બેલિન્સ્કી, વિસારિયૉન ગ્રિગોરિયેવિચ

January, 2000

બેલિન્સ્કી, વિસારિયૉન ગ્રિગોરિયેવિચ (જ. 11 જૂન 1811, વિયાપોરી, રશિયા; અ. 7 જૂન 1848, સેન્ટ પીટર્સબર્ગ) : રશિયન સાહિત્યના ખ્યાતનામ વિવેચક. તેઓ રશિયાના મૂલગામી બુદ્ધિમાનોના ‘પિતામહ’ તરીકે ઓળખાતા હતા.

મૉસ્કો યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કર્યા બાદ પત્રકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ (1832). તેમના નોંધપાત્ર વિવેચનાત્મક લેખો 1834માં ‘મોલ્વા’ નામના અખબારમાં પ્રસિદ્ધ થયા હતા. તેમાં રશિયન સંસ્કૃતિથી ધબકતી રાષ્ટ્રીય લાક્ષણિકતાનો આવિષ્કાર છે. પાછળથી તેમણે હેગલના ઇતિહાસનું તત્વજ્ઞાન સ્વીકાર્યું હતું. 1839માં તેમને ‘ઑટેકેસ્ટ્વેની ઝૅપિસ્કી’ નામના જર્નલમાં કાયમી જગ્યા મળતાં તેમણે રૂઢિચુસ્ત હેગલિયનિઝમ વિરુદ્ધ બંડ પોકારવા માંડ્યું.

રાષ્ટ્રીય પ્રકારના રશિયન સમાજવાદ વિશે તેમનું પ્રદાન તેમની મુખ્ય સિદ્ધિ લેખાય છે. પુશ્કિન, લર્મોન્ટોવ, ગૉગોલ અને દોસ્તોયવસ્કી વિશેનું તેમનું પૃથક્કરણ આધુનિક રશિયન સાહિત્યિક વિવેચનનો આધારગ્રંથ બની રહ્યું છે.

વિસારિયૉન ગ્રિગોરિયેવિચ બેલિન્સ્કી

રશિયન સાહિત્યવિષયક નિસર્ગવાદના ઉદ્દેશોની વ્યાખ્યા કરવામાં તેઓ સાધનભૂત બન્યા હતા. રશિયન સાહિત્યની પાછલી બે સદીઓની મોજણીરૂપ તેમની કૃતિ ‘લિટરરી રેવરિસ’ (1934) દ્વારા તેમને ઠીક ઠીક પ્રસિદ્ધિ મળી હતી. ઉપરાંત રશિયન સાહિત્યની વાર્ષિક મોજણી (1840–41) તેમજ રશિયન અને વિશ્વસાહિત્યના મુખ્ય આંકડા પરના તેમના નિબંધોથી તેમને વધુ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી.

આમાં તેમણે જર્મન આદર્શવાદી સૌંદર્ય-વિભાવના તેમજ સાહિત્યને સામાજિક પ્રગતિના વાહન તરીકે લેખવાની વિચારસરણીનું સંયોજન કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. ક્રાંતિવાદી તરીકે તેમની એવી ર્દઢ માન્યતા હતી કે જરૂર પડ્યે સાહિત્યલેખનમાં સામાજિક મૂલ્યો ખાતર કલાલક્ષી ઉત્તમતાનો ભોગ આપવો ઘટે. તેમનો વિવેચના પરત્વેનો અભિગમ, પાછળથી સોવિયેત સમાજવાદી વાસ્તવવાદની સાર્થકતામાં ખપમાં લેવાયો હતો.

બળદેવભાઈ કનીજિયા