બેરેટો, ફ્રાંસિસ્કો

January, 2000

બેરેટો, ફ્રાંસિસ્કો (જ. 1520, ફેરો, પૉર્ટુગીઝ; અ. 9 જુલાઈ 1573, મોઝાંબિક) : પૉર્ટુગીઝ સેનાપતિ અને ભારતનાં સંસ્થાનોમાં ગવર્નર. વસાઈના કૅપ્ટન ફ્રાંસિસ્કો બેરેટો 1555માં ભારતમાં પૉર્ટુગીઝ સંસ્થાનોના ગવર્નર બન્યા. તેમણે સપ્ટેમ્બર 1558 સુધી આ હોદ્દો ભોગવ્યો. આ દરમિયાન ચાર ખ્રિસ્તી ધર્મગુરુઓ તેમને મળ્યા અને કહ્યું કે તે પોતાના પ્રદેશોના બધા લોકોને ખ્રિસ્તી ધર્મપરિવર્તન કરાવવાનાં પગલાં ભરશે તો યુદ્ધમેદાનના  વિજય કરતાં પણ તેને વધારે કીર્તિ મળશે. તેમણે ખાતરી આપી કે પૉર્ટુગીઝ સત્તા સુસ્થાપિત થઈ હોવાથી બળવાનો ભય નથી. તેથી તેમણે તે પાદરીઓને, તેઓ ઇચ્છતા હોય એવા આદેશોનો મુસદ્દો તૈયાર કરી લાવવા કહ્યું, પાદરીઓએ તૈયાર કરેલ મુસદ્દાને તેમણે અધિકૃત સૂચના તરીકે પ્રગટ કર્યો. તે ‘લૉ ઑવ્ બેરેટો’ તરીકે જાણીતો થયો. તે મુજબ તેમના ધર્મમાં ન માનનાર પ્રજાને જાહેર કે ખાનગીમાં તેમના ધર્મની વિધિ અથવા ધાર્મિક ઉત્સવ ઊજવવાની મનાઈ ફરમાવવામાં આવી. વળી એ ફરમાનમાં જણાવવામાં આવ્યું કે મૂર્તિઓ માટે મકાનોમાં તપાસ કરવી અને તે જેમની પાસેથી મળી આવે તેમને અથવા જેઓ મનાઈ કરેલ રિવાજો પાળતા જણાય તો તેમને ગુનેગારો લેખી ગુલામો બનાવવા તથા તેમની બધી મિલકતો જપ્ત કરી લેવી અને તેમાંથી અડધી મિલકત ખબર આપનારને તથા અડધી ચર્ચને આપી દેવી. વળી એ ફરમાનમાં હિંદુઓને જાહેર હોદ્દા અને કરવેરા ઉઘરાવવાનો કૉન્ટ્રેક્ટ લેવાની મનાઈ કરવામાં આવી. તેમજ કોઈ સ્ત્રી ધર્મપરિવર્તન કરે તો તેને ભિન્ન ધર્મના પતિની અડધી મિલકત મેળવવાને માટેની હકદાર ગણી. અનાથ બાળકોની માતા અથવા સગાંઓ જીવંત હોય તોપણ ખ્રિસ્તી ધર્મની દીક્ષા આપી શકાય એવું પણ એ ફરમાનમાં જણાવવામાં આવ્યું.

લૂઈ ડી કેમોસે ભારતમાં પૉર્ટુગીઝ વહીવટની ટીકા કરવાથી બેરેટોએ તેને હદપાર કર્યો હતો. પૉર્ટુગલના રાજા સેબાસ્ટિયને દક્ષિણ આફ્રિકામાં પૉર્ટુગીઝ સત્તા સ્થાપવા, મનિકાની સોનાની ખાણો કબજે કરવા તથા એક મિશનરીના ખૂનનો બદલો લેવા બેરેટોને 1569માં મોકલ્યો હતો. બેરેટોએ ઝામ્બેઝી ખીણનો માર્ગ લીધો, પરંતુ ત્યાં ગંભીર બીમારીથી મોઝાંબિકના સેના મુકામે તે મરણ પામ્યો.

કનુભાઈ ચં. બારોટ