બૅલિસ, વિલિયમ મૅડોક (સર) (જ. 1860, વૉલ્વર હૅમ્પટન, ઇંગ્લૅન્ડ; અ. 1924) : દેહધર્મવિદ્યા(physiology)ના અગ્રણી નિષ્ણાત. તેમણે લંડનની યુનિવર્સિટી કૉલેજ ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને 1888થી 1924 દરમિયાન ત્યાં દેહધર્મવિદ્યા વિશે અધ્યાપનકાર્ય કર્યું. તેમણે મોટા ભાગનું સંશોધનકાર્ય તેમના સાથી અર્નેસ્ટ હેનરી સ્ટાલિંગના સહયોગમાં કર્યું. એમાં સૌથી મહત્વની સંશોધન-કામગીરી તે કાર્ડિયો-વૅસ્ક્યુલર તંત્રનો ઊંડો અને ઝીણવટભર્યો અભ્યાસ અને તદનુષંગે કરેલી સિક્રીટિનની શોધ છે. સૌથી પહેલો જાણવા મળેલો હૉર્મોન તે આ સિક્રીટિન. ‘હૉર્મોન’ શબ્દ પણ પહેલવહેલો તેમણે જ પ્રયોજ્યો. ‘પ્રિન્સ પલ્સ ઑવ્ જનરલ ફિઝિયૉલૉજી’ (1915) એ તેમનું ઉત્તમ પુસ્તક લેખાય છે.
1922માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.
મહેશ ચોકસી