બેલિંગશૉસેન સમુદ્ર

January, 2000

બેલિંગશૉસેન સમુદ્ર (બેલજિકા સમુદ્ર) : દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડા પરની હૉર્નની ભૂશિરથી નૈર્ઋત્ય તરફ આવેલો ઍન્ટાર્ક્ટિકા ખંડ નજીકનો સમુદ્ર. તે 65°થી 72° દક્ષિણ અક્ષાંશ અને 70°થી 110° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. ફૅબિયન ગૉટલિબ ફૉન બેલિંગશૉસેને 1819માં આ સમુદ્રની શોધ કરેલી, તેના નામ પરથી આ સમુદ્રને નામ અપાયેલું છે. વિશાળ વિસ્તારને આવરી લેતા આ સમુદ્રમાં રૉન (Ronne) અને માર્ગ્વેરાઇટ (Marguerite) ઉપસાગરો જેવા ફાંટા છે તો પીટર I, ચાર્કોટ અને ઍલેક્ઝાન્ડર જેવા ટાપુઓ પણ છે. સમુદ્રનો પૂર્વ ભાગ બ્રિટિશ હસ્તક આવેલા ફૉકલૅન્ડના કબજા હેઠળનો મુલક છે, જ્યારે દક્ષિણ ભાગ યુ.એસ. હસ્તક બાયર્ડ-એલ્સવર્થ વિભાગમાં આવે છે. આ સમુદ્ર હેઠળની ઍન્ટાર્ક્ટિકા ખંડીય છાજલી આશરે 320 કિમી. જેટલા વિસ્તારમાં પથરાયેલી છે.

ગિરીશભાઈ પંડ્યા