ચિરોડી (1)

January, 2012

ચિરોડી (1) (ભૂસ્તરશાસ્ત્ર) : કૅલ્શિયમનો જળયુક્ત સલ્ફેટ.

રા. બં. : CaSO4 • 2H2O.  સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ.: મેજ આકારના જાડા-પાતળા, ચપટા સ્ફટિકો, ચોકટના એક્કા જેવા, લાંબા-ટૂંકા પ્રિઝમ (ક્યારેક 3 મીટરની આસપાસની લંબાઈવાળા); સોયાકાર, વીક્ષાકાર, ગુલાબની પાંખડીઓની જેમ આંતરગૂંથણી પામેલી પોપડી સ્વરૂપે, ક્યારેક જથ્થામય, કે સૂક્ષ્મ કે મોટા દાણા સ્વરૂપે (દા.ત., આલાબાસ્ટર), રેસાદાર (દા.ત., સૅટિન સ્પાર); કોટરોની દીવાલો પર કોઈ પણ વિરૂપ સ્વરૂપે ચોંટેલા, કાંકરીમય. સામાન્ય યુગ્મતા (100) ફલક પર આધારિત હોય ત્યારે માછલીની પૂંછડીની માફક વિભાજિત સ્વરૂપે; () ફલક પર આધારિત હોય ત્યારે પતંગિયા આકારના યુગ્મસ્ફટિકો, () ફલક પર પણ ક્વચિત્ યુગ્મતા જોવા મળે. સંભેદ : (010) પૂર્ણ અને સરળ વિભાજકતા, (100) સ્પષ્ટ, (011) સ્પષ્ટ. ભં. સ. : કરચવાળી. ચ. : આછો કાચમય, સંભેદ સપાટી પર મૌક્તિક. રં. : રંગવિહીન, પારદર્શક (સેલેનાઇટ); જથ્થામય હોય ત્યારે સફેદ, રાખોડી, પીળાશ પડતો, લીલાશ પડતો, લાલાશ પડતો, કથ્થાઈ. ચૂ. રં. : સફેદ. ક. : 2, નમનીય, પણ સ્થિતિસ્થાપક નહિ. વિ. ઘ. : 2.315થી 2.32. પ્રકા. અચ. : α = 1.5207, β = 1.5230, γ= 1.5299. પ્રકા. સંજ્ઞા : + ve, 2v = 58°. પ્રા. સ્થિતિ : જળકૃત નિક્ષેપો તરીકે મુખ્યત્વે વિપુલ અને બહોળા પ્રમાણમાં પ્રાપ્ય, ખાસ કરીને પર્મિયન અને ટ્રાયાસિક રચનાઓ સાથે સંકલિત. ક્ષારયુક્ત સરોવરોમાં, અમુક જમીનોની સપાટીઓ પર નીકળી આવતા ક્ષાર તરીકે; ધાતુખનિજ નિક્ષેપોના ઑક્સીભૂત વિભાગોમાં; જ્વાળામુખીને પાત્ર પ્રદેશોમાં અન્ય નિક્ષેપો સાથે. ઉત્પત્તિ : સમુદ્રજળના બાષ્પીભવનથી, એનહાઇડ્રાઇટમાં જળ ભળવાથી, ચૂનાખડક કે ડૉલોમાઇટ પર ઉષ્ણજળજન્ય/ઉષ્ણબાષ્પીય પ્રક્રિયા થવાથી કે પાયરાઇટમાંથી ગંધક મુક્ત થઈ કૅલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થવાથી ચિરોડી બની શકે છે. પ્રા. સ્થા. : યુ.એસ.એ.નાં ઘણાંખરાં રાજ્યોમાં; કૅનેડા, મેક્સિકો, ચિલી, ફ્રાંસ, સિસિલી, જર્મની, પોલૅન્ડ, ઑસ્ટ્રિયા, રશિયા વગેરેમાં જુદાં જુદાં સ્થાનોમાં વ્યાપારી ધોરણે જથ્થાઓમાં કે લાંબા સ્ફટિકો સ્વરૂપે મળી આવે છે. પ્રકારો (1) આલાબાસ્ટર : સફેદ કે આછા રંગવાળું, બારીક દાણાદાર. (2) ચિરોડી. (3) જિપ્સાઇટ : મૃદ કે રેતી સાથે મિશ્રિત સ્થિતિમાં મળતી ચિરોડી. (4) સાટિન સ્પાર : રેસાદાર અને રેશમી ચળકાટ ધરાવે છે. (5) સેલેનાઇટ : શુદ્ધ સ્ફટિક સ્વરૂપ, રંગવિહીન.

ભારત : ભારતમાં ચિરોડીનો અનામત જથ્થો 120 કરોડ ટન જેટલો અને તે પૈકી 23.9 કરોડ ટન જેટલો પુન: પ્રાપ્ય (recoverable) હોવાનો અંદાજ મૂકવામાં આવેલો છે. ભારતમાં ચિરોડીનું વિતરણ આ પ્રમાણે આપી શકાય  – રાજસ્થાન : જોધપુર, જેસલમેર, બિકાનેર, નાગૌર, કેવની, ભારુ, બાડમેર. તામિલનાડુ : તિરુચિરાપલ્લી, તિરુનેલવેલી, રામનાથપુરમ્, આર્કટ અને ચિંગ્લીપુટ વિસ્તારો. આંધ્રપ્રદેશ : નેલોર (કિનારા વિસ્તાર). ગુજરાત : ભાવનગર જિલ્લામાં પોરબંદર (મિયાણી અને કેશોદ), જૂનાગઢ (કડિયાળી), કચ્છમાં અને ખેડા જિલ્લામાં મળે છે. જામનગર અને કચ્છના જથ્થા જાણીતા છે. ગુજરાત રાજ્યનો ચિરોડીનો કુલ અનામત જથ્થો 2.36 કરોડ ટન અંદાજવામાં આવેલો છે. હિમાચલપ્રદેશ : સ્પિટિ, સિરમુર અને હિમાલયના અન્ય વિસ્તારોમાંથી મળી રહે છે. જમ્મુ અને કાશ્મીર : ઉરી અને બારામુલ્લા જિલ્લામાં, જમ્મુ વિસ્તારમાંથી મળે છે. ઉત્તરપ્રદેશ : તેહરી-ગઢવાલમાં દેહરાદૂન-મસૂરીમાંથી મળી રહે છે. પંજાબ અને હિમાચલપ્રદેશના વિસ્તારમાં પણ મળે છે.

ઉપયોગ : કૃત્રિમ ખાતરો તૈયાર કરવા માટે તે ગંધકના પ્રાપ્તિદ્રવ્ય તરીકે એકલી કે કુદરતી ખાતરો સાથે મિશ્ર કરીને ઉપયોગમાં લેવાય છે. ચિરોડી એ કુદરતી રીતે મળતું કૅલ્શિયમ સલ્ફેટ હોવાથી એમોનિયમ સલ્ફેટની બનાવટમાં થતો તેનો ઉપયોગ ઘણો જ જાણીતો છે. ખેતીના અમુક પાકોમાં નોંધપાત્ર ફાયદો મેળવવાના હેતુથી જમીનસુધારણા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ચિરોડી એ સિમેન્ટ માટેનો આવશ્યક ઘટક પણ છે, જોકે તેના માત્ર 4 % પ્રમાણની જ તેમાં જરૂર પડે છે. સિમેન્ટ ઠરવા માટેની પ્રક્રિયાને ધીમી બનાવવાના દ્રવ્ય તરીકે તે કામ કરતું હોવાથી, સિમેન્ટના ટકાઉપણામાં વધારો કરે છે. શુદ્ધ ચિરોડી ઔષધોમાં અને રંગોમાં ઉપયોગી છે. પ્લાસ્ટર ઑવ્ પૅરિસ તરીકે ઓળખાતું, શસ્ત્રવિદ્યામાં નમૂના બનાવવા માટે વપરાતું, સફેદ, હલકું, નરમ, સરળતાથી જામી જતું અગ્નિરોધક દ્રવ્ય ચિરોડીને બાળીને બનાવવામાં આવે છે. યુ.એસ.માં બાંધકામ દ્રવ્ય તરીકે દીવાલ માટેનાં અગ્નિરોધક પાટિયાં માટે તેનો ઉપયોગ થાય છે. ચિરોડીની સુંદર, જથ્થામય, દાણાદાર જાત જે ટેરા આલ્બા કે આલાબાસ્ટર તરીકે ઓળખાય છે તે બાવલાં બનાવવા માટે વપરાય છે, જ્યારે રેશમી રેસાદાર જાત, જે સાટિન સ્પાર તરીકે ઓળખાય છે તે સુશોભન સાધનો માટેના માધ્યમ તરીકે વપરાય છે. સાટિનકાંતને નામે ઝવેરાતમાં પણ તેનો ઉપયોગ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા

વ્રિજવિહારી દીનાનાથ દવે