બૅચલર, જૉય (જ. 1914; હર્ટફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1991) : જીવંત (animated) કાર્ટૂનનાં નિર્માત્રી. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો ‘હાર્પર બાઝાર’માં ફૅશન આર્ટિસ્ટ તરીકે. 1935માં તેમણે ‘રૉબિનહુડ’ના નિર્માણ દ્વારા જીવંત કાર્ટૂનનો પ્રારંભ કર્યો. 1941માં તેમણે સાથી નિર્માતા જૉન હલ્સ સાથે લગ્ન કર્યાં.

બંનેએ સાથે મળીને હલ્સ બૅચલર ઍનિમેશન યુનિટની સ્થાપના કરી. તેમણે સંપૂર્ણ કથાનકવાળું બ્રિટનનું સર્વપ્રથમ કાર્ટૂન તૈયાર કર્યું. તેનું નામ હતું ‘હૅન્ડલિંગ શિપ્સ’. 1947માં તેમણે ‘ચાર્લી’ શ્રેણીનું નિર્માણ કર્યું. અન્ય ફિલ્મમાં ઑરવેલનું ‘ઍનિમલ ફાર્મ’ (1954) ઉલ્લેખનીય છે. આ ઉપરાંત ટેલિવિઝન-શ્રેણી ‘ટેલ્સ ઑવ્ હૉફનંગ’નું પણ નિર્માણ કર્યું.

મહેશ ચોકસી