બૅરેની રૉબર્ટ (જ. 22 એપ્રિલ 1876, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 8 એપ્રિલ 1936, ઊપ્સલા [Uppsala] સ્વીડન) : 1914ના દેહધાર્મિક વિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિકવિજેતા. તેમણે માનવશરીરમાં રહેલા સંતુલન-ઉપકરણ(vestibular apparatus)ની દેહધાર્મિક ક્રિયાઓ અને તેના વિકારો પર અભ્યાસ કર્યો હતો. તેમના તે અંગેનાં સંશોધનો માટે તેમને આ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. બૅરેનીએ વિયેનામાં એમ.ડી.ની ઉપાધિ મેળવવા અભ્યાસ કર્યો અને પછી તેઓ પોતાની જ યુનિવર્સિટીના કર્ણવિદ્યા (otology) વિભાગમાં જોડાયા હતા. 1915માં પ્રથમ વિશ્વયુદ્ધમાં એક ડૉક્ટર તરીકે સેવા આપતા હતા ત્યારે રશિયનો દ્વારા તેઓ યુદ્ધકેદી રૂપે પકડાયા હતા. સ્વીડિશ રેડક્રૉસ સંસ્થાએ રસ લઈને તેમને 1916માં મુક્તિ અપાવી. તે પછી તેમણે કાનની અંદર આવેલા અંત:કર્ણ અને ખોપરીની અંદર આવેલા નાના મગજ (અનુમસ્તિષ્ક, cerebellum) પર અભ્યાસ કર્યો અને તેમની દેહધાર્મિક ક્રિયાઓ તથા વિકારોને વર્ણવ્યા. તેમણે એક બાજુના કાનમાં બહેરાશ અથવા બધિરતા (deafness) આવી હોય તો તેનું નિદાન કરવાની પદ્ધતિ પણ દર્શાવી. તેઓએ ઉપસેલા યુનિવર્સિટીના નાક, કાન અને ગળાના વિભાગના વડા તરીકે મૃત્યુપર્યંત સેવા આપી.
શિલીન નં. શુક્લ