બૌદ્ધ દર્શન : ભારતનું એક નાસ્તિક દર્શન. જૈન અને ચાર્વાક મતોની જેમ વેદોના પ્રામાણ્યનો અસ્વીકાર કરવાને લઈને બૌદ્ધ મત પણ નાસ્તિક મત ગણાયો છે અને તેથી એનો ષડ્દર્શનોની શ્રેણીમાં સ્વીકાર થયો નથી. બૌદ્ધ દર્શન વૈવિધ્યપૂર્ણ, ગંભીર અને વિસ્તૃત છે. બૌદ્ધ દાર્શનિક ચિંતનના મુખ્ય છ સંપ્રદાયો છે : થેરવાદ, વૈભાષિક દર્શન (સર્વાસ્તિવાદ), સૌત્રાન્તિક, માધ્યમિક (શૂન્યવાદ), વિજ્ઞાનવાદ અને બૌદ્ધ ન્યાય.

થેરવાદ આચારપ્રધાન અને યોગપ્રધાન હોવા છતાં કેટલીક મહત્વની દાર્શનિક વિચારણા તેમાં પ્રાપ્ત છે.

પ્રાણીના વ્યક્તિત્વનું પૃથક્કરણ કરતાં બૌદ્ધ થેરવાદી ચિંતકોને પાંચ સ્કંધો હાથ લાગ્યા. આ પાંચ સ્કંધો છે – રૂપ (ભૂત-ભૌતિક પદાર્થો તેમજ દેહ), વિજ્ઞાન (અનુભવાત્મક વિષયાકાર જ્ઞાન), સંજ્ઞા (સ્મૃતિ અને સ્મૃતિજન્ય સવિચાર જ્ઞાન), વેદના (સુખ-દુ:ખવેદન) અને સંસ્કાર (વાસના). આ પાંચ અવયવરૂપ સ્કંધોથી અતિરિક્ત સ્વતંત્ર અવયવીરૂપ કોઈ પરમાર્થ વ્યક્તિત્વ નથી. અલબત્ત, વ્યાવહારિક વ્યક્તિત્વ છે, તેને પુદગલ કહેવામાં આવે છે. સ્કંધોનો નિરોધ થતાં પુદગલનો નિરોધ થાય છે. થેરવાદી ચિંતકોનો મહત્વનો એક સિદ્ધાંત પ્રતીત્ય-સમુત્પાદવાદ છે. તેનો અર્થ છે ‘પ્રત્યયો (= કારણો) દ્વારા ઉત્પત્તિનો નિયમ’. ‘આ હોય તો આ થાય અને આ ન હોય તો આ ન થાય’ એવો કાર્યકારણનો નિયમ જ પ્રતીત્ય-સમુત્પાદવાદ છે. એક બાજુ આ નિયમ અવિચલ કાર્યકારણભાવને આધારે દુ:ખનિરોધની શક્યતા દર્શાવે છે, તો બીજી બાજુ તે બધા જ આંતર અને બાહ્ય પદાર્થોને અનિત્ય અને પ્રતીત્યસમુત્પન્ન દેખાડી કૂટસ્થનિત્ય જેવું કોઈ તત્વ નથી એવી બુદ્ધિ જન્માવે છે.

પ્રતીત્ય-સમુત્પાદવાદનું સૂક્ષ્મ રૂપ ક્ષણભંગવાદ છે. આ વાદ અનુસાર જગતની બધી વસ્તુઓ ક્ષણિક છે. બુદ્ધે પોતે શાશ્વતવાદ અને ઉચ્છેદવાદ વચ્ચેનો માર્ગ (મધ્યમ માર્ગ) સ્વીકાર્યો છે. તેમણે કહ્યું છે કે એવી  કોઈ ચીજ નથી જે અત્યંત અપરિવર્તિષ્ણુ હોય, શાશ્વત હોય. તેમણે સાથે સાથે એમ પણ કહ્યું છે કે કોઈ પણ વસ્તુનો ઉચ્છેદ થતો નથી. વસ્તુ શાશ્વત પણ ન હોય અને ઉચ્છેદ પામતી પણ ન હોય તો પછી તે કેવી હોય ? તે વસ્તુ એક ક્ષણ જ ટકનારી, પરંતુ પોતાના પછી પોતાના જેવી જ બીજી વસ્તુને જન્મ આપી મૂકી જનારી હોય. જેને આપણે સ્થિર યા નિત્ય વસ્તુ માનીએ છીએ તે ખરેખર તો અનેક એકસરખી ક્ષણિક વસ્તુઓની ધારા છે, જેમાં પૂર્વ પૂર્વની વસ્તુ ઉપર ઉત્તર ઉત્તરની વસ્તુના અસ્તિત્વનો આધાર છે, કારણ કે તેઓ એકબીજી સાથે કાર્યકારણરૂપે સંબદ્ધ છે. આવી ધારાને સંતાન યા સંતતિ કહેવામાં આવે છે.

બધી જ વસ્તુઓને પ્રતીત્ય-સમુત્પન્ન માનનાર અપરિવર્તિષ્ણુ કૂટસ્થનિત્ય આત્માને કેવી રીતે સ્વીકારી શકે ? આ અર્થમાં બૌદ્ધો અનાત્મવાદી છે. બૌદ્ધોને મતે ચિત્ત જ ચેતનતત્વ છે. ચિત્તથી પર આત્મા જેવું કંઈ છે જ નહિ. ચિત્ત સ્વભાવથી પ્રકાશમય છે અને તેના મળો આગન્તુક છે. આગન્તુક મળોને દૂર કરી ચિત્તને (ચિત્તસંતતિને) શુદ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરવા માટેનો જ બુદ્ધનો પરમ ઉપદેશ છે.

જગતની દરેક વસ્તુ પોતાના અસ્તિત્વ માટે પોતાના કારણને અધીન છે, તેને ઈશ્વરનું કોઈ પ્રયોજન નથી. પ્રતીત્ય-સમુત્પાદવાદનો આ ફલિતાર્થ છે. તેથી બુદ્ધે ઈશ્વરનો સ્વીકાર કર્યો નથી. જગતનો કોઈ એક કર્તા તેમને માન્ય નથી. સુખદુ:ખનું કારણ પોતાનાં પૂર્વકર્મો જ છે. સુખદુ:ખના દાતા તરીકે ઈશ્વરને માનવાની જરૂર નથી.

કર્મસિદ્ધાંત ભગવાન બુદ્ધના નૈતિક આદર્શવાદની આધારશિલા છે. કર્મ જ સુખ-દુ:ખરૂપ ફળનું કારણ છે અને કર્મ જ પુનર્જન્મનું કારણ છે. આ જન્મમાં કરેલાં કેટલાંક કર્મોનું ફળ આ જન્મમાં મળતું નથી; પરંતુ તેમનું ફળ તો કાર્યકારણના નિયમ અનુસાર મળવું જોઈએ. માટે, પુનર્જન્મનો સ્વીકાર કરવો પડે છે. બૌદ્ધ ધર્મ કૂટસ્થનિત્ય આત્માને માનતો ન હોવા છતાં કર્મ અને પુનર્જન્મમાં માને છે. તેના અનુસાર જે ચિત્તસંતાન કર્મ કરે છે તે ચિત્તસંતાન જ તેનું ફળ ભોગવે છે અને તેનો જ પુનર્જન્મ થાય છે.

સંપૂર્ણ દુ:ખનિરોધ એ જ નિર્વાણ છે. પાંચ સ્કંધોનો નિરોધ થતાં પુદગલનો પણ નિરોધ થઈ જાય છે અને કેવળ શુદ્ધ ચિત્તધારા જ રહે છે. ચિત્તમાં કોઈ વૃત્તિ ઊઠતી નથી. બધી જ વૃત્તિઓ શાંત થઈ જાય છે. ચિત્તમાં બાહ્ય વિષયનો આકાર પણ ઊઠતો નથી. ચિત્તમાં વિચાર પણ ઊઠતો નથી, ચિત્તને કોઈ વેદન પણ થતું નથી અને ચિત્ત સંસ્કારોથી પણ મુક્ત થઈ જાય છે. આ વૃત્તિરહિતતા અને નિર્મળતા જ નિર્વાણ છે. એક વાર ચિત્ત આવી અવસ્થાને પામે છે, પછી તે તેમાંથી ચ્યુત થતું નથી. આ અર્થમાં નિર્વાણને અચ્યુત અને નિત્ય ગણવામાં આવે છે, નિર્વાણ અમૃત પદ છે; તે અજર છે, નિષ્પ્રપંચ છે, શિવ છે, વિશુદ્ધિ છે અને ત્રાણ છે.

પ્રત્યક્ષનો અર્થ છે વર્તમાન વિષયનું જ્ઞાન; પરંતુ ક્ષણિકવાદમાં જ્યારે વિષયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે વિષય તો નાશ પામ્યો હોય છે, જ્યારે વિષય હોય છે ત્યારે તેનું જ્ઞાન નથી હોતું અને જ્યારે તેનું જ્ઞાન થાય છે ત્યારે વિષય નથી હોતો. આમ ક્ષણિકવાદમાં પ્રત્યક્ષ અશક્ય બની જાય છે. આ અશક્યતાના નિવારણ માટે થેરવાદીઓ ક્ષણિકવાદનો અંશત: ત્યાગ કરે છે. તેઓ સત્તર ચિત્તક્ષણોને એક રૂપધર્મનું આયુ ગણે છે. અર્થાત્ ચિત્તક્ષણ કરતાં રૂપધર્મ(બાહ્ય ભૌતિક વસ્તુ)ની ક્ષણ વધુ વિસ્તૃત છે. આને પરિણામે પોતાનું જ્ઞાન થાય ત્યાં સુધી વસ્તુનું ટકવું સંભવે છે. ધર્મ (વસ્તુ) ક્ષણિક છે એ થેરવાદીનો સિદ્ધાંત છે, જ્યારે વૈભાષિકોના મતે બધાનું અસ્તિત્વ છે (सर्वमस्ति). અર્થાત્, વર્તમાન ધર્મોની જેમ અતીત અને અનાગત ધર્મો પણ અસ્તિત્વ ધરાવે છે. કેવી રીતે ? વૈભાષિકોનું કહેવું છે કે ધર્મમાં ‘ધર્મસ્વભાવ’ અને ‘ધર્મલક્ષણ’ બે પાસાં છે. ધર્મસ્વભાવ સર્વદા ત્રણેય કાળમાં અસ્તિત્વ ધરાવે છે, જ્યારે ધર્મલક્ષણ જ ક્ષણિક છે. ધર્મલક્ષણ ધર્મનો ક્રિયાકારી બાહ્ય ર્દશ્યમાન રૂપમાં પ્રાદુર્ભાવ થાય છે. વૈભાષિકોનો આ સિદ્ધાંત સર્વાસ્તિવાદ કહેવાય છે અને તેથી તેઓ સર્વાસ્તિવાદીઓ કહેવાય છે. આ વાદ બૌદ્ધ ધર્મના સામાન્ય ક્ષણિકવાદ સાથે સુસંગત નથી, પરંતુ સાંખ્યના પરિણામવાદ સાથે તેનું સામ્ય છે.

વળી વૈભાષિકોએ નિકાયસભાગતાના નામે સ્વતંત્ર સામાન્ય પદાર્થનો સ્વીકાર કર્યો છે.

પ્રત્યક્ષની બાબતમાં ચિત્તક્ષણ અને રૂપક્ષણનાં બે ભિન્ન ધોરણો સ્વીકાર્યાં વિના વૈભાષિકો પ્રત્યક્ષને ઘટાવે છે. તેઓ જ્ઞાનને વિષયનું ગ્રાહક માનતા નથી. તેઓ વિષયને જ્ઞાનનો સહભૂહેતુ માને છે. અર્થાત્ વિષય અને જ્ઞાન (તેમજ ઇન્દ્રિય) એક કાળે યુગપદ્ ઉત્પન્ન થાય છે. તેઓ વિષય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય માને છે. ઇન્દ્રિય પણ જ્ઞાનસહભૂ હોવા છતાં જ્ઞાન ઇન્દ્રિયનું થતું નથી, પણ વિષયનું થાય છે; કારણ કે સારૂપ્ય ઇન્દ્રિય અને જ્ઞાન વચ્ચે નથી, પરંતુ વિષય અને જ્ઞાન વચ્ચે છે.

સૌત્રાન્તિકદર્શનના ત્રણ સિદ્ધાંતો મહત્વના છે : ક્ષણભંગવાદ, અપોહવાદ અને પ્રત્યક્ષ સિદ્ધાંત.

સૌત્રાન્તિકો વસ્તુનું ત્રૈકાલિક અસ્તિત્વ સ્વીકારતા નથી. તેમના મતે વર્તમાન ક્ષણ જ અસ્તિત્વ ધરાવે છે. અલબત્ત, પૂર્વની ઘટનાની પછીની ઘટના પરની અસરને તેઓ નકારતા નથી; પરંતુ તેને તેઓ ક્ષણોના સંતાનમાં ઉદભવતા ક્રમિક પરિવર્તન દ્વારા સમજાવે છે. પરિવર્તનની શક્યતા ક્ષણમાં તો છે જ નહિ. તે તો ઉત્પન્ન થતાં જ નાશ પામે છે અને તેની જગ્યા તજ્જન્ય બીજી ક્ષણ લે છે. એક સંતાનગત બધી ક્ષણોનો સ્વભાવ પોતપોતાના કારણભૂત પૂર્વક્ષણથી નિયત છે. ક્ષણિકતા વસ્તુનો સ્વભાવ હોઈ વસ્તુને પોતાના નાશ માટે કશાની અપેક્ષા નથી. આમ ક્ષણભંગવાદમાંથી જ નિર્હેતુક વિનાશવાદ ફલિત થાય છે. ક્ષણભંગવાદની સ્થાપના સૌત્રાન્તિકોએ સમર્થપણે કરી છે. લગભગ સૌ દાર્શનિકોએ સતનું લક્ષણ અર્થક્રિયાકારિતા (કાર્ય કરવું તે) સ્વીકાર્યું છે. જે કાર્ય કરે છે તે સત્ છે અને જે કાર્ય કરતું નથી તે અસત્ છે. સ્થાયી વસ્તુમાં અર્થક્રિયાકારિતા ઘટતી નથી એ તર્કબદ્ધ રીતે સૌત્રાન્તિકોએ સિદ્ધ કર્યું છે. સ્થાયી વસ્તુને વિશે પ્રશ્ન ઉદભવે છે કે તે પોતાનાં બધાં કાર્યો ક્રમથી કરે છે કે અક્રમથી ? બંને વિકલ્પોમાંથી ગમે તે સ્વીકારો, સ્થાયી વસ્તુની બાબતમાં કાર્ય કરવું ઘટશે જ નહિ. સૌત્રાન્તિકોના મતે વસ્તુનો વિનાશ કરનારું કોઈ કારણ જ નથી. તે વિનાશ નિર્હેતુક છે. શું લાકડીનો પ્રહાર ઘટના વિનાશનું કારણ નથી ? જો વિનાશને પોતાનાં કારણો હોય જ નહિ તો અહીં લાકડી વગેરે નાશક માધ્યમોનું કાર્ય શું છે ? સૌત્રાન્તિક કહે છે કે લાકડીનું કાર્ય ઘટનો નાશ કરવાનું નથી, પરંતુ ઘટસંતતિની જગ્યાએ વિસર્દશ ઠીકરાંની સંતતિ ઉત્પન્ન કરવાનું છે. ઘટક્ષણોનો નાશ તો એના સ્વભાવથી થયા જ કરે છે. જો લાકડીનો પ્રહાર ઘટસંતતિ ઉપર ન થયો હોય તો ઘટક્ષણો જ ઉત્પન્ન થાત; પરંતુ લાકડીને કારણે ઘટક્ષણના સ્વાભાવિક નાશ પછી ઠીકરાંની ક્ષણ ઉત્પન્ન થઈ. વિનાશને કારણ અપેક્ષિત નથી; ઉત્પત્તિને જ કારણની અપેક્ષા છે.

સૌત્રાન્તિકો વસ્તુની દેશવ્યાપ્તિ કે કાલવ્યાપ્તિ સ્વીકારતા નથી. કાલવ્યાપ્તિનો અસ્વીકાર ક્ષણભંગવાદમાં પરિણમ્યો અને દેશવ્યાપ્તિનો અસ્વીકાર અપોહવાદમાં પરિણમ્યો. વૈશેષિકો અનેક વ્યક્તિઓમાં અનુગત એક નિત્ય સામાન્ય સ્વીકારે છે. સૌત્રાન્તિકો તેનું ખંડન કરે છે. સૌત્રાન્તિકોના મતે ગોત્વ જેવું કોઈ સામાન્ય નથી. જેને ગોત્વ કહેવામાં આવે છે તે તો કેવળ અગોવ્યાવૃત્તિ છે, અગોઅપોહ છે. આ અગોવ્યાવૃત્તિ બધી ગોવ્યક્તિઓમાં હોવાથી આપણને બધી ગાયોમાં એકત્વનું યા સાર્દશ્યનું જ્ઞાન થાય છે. એક જ ગાયને અગોવ્યાવૃત્ત હોવાથી ગાય કહેવામાં આવે છે, અપશુવ્યાવૃત્ત હોવાથી  પશુ કહેવામાં આવે છે, અદ્રવ્યવ્યાવૃત્ત હોવાથી દ્રવ્ય કહેવામાં આવે છે. આવી રીતે વ્યાવૃત્તિઓના ભેદથી જાતિભેદની કલ્પના કરવામાં આવે છે. જેટલી પરવસ્તુઓ હોય તેટલી વ્યાવૃત્તિઓ એક વસ્તુમાં કલ્પી શકાય. એટલે જ સામાન્યબુદ્ધિ(=એકાકાર બુદ્ધિ)નો વિષય વસ્તુસત્ સામાન્ય નથી પરંતુ અન્યાપોહ (= અન્યવ્યાવૃત્તિ) જ છે.

પ્રત્યક્ષની બાબતમાં સૌત્રાન્તિકો વૈભાષિકની સહભૂહેતુની માન્યતાનું ખંડન કરે છે અને જણાવે છે કે જે બે સહભૂ હોય તેમની વચ્ચે કાર્યકારણભાવ ન હોય. તેથી સૌત્રાન્તિકો અનુસાર પ્રત્યક્ષ જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેનો વિષય ક્ષણિક હોઈ નાશ પામી ગયો હોય છે. તો પછી તેને તે વિષયનું પ્રત્યક્ષ કેમ ગણી શકાય ? આ પ્રશ્નનો ઉત્તર આપતી વેળા સૌત્રાન્તિકો સારૂપ્યની માન્યતાનો આશરો લે છે. તેઓ કહે છે કે ઇન્દ્રિયો મારફત વિષય પ્રથમ ક્ષણે ચિત્ત ઉપર પોતાની છાપ (સારૂપ્ય) પાડે છે અને આ છાપ દ્વારા આપણે બીજી ક્ષણે વિષયનું પ્રત્યક્ષ કરીએ છીએ. આમ સૌત્રાન્તિક અનુસાર વિષયનું સાક્ષાત્ પ્રત્યક્ષ થતું નથી, પરંતુ જ્ઞાનગત વિષયના સારૂપ્ય દ્વારા વિષયનું પ્રત્યક્ષ થાય છે. આવો સૌત્રાન્તિકોનો મત હોવાથી તેમને બાહ્યાર્થાનુમેયવાદી ગણવામાં આવે છે.

એક વાર સ્વીકારાયું કે બાહ્ય વિષયનું સાક્ષાત્ પ્રત્યક્ષ થતું જ નથી, પણ તેણે ચિત્ત પર પાડેલી છાપનું જ પ્રત્યક્ષ થાય છે એટલે વિજ્ઞાનવાદનો માર્ગ મોકળો થઈ ગયો. વિજ્ઞાનવાદે જણાવ્યું કે બાહ્ય વિષય જ નથી, કેવળ વિજ્ઞાન જ છે અને જ્ઞાનગત છાપ યા આકાર એ બાહ્ય વિષયનો છે એવું કહેવાને કોઈ આધાર નથી; તે તો વિજ્ઞાનનો પોતાનો આકાર છે. વિજ્ઞાનવાદી પોતાના મતના સમર્થનમાં જે મુખ્ય તર્કો આપે છે તે નીચે મુજબ છે : (1) જ્ઞાન પોતે જ પોતાને જાણે છે (સ્વસંવેદન). જ્ઞાન પોતાના પ્રકાશ યા પ્રાક્ટ્ય માટે બીજા જ્ઞાન ઉપર કે બીજી કોઈ ચીજ ઉપર આધાર રાખતું નથી. એટલે જ્ઞાનને ગ્રાહ્ય વિષય તરીકે બાહ્ય વસ્તુની જરૂર નથી. (2) જ્યારે આપણે પ્રત્યક્ષથી ‘નીલ’ને જાણીએ છીએ ત્યારે ‘નીલ’ અને ‘નીલજ્ઞાન’ એ બેની પ્રતીતિ સદા સાથે જ થાય છે. આ ઉપરથી જણાય છે કે તે બંને એક જ વસ્તુ છે. જે વસ્તુઓ અલગ હોય છે તેમનું જ્ઞાન કોઈ વાર તો અલગ થાય છે જ; પરંતુ અહીં તો એવું થતું નથી. એટલે તે બંને એક જ વસ્તુ હોવી જોઈએ. જ્ઞાનને માનવું અનિવાર્ય હોઈ નીલજ્ઞાન જ સત્ વસ્તુ છે અને નહિ કે નીલ બાહ્ય વસ્તુ.

વિજ્ઞાનવાદી ક્ષણિક વિજ્ઞાનને જ સત્ માને છે. તેઓ વિજ્ઞાનનાં અનેક સંતાનો (continuums) માને છે. તેઓ સતની ત્રણ કોટિ સ્વીકારે છે : પરમાર્થ સત્, સંવૃત્તિ સત્ અને પરિકલ્પિત સત્.

શૂન્યવાદી અનુસાર ક્ષણિક બાહ્ય વસ્તુ કે ક્ષણિક વિજ્ઞાન સત્ નથી. ‘પ્રતીત્યસમુત્પાદ’નો અર્થ હતો ‘કારણ હોતાં કાર્યનું ઉત્પન્ન થવું’; પરંતુ શૂન્યવાદે પ્રતીત્યસમુત્પાદને એક ડગલું આગળ વધાર્યો. ‘એના હોતાં (= કારણના હોતાં) આ (= કાર્ય) ઉત્પન્ન થાય છે’ એનો અર્થ એ છે કે પ્રત્યેક વસ્તુ પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર આધાર રાખે છે. કોઈ વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ નથી; અર્થાત્, કોઈ વસ્તુને પોતાનો સ્વભાવ નથી. બધી વસ્તુઓ નિ:સ્વભાવ છે, સ્વભાવશૂન્ય છે, શૂન્ય છે.

શૂન્યવાદી નાગાર્જુન તો બુદ્ધિએ પોતે ઊભી કરેલી ગતિ, કાલ, આત્મા વગેરે બધી જ વિભાવનાઓને પ્રસંગાનુમાન (reductio ad absurdum) વડે ઠાલી, શૂન્ય પુરવાર કરે છે. ખરેખર તેમનો આશય બુદ્ધિની ક્ષુદ્રતા, એનો dialectical સ્વભાવ પ્રગટ કરવાનો છે. બુદ્ધિ સ્વયં પોતાની પરીક્ષા કરે છે. બુદ્ધિ દ્વારા બુદ્ધિની ક્ષુદ્રતાનું ભાન થતાં પ્રજ્ઞાનો ઉદય થાય છે, સાક્ષાત્કાર થાય છે. આ પ્રજ્ઞા જ પરમ તત્વ છે. તે સ્વતંત્ર છે. તે લક્ષણશૂન્ય છે, અલક્ષણ છે. તે સત્ પણ નથી, અસત્ પણ નથી. તે સત્ અને અસત્ બંને રૂપ પણ નથી, તેમજ તે સત્ અને અસત્ – બંને રૂપથી ભિન્નરૂપ પણ નથી. તે ચતુષ્કોટિવિનિર્મુક્ત છે. તે ર્દષ્ટિશૂન્ય છે. તે બધી ર્દષ્ટિઓથી પર છે.

બૌદ્ધ ન્યાયના પ્રણેતા દિઙ્નાગને ગણવામાં આવે છે. તેમણે જ્ઞાનના બે ભેદ કર્યા : અનુભવાત્મક (= નિર્વિકલ્પક) અને વિચારાત્મક યા સ્મરણાત્મક (= સવિકલ્પક). આ બંને પ્રકારો પરસ્પરવ્યાવૃત્ત છે. અનુભવાત્મક જ્ઞાન જ વસ્તુને યથાર્થ જાણે છે; પરંતુ આ અનુભવાત્મક જ્ઞાન નિશ્ચયાત્મક નથી, અર્થાત્ તે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય વગેરે કલ્પનાઓથી રહિત છે. તેમાં પૂર્વાપરાનુસંધાન છે જ નહિ એટલે તે શબ્દશૂન્ય છે, વિચારશૂન્ય છે. વિચારાત્મક જ્ઞાન યા સ્મરણાત્મક જ્ઞાનમાં પૂર્વાપરાનુસંધાન, વિચાર અને કલ્પનાઓ હોય છે. તેથી તે વસ્તુને યથાર્થ જાણતું નથી. તે વસ્તુને તેના શુદ્ધ રૂપે જાણતું નથી. તે વસ્તુ ઉપર કલ્પનાઓનો આરોપ કરે છે. તે વસ્તુને વિકૃત રૂપે જાણે છે. તે નિશ્ચયાત્મક છે.

આ જ્ઞાનસિદ્ધાંતનું મૂળ દિઙ્નાગના પ્રમેયદ્વૈવિધ્યના સિદ્ધાન્તમાં છે. પ્રમેયના બે પ્રકાર છે : સ્વલક્ષણ અને સામાન્ય લક્ષણ. સ્વલક્ષણ સર્વથા વિશેષરૂપ તત્વ છે. તેની બાબતમાં દેશવ્યાપ્તિ કે કાલવ્યાપ્તિ સંભવતી નથી. તે જ અર્થક્રિયાકારી છે અને તેથી તે જ સત્ છે. સામાન્ય લક્ષણ અતદ્વ્યાવૃત્તિરૂપ, અન્યાપોહરૂપ છે. તે નિષેધરૂપ છે અને કાલ્પનિક છે. તે અર્થક્રિયાકારી નથી અને તેથી સત્ નથી.

પ્રમેય બે પ્રકારનાં હોવાથી પ્રમાણો પણ બે પ્રકારનાં છે. પ્રત્યક્ષ (અનુભવ) અને અનુમાન. પ્રત્યક્ષ સ્વલક્ષણને જ ગ્રહણ કરે છે. અનુમાનનો વિષય સામાન્ય લક્ષણ છે. આ કારણે અનુમાનને ભ્રાન્ત ગણવામાં આવ્યું છે. અહીં પ્રશ્ન થાય કે જો એ ભ્રાન્ત હોય તો પ્રમાણ શેનું અને પ્રમાણ હોય તો ભ્રાન્ત શેનું ? ભ્રાન્તિ બે પ્રકારની હોય છે – વિસંવાદી અને અવિસંવાદી. અનુમાન અવિસંવાદી ભ્રાન્તિ છે માટે તેને પ્રમાણ ગણ્યું છે. અનુમાનથી ગૃહીત સામાન્ય લક્ષણ પરંપરાથી સ્વલક્ષણ સાથે સંબદ્ધ હોવાથી જ્ઞાતાની પ્રવૃત્તિ સફળ થાય છે. આમ અનુમાન જે વસ્તુ સ્વલક્ષણરૂપ છે તેને યથાર્થ રૂપે ગ્રહણ કરતું ન હોવાથી ભ્રાન્ત છે, પરંતુ તે અવિસંવાદી હોવાથી પ્રમાણ છે.

બૌદ્ધ દાર્શનિકો ઉત્તમ ચિંતકો હતા. તેમણે પોતાના સિદ્ધાંતોનું પ્રતિપાદન અને વિરોધી દાર્શનિક સિદ્ધાંતોનું ખંડન તર્કબદ્ધ રીતે સૂક્ષ્મતાથી કર્યું છે. બૌદ્ધોએ અન્ય બધા જ દાર્શનિકોને પ્રબળ પૂર્વપક્ષ પૂરો પાડ્યો છે એટલું જ નહિ, પણ બૌદ્ધ આલોચનાએ તેમને પોતાના દાર્શનિક સિદ્ધાંતોને પરિષ્કૃત કરવા માટે વિશેષ ચિંતન કરવા પ્રેર્યા છે. બૌદ્ધ ચિંતકોએ ભારતીય દર્શનોમાં પ્રાણ પૂર્યો છે, તેને ચેતનવંતું રાખ્યું છે અને તેમાં સૂક્ષ્મતા તેમજ તીક્ષ્ણતા આણી છે. બૌદ્ધ દર્શનમાં અનેક દાર્શનિક વિચારધારાઓનું વૈવિધ્ય નોંધપાત્ર છે. તેના અનેક દાર્શનિક સિદ્ધાન્તોએ અનેક ચિંતકોને આકર્ષ્યા છે.

નગીનભાઈ જીવણલાલ શાહ