જેવો જ બૌદ્ધ ધર્મ બની ગયો. આથી ભારતમાં આઠમી સદી પછી બૌદ્ધ ધર્મ ગૌણ બની ગયો; પરંતુ વિદેશોમાં તો આજે પણ તેનું એકચક્રી સામ્રાજ્ય પ્રવર્તે છે. ભારતમાં 1891થી બૌદ્ધ ધર્મનું આધુનિક રીતે પુનરુત્થાન શરૂ થયું. 1891માં બુદ્ધગયામાં બૌદ્ધ ધર્મનું આંતરરાષ્ટ્રીય સંમેલન ભરાયું. 1900માં મદ્રાસ(ચેન્નઈ)માં આવું સંમેલન ભરાયું. 1949માં સારિપુત્ત અને મહામોગ્ગલાયનના અવશેષો પરદેશમાંથી ભારતમાં પાછા આવ્યા. 1956માં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા પછાત વર્ગના એક હજાર અનુયાયીઓ સાથે નાગપુરમાં લીધી. આજે પણ જગતના એક મુખ્ય ધર્મ તરીકે બૌદ્ધ ધર્મનું સ્થાન તેના લગભગ બાવન કરોડ અનુયાયીઓના કારણે અવિચળ છે.
બૌદ્ધ ધર્મની કેટલીક એવી વિશિષ્ટતાઓ છે જે અન્ય ધર્મ કરતાં તેને અલગ તારવી આપે છે. સર્વપ્રથમ તો ઈશ્વરને તેઓ સ્વીકારતા નથી; બુદ્ધને જ તેઓ ભગવાન માને છે. વળી બૌદ્ધો ગૃહસ્થ અને ભિક્ષુ બંનેને માટે અલગ નિયમો આપે છે. ભિક્ષુ માટે બૌદ્ધ વિહાર કે મઠમાં રહેવું અને વિધિસરની દીક્ષા લેવી એ ફરજિયાત છે. વળી ભિક્ષુ એક જ સ્થળે વર્ષાઋતુમાં રહે અને ઉપોસથમાં પોતાનાથી થયેલા અપરાધની કબૂલાત કરે તે આવશ્યક છે. એ અપરાધની ગુરુ ક્ષમા આપે કે દંડ કરે તેનો સ્વીકાર ફરજિયાત છે. ગૃહસ્થ પણ ચોક્કસ નિયમો પાળે તેવી અપેક્ષા રખાઈ છે. આથી નિર્વાણપ્રાપ્તિ માટે (1) શ્રાવકયાન, (2) પ્રત્યેકબુદ્ધયાન અને (3) બોધિસત્વયાન – એમ ત્રણ માર્ગો બૌદ્ધ ધર્મે સ્વીકાર્યા છે. આ ધર્મમાં ઊંચ-નીચનો ભેદ નથી, બધા જ સમાન છે. પશુવધની નિંદા બૌદ્ધ ધર્મનો મુખ્ય મુદ્દો છે. તેથી અહિંસાનો પ્રચાર બૌદ્ધ ધર્મનો પાયાનો સિદ્ધાન્ત છે. વળી બૌદ્ધ ધર્મમાં જલશુદ્ધિ કરતાં ચારિત્ર્યશુદ્ધિ પર ભાર મૂકવામાં આવ્યો છે. ભિક્ષુઓને સગવડ આપવાનું ગૃહસ્થનું આવશ્યક કર્તવ્ય ગણાવવામાં આવ્યું છે.
બૌદ્ધ ધર્મ મધ્યમમાર્ગી છે. શરીરને અતિશય કષ્ટ કે અતિશય ભોગવિલાસ એ બેમાંથી વચલો રસ્તો અર્થાત્ મધ્યમમાર્ગ આ ધર્મ સ્વીકારે છે. તેથી અતિશય કષ્ટ અને અતિશય ભોગવિલાસનો નિષેધ છે. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય (ચોરી ન કરવી) અને અપરિગ્રહ (બીજાની વસ્તુ ન લેવી) એ પાંચ પંચશીલ કહેવાય છે અને તે ગૃહસ્થ તેમજ ભિક્ષુ બંને માટે જરૂરી છે. વ્યભિચાર અને માદક દ્રવ્યોનો નિષેધ કરવામાં આવ્યો છે. ભિક્ષુઓ માટે ઉપરનાં પંચશીલ ઉપરાંત બીજાં પંચશીલ પણ પાળવાં આવશ્યક છે. તેમાં (1) રાત્રિએ ભોજનનો નિષેધ, (2) સુગંધિત દ્રવ્યોનો ત્યાગ, (3) ભૂમિ પર શયન, (4) નૃત્યગીત વગેરેનો નિષેધ અને (5) સુવર્ણ વગેરેથી દૂર રહેવું – એ પાંચ બાબતોનો સમાવેશ થાય છે. વળી વિવેકબુદ્ધિથી જો સત્ય જણાય તો જ તેનું ગ્રહણ કરવું એવો બુદ્ધનો ઉપદેશ છે. ગુરુ કહે માટે સત્ય જ છે એવી અંધશ્રદ્ધાનો નિષેધ બુદ્ધ કરે છે એ સ્પષ્ટ છે. બૌદ્ધ ધર્મ આ પાપોથી દૂર રહેવાનો ઉપદેશ આપે છે : (1) પરધન અને (2) હિંસાની ઇચ્છાઓ કરવી તથા (3) દાન વગેરેમાં અશ્રદ્ધા – એ ત્રણ માનસિક પાપોથી દૂર રહેવું. (1) અસત્ય બોલવું, (2) નિંદા કરવી, (3) ગાળાગાળી કરવી અને (4) બકવાસ કરવો – એ ચાર વાચિક પાપોથી દૂર રહેવું, (1) હિંસા કરવી (2) ચોરી કરવી અને (3) વ્યભિચાર કરવો – એ ત્રણ શારીરિક પાપોથી દૂર રહેવું. પ્રાણીમાત્ર માટે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા રાખવી – એ બૌદ્ધ ધર્મમાં અગત્યનો સિદ્ધાન્ત છે. અવેરથી જ વેરની શાંતિ થાય છે તેથી અવેર પર બૌદ્ધ ધર્મમાં ભાર મૂકવામાં આવ્યો છે. અપ્રમાદ અને જાગરૂકતા કેળવી ચિત્ત પર કાબૂ રાખી માર(કામદેવ)થી દૂર રહેવું – એવો આ ધર્મનો મહત્વનો નિયમ છે. લોભ, દ્રોહ, ક્રોધ, પાખંડ, અસહનશીલતા, ક્રૂરતા, ઈર્ષ્યા, માત્સર્ય, શઠતા, જડતા, હિંસા, માન, અતિમાન, મદ, છેતરપિંડી, પ્રમાદ – એ 16 મળોથી દૂર કહેવાની વાત ‘ધમ્મપદ’માં ભારપૂર્વક કહેવામાં આવી છે.
બુદ્ધમંદિરોમાં રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન – એ પાંચ સ્કંધોના અધિષ્ઠાતા વૈરોચન, રત્નસંભવ, અમિતાભ, અમોઘસિદ્ધિ અને અક્ષોભ્ય નામના પાંચ ધ્યાનીબુદ્ધો છે. પ્રત્યેક ધ્યાનીબુદ્ધનાં વર્ણ, મુદ્રા, આયુધ, કિરીટ, વાહન, કુળ, બીજમંત્ર વગેરે ભિન્ન છે. એ ધ્યાનસ્થ બુદ્ધની મૂર્તિ દેવમંદિરમાં મૂકવામાં આવતી. દેવીઓ અને દેવોની મૂર્તિઓ મૂકવાનો આરંભ પાછળથી થયો છે. આવા ચૈત્યમાં જઈને ચર્યા એટલે નિત્ય અને નૈમિત્તિક આચાર પાળવાનો વિધિ કરવો પડે છે. એ પછી ચૈત્યવંદના, બોધિવંદના, ત્રિશરણ (બુદ્ધ, ધર્મ અને સંઘને શરણે જવાની વાત), પંચશીલ, અષ્ટશીલ, પરિત્રાણપાઠ – એ નિત્ય આચાર છે; જ્યારે નૈમિત્તિક આચારોમાં ગર્ભમંગલ, નામકરણ, અન્નપ્રાશન, કેશમુંડન, કર્ણવેધ, વિદ્યારંભ વગેરેનો સમાવેશ થાય છે. વળી બૌદ્ધ ધર્મના ધાર્મિક તહેવારોમાં વૈશાખ, જેઠ, અષાઢ, આશ્વિન, માઘ અને ફાગણની પૂર્ણિમાઓ તેમજ નાગપંચમી, વસંતપંચમી અને વિજયાદશમી વગેરે ઊજવવામાં આવે છે.
બૌદ્ધ ધર્મ એકલો નિરીશ્વરવાદી જ નથી; તે ક્ષણભંગવાદી અથવા અનિત્યવાદી પણ છે. તેઓ માને છે કે દરેક વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામે છે. ફલત: બધી વસ્તુઓ અનિત્ય છે. ઈશ્વરને તેઓ માનતા નથી, પરંતુ આત્માને પણ તેઓ બીજી વસ્તુઓની જેમ અનિત્ય માને છે. આત્મા પ્રત્યેક ક્ષણે બદલાયા કરે છે એવી તેમની માન્યતા છે. બૌદ્ધ ધર્મ પુનર્જન્મને પૌરાણિક હિંદુ ધર્મની જેમ જ સ્વીકારે છે. બુદ્ધના પૂર્વજન્મોને ‘ત્રિપિટક’માં બોધિસત્વ તરીકે ઓળખે છે. દાર્શનિક રીતે તેઓ નિર્વાણનો અર્થ દુ:ખોનો નાશ અને પરમ સુખની પ્રાપ્તિ એવો કરે છે. બુદ્ધને, ધર્મને અને સંઘને શરણે જવામાં ઉપાસકને વિશ્વાસ હોય છે. બૌદ્ધ ધર્મમાં (1) દુ:ખ (2) દુ:ખસમુદય (3) દુ:ખનિરોધ અને (4) દુ:ખનિરોધગામિની પ્રતિપદ્ – એ ચાર આર્ય સત્યોનું સ્થાન અનોખું છે. એ દ્વારા સંસાર દુ:ખરૂપ છે, દુ:ખનો સમુદય સુખની તૃષ્ણાના કારણે થાય છે, એ તૃષ્ણાના નાશથી દુ:ખનાશ થાય છે અને દુ:ખનાશક આર્ય અષ્ટાંગિક માર્ગ નિર્વાણ પ્રાપ્ત કરાવે છે. (1) સમ્યગ્ જ્ઞાન, (2) સમ્યક્ સંકલ્પ, (3) સમ્યગ્ વચન, (4) સમ્યક્ કર્મ, (5) સમ્યગ્ આજીવ, (6) સમ્યક્ પ્રયત્ન, (7) સમ્યક્ સ્મૃતિ અને (8) સમ્યક્ સમાધિ – એ આઠ આર્ય અષ્ટાંગિક માર્ગ તરીકે ઓળખાય છે. પ્રજ્ઞા, શીલ અને સમાધિ – એ ત્રણને ત્રિરત્ન કહ્યાં છે. એનું વિસ્તૃત રૂપ આર્ય અષ્ટાંગિક માર્ગમાં જોવા મળે છે. આ રીતે બૌદ્ધ ધર્મના દાર્શનિક ર્દષ્ટિકોણની વાત પણ આ ધર્મને સરળ બનાવે છે.
બૌદ્ધ ધર્મમાં તંત્રમાર્ગ અને બૌદ્ધ ન્યાય – એ બે બાબતમાં ઘણો વિકાસ થયો છે. લગભગ પહેલી સદી પહેલાંથી તંત્રમાર્ગનો પ્રવેશ થયો તેનો ઉલ્લેખ ‘વિદ્યાધરપિટક’ નામના ગ્રંથમાં સર્વપ્રથમ મળે છે; જ્યારે ‘તથાગતગુહ્યક’ એ તો બૌદ્ધ ધર્મનો તંત્રશાસ્ત્રનો પહેલવહેલો સ્વતંત્ર ગ્રંથ છે. આ તંત્રશાસ્ત્રમાં આત્મા અને પરમાત્માનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાથી બૌદ્ધ ધર્મ નિરીશ્વરવાદી હોવા છતાં તે સેશ્વરવાદી બની ગયો. અલબત્ત, બૌદ્ધ તાંત્રિકોએ તંત્રશાસ્ત્રનો ચરમ સીમા સુધી વિકાસ કર્યો. એવો જ વિકાસ ન્યાયશાસ્ત્રમાં પણ બૌદ્ધ નૈયાયિકોએ સાધ્યો; પરંતુ શંકરાચાર્યે બૌદ્ધ ન્યાયને આધાર તરીકે લઈ તેમના જ તર્કથી તેમનું ખંડન કર્યું. આજે તો વિશ્વના મુખ્ય ધર્મોમાં તે વ્યાપક રીતે સુપ્રતિષ્ઠિત છે.
પ્ર. ઉ. શાસ્ત્રી