બૅરેન્ટ્સ ટાપુ : સ્વાલબાર્ડ દ્વીપસમૂહમાં પશ્ચિમ સ્પિટ્ઝબર્ગન અને એજ (Edge) ટાપુ વચ્ચે આવેલો નૉર્વેજિયન ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 78° 30´ 50´´ ઉ. અ. પર તથા 20° 10´થી 22° 20´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે જિનીવ્રા ઉપસાગર અને હેલે સાઉન્ડ દ્વારા પશ્ચિમ સ્પિટ્ઝબર્ગનથી અલગ પડે છે, જ્યારે ફ્રીમૅન સામુદ્રધુની દ્વારા એ જ ટાપુથી અલગ પડે છે. તેનો કુલ વિસ્તાર 1,331 ચોકિમી. જેટલો છે. આ ટાપુની ભૂસ્તરરચનાની જાણકારી તદ્દન ઓછી છે, પરંતુ તેનું ભૂપૃષ્ઠ મુખ્યત્વે ટ્રાયાસિક રચનાના સ્તરોથી બનેલું છે. તેમાં ક્યાંક ક્યાંક ડાયાબેઝ ખડકોનાં અંતર્ભેદકો પણ મળે છે. ડચ નૌકાયાત્રી વિલિયમ બૅરેન્ટ્સના નામ પરથી આ ટાપુનું નામ ‘બૅરેન્ટ્સ’ પડેલું છે.

ગિરીશભાઈ પંડ્યા