ચિરોડી (2)

January, 2012

ચિરોડી (2) (રસાયણશાસ્ત્ર) : કૅલ્શિયમનો સ્ફટિકીય જલયોજિત સલ્ફેટ (CaSO4 • 2H2O). બાષ્પીભૂત ખનિજોમાંનું આ એક ખનિજ છે. તેમાં ક્લોરાઇડ, કાર્બોનેટ, બૉરેટ, નાઇટ્રેટ તથા સલ્ફેટનો પણ સમાવેશ થાય છે. આ ખનિજો સમુદ્રો, સરોવરો, ગુફાઓ તથા ક્ષારતળોમાં બાષ્પીભવનને લીધે આયનોનું સંકેન્દ્રીકરણ થતાં બને છે. ચિરોડી અંગેનો પ્રથમ સંશોધનપત્ર 1765માં લાવાઝિયેએ રજૂ કરેલો.

ચિરોડી જુદાં જુદાં 9 સ્વરૂપમાં મળી આવે છે. તે પૈકી 2માં પાણીના બે-બે અણુઓ અને ત્રણમાં પાણીનો અર્ધો અર્ધો અણુ છે જ્યારે 4 સ્વરૂપો અસ્ફટિકમય છે. પૃથ્વી ઉપર તે મોટા ભાગનાં ઔદ્યોગિક રાષ્ટ્રોમાં વિપુલ જથ્થામાં મળી આવે છે. 40° સે. તાપમાને પાણીમાં તેની દ્રાવ્યતા 21 ગ્રા./લિટર છે, જ્યારે ઓછામાં ઓછી દ્રાવ્યતા 0° સે. તાપમાને 1.8 ગ્રા./લિટર છે. ચિરોડીને ગરમ કરવાથી અથવા ઊંચી લવણતા ધરાવતાં તેનાં દ્રાવણો બનાવવાથી તેનું બૅસિનાઇટ (CaSO4 • H2O) અથવા ઍનહાઇડ્રાઇટ(CaSO4)માં પરિવર્તન થાય છે. સમતોલન પરિસ્થિતિમાં તે ઍનહાઇડ્રાઇટમાં સીધું પરિવર્તન પામે છે. આ પરિવર્તન ચોખ્ખા પાણીમાં 42° સે. તાપમાને થાય છે.

ચિરોડી સિમેન્ટની બનાવટમાં અગત્યનો ઘટક છે. ઘણા દેશોમાં તે સિમેન્ટ બનાવવામાં વપરાય છે. તેની ગૌણપેદાશ તરીકે SO3 મળે છે. ચિરોડીનું ચૂર્ણ ખાતરમાં ભેળવવામાં આવે છે ત્યારે તે બાષ્પશીલ અને દ્રાવ્ય નાઇટ્રોજન-સંયોજનોને જમીનમાં સ્થાયી કરે છે. જમીનમાંનો ક્ષાર દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તે સ્થાયી, બિનઝેરી, સ્વાદવિહીન, બિનઘર્ષક તથા રાસાયણિક રીતે ઉમદા હોવાથી તેનો ઉપયોગ રંગોમાં, ઔષધોમાં, જંતુનાશક પાઉડરમાં (મિશ્ર કરવા) તથા યીસ્ટ અને પ્લાસ્ટર ઑવ્ પૅરિસ બનાવવામાં થાય છે. ચિરોડીને 200° સે. તાપમાને હવામાં ગરમ કરવાથી સ્ફટિકી જળ આંશિક રીતે દૂર થતાં અર્ધહાઇડ્રેટ (hemihydrate) બને છે, જે પ્લાસ્ટર ઑવ્ પૅરિસ તરીકે ઓળખાય છે. તેમાં પાણી ઉમેરવામાં આવે ત્યારે પુનર્જલયોજન (rehydration) થાય છે.

આ ઉપરાંત કૅલ્શિયમ સલ્ફેટ અને કોકને ગરમ કરવાથી કૅલ્શિયમ કાર્બાઇડ, કાર્બન ડાયૉક્સાઇડ, કાર્બન મૉનૉક્સાઇડ અને ગંધક મળે છે. 1200° સે. તાપમાને ચિરોડીને ગરમ કરી SO3 મેળવીને તેમાંથી સલ્ફ્યુરિક ઍસિડ બનાવી શકાય છે. એમોનિયા સાથે પ્રક્રિયા દ્વારા એમોનિયમ સલ્ફેટ મેળવવામાં આવે છે.

ચિરોડી નરમ, સ્વચ્છ, સફેદ કે રંગીન છાંટવાળી હોય છે. આલાબાસ્ટર તથા સાટિન સ્પાર જેવાં આલંકારિક રત્નો પણ ચિરોડીના પ્રકાર છે.

જ. પો. ત્રિવેદી